News of Saturday, 1st August 2026
રાજકોટને ઘમરોળતા મેઘરાજા: એક જ દિવસમાં ૪ ઈંચ વરસાદથી રસ્તાઓ બન્યા બેટ, સીઝનનો કુલ વરસાદ ૧૪ ઈંચે પહોંચ્યો!
ઝીરો વિઝિબિલિટી વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ; પોપટપરા અંડરપાસ બંધ, લાલપરી તળાવ ૯૦ ટકા ભરાતાં નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર

રાજકોટ : રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ અનરાધાર પધરામણી કરતાં સમગ્ર રંગીલું રાજકોટ જળબંબાકાર થઈ ગયું છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના એલર્ટ વચ્ચે મોડી રાતથી જ સતત વરસેલા ચોમાસી વરસાદે શહેરના મુખ્ય રસ્તાઓને નદીઓમાં ફેરવી નાખ્યા હતા. વહેલી સવારે ધુમ્મસ અને વરસાદી વાદળોના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતાં ધોળા દિવસે વાહનચાલકોને હેડલાઇટો ચાલુ રાખવાની ફરજ પડી હતી.
ઝોન વાઇઝ વરસાદ અને મ્યુનિસિપલ કમિશનરનું ગ્રાઉન્ડ ઝીરો નિરીક્ષણ
રાજકોટમાં શનિવારે સાંજ સુધીમાં ૪ ઈંચ વરસાદ સાથે ચાલુ સીઝનનો કુલ વરસાદ ૧૪ ઈંચ નોંધાઈ ચૂક્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ અનુસાર, સેન્ટ્રલ ઝોનમાં ૩ ઈંચ (૭૨ મીમી), વેસ્ટ ઝોનમાં ૩ ઈંચ (૭૦ મીમી) અને ઈસ્ટ ઝોનમાં સવા બે ઈંચ (૫૬ મીમી) વરસાદ નોંધાયો છે. વરસાદી સ્થિતિને પગલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પોતે ફિલ્ડમાં ઉતર્યા હતા અને ભગવતીપરા, પોપટપરા તથા રેલનગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરીનું જાતતપાસ સાથે નિરીક્ષણ કર્યું હતું.
પોપટપરા અંડરપાસ બંધ, RMC સ્ટાફની તમામ રજાઓ રદ્દ
શહેરમાં ભારે પાણી ભરાવાને કારણે પોપટપરા વિસ્તારમાં આવેલો અંડરપાસ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં પોલીસ અને વોર્ડ સ્ટાફ તૈનાત કરી લોકોને જતાં અટકાવવામાં આવ્યા હતા. ભારે વરસાદની આગાહીના પગલે કમિશનર દ્વારા ડ્રેનેજ, એન્જિનિયરિંગ, ફાયર બ્રિગેડ અને ઇલેક્ટ્રિકલ સહિતની શાખાઓના સ્ટાફને સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી તમામ રજાઓ રદ્દ કરી દેવાઈ છે. તંત્રે નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને કંટ્રોલ રૂમ નંબર ૧૫૫૩૦૪ પર સંપર્ક કરવા અપીલ કરી છે.
લાલપરી તળાવ ઓવરફ્લો થવાની અણી પર, ડેમોમાં નવા નીરની આવક
સતત વરસાદના કારણે રાજકોટનું ઐતિહાસિક લાલપરી તળાવ ૯૦ ટકા જેટલું ભરાઈ ગયું છે અને માત્ર અડધો ફૂટ પાણીની આવક થતાં જ તે ઓવરફ્લો થઈ જશે, જેના કારણે કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. આ ઉપરાંત પશ્ચિમ રાજકોટના અટલ સરોવરમાં દોઢ ફૂટ પાણી આવ્યું છે. સૌરાષ્ટ્રના ૨૨ ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે, જેમાં આજી-૧, ભાદર-૧, ન્યારી-૨ અને મોજ ડેમમાં પાણીની સપાટી વધી છે, જેનાથી રાજકોટનો પીવાના પાણીનો યક્ષપ્રશ્ન હળવો થયો છે.
(7:05 PM IST)










