તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પેપર લીક કાંડ બાદ UG NEET રદ થતા મેડિકલના વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ : રાજકોટમાં 'No Re NEET'ના નારા સાથે વાલીઓનો વિરોધ
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના વિવાદાસ્પદ નિર્ણયને વાલીઓએ ગણાવ્યું 'જધન્ય કૃત્ય' : ફરી પરીક્ષા લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી

રાજકોટ: મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા લાખો વિદ્યાર્થીઓની અઢી વર્ષની આકરી મહેનત પર નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ (NTA) આકસ્મિક રીતે પાણી ફેરવી દીધું છે. ગત 3 મેના રોજ લેવાયેલી UG NEET પરીક્ષાનું પેપર રાજસ્થાનથી લીક થયું હોવાની પુષ્ટિ થતા જ એજન્સીએ આખા દેશમાં પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો છે. આ ચોંકાવનારા નિર્ણયને પગલે રાજકોટના શૈક્ષણિક જગતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી તંત્ર સામે બાયો ચઢાવી છે.
વિદ્યાર્થીઓનો ગંભીર સવાલ - માનસિક તણાવ માટે જવાબદાર કોણ?
રાજકોટમાં એકઠા થયેલા સેંકડો વિદ્યાર્થીઓએ 'No Re NEET'ના નારા લગાવી સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અમે લાંબા સમયની રાત-દિવસની મહેનત બાદ આ પરીક્ષા આપી હતી. હવે ફરીથી માત્ર એક મહિનામાં આટલી મોટી પરીક્ષાની તૈયારી કરવી માનસિક રીતે અશક્ય છે. વિદ્યાર્થીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો પરીક્ષાના ભાર અને તણાવ હેઠળ કોઈ વિદ્યાર્થી હતાશામાં આવી આપઘાત જેવું પગલું ભરે, તો તેની જવાબદારી કોણ સ્વીકારશે? NTAના આ નિર્ણયથી તેજસ્વી વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વાલીઓએ NTA સામે મોરચો માંડ્યો:
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ વાલીઓએ પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા પર આકરા સવાલો ઉઠાવ્યા છે. વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, અમુક અસામાજિક અને ખરાબ તત્વોના પાપે દેશભરના નિર્દોષ વિદ્યાર્થીઓને સજા આપવી એ અન્યાય છે. એજન્સીની નિષ્ફળતાનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. વાલીઓએ આ નિર્ણયને 'જધન્ય કૃત્ય' ગણાવીને મક્કમતાપૂર્વક માંગ કરી છે કે ફરીથી પરીક્ષા લેવી એ કોઈ ઉકેલ નથી. આ મામલે ન્યાય મેળવવા માટે વાલીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી છે.
ભવિષ્ય અધ્ધરતાલ:
મેડિકલ પ્રવેશ માટેની એકમાત્ર ગણાતી આ પરીક્ષા રદ થવાથી હાલમાં સમગ્ર શૈક્ષણિક વર્ષ અને પ્રવેશ પ્રક્રિયા પર જોખમ તોળાઈ રહ્યું છે. રાજકોટના વિદ્યાર્થીઓ કોઈ પણ સંજોગોમાં ફરી પરીક્ષા આપવા તૈયાર નથી, ત્યારે સરકાર અને સુપ્રીમ કોર્ટ આ વિવાદમાં શું મધ્યસ્થી કરે છે તે જોવું રહ્યું. હાલમાં તો પેપર લીક કરનારાઓ સામે કડક પગલાં લેવાની સાથે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની માંગ બુલંદ બની છે.
(5:21 PM IST)










