News of Friday, 19th June 2026
ઝાપટામાં પાણી ભરાતા મેયર અને સ્ટેન્ડીંગ ચેરમેન એકશનમાં : કોર્પોરેટરો અને ઇજનેરોને ફિલ્ડમાં ઉતાર્યા
કોર્પોરેટરો અને અધિકારીઓ, કર્મચારીઓને ચોમાસા દરમિયાન ફિલ્ડમાં સક્રિય રહેવા સૂચના; ભારે વરસાદ પહેલાં ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા આયોજન

રાજકોટ, તા. ૧૯ : પડેલા સામાન્ય ઝાપટાં દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમય માટે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તાત્કાલિક સ્થિતિની સમીક્ષા કરી હતી. મેયરે પોતાના નિવાસસ્થાન નજીકના માર્ગ પર તેમજ ચેરમેને કોર્પોરેશન ચોક વિસ્તારમાં પાણી ભરાયેલું જોવા મળતા તુરંત જ મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોને ફિલ્ડમાં દોડી જવા સૂચના આપી હતી.
મેયરે તમામ કોર્પોરેટરોને પોતાના વિસ્તારોમાં જઈ સ્થળ પર સ્થિતિનું નિરીક્ષણ કરવા તેમજ જ્યાં કોઈ સમસ્યા હોય તેની માહિતી તાત્કાલિક મનપાના ઇજનેરો સુધી પહોંચાડવા જણાવ્યું હતું. વિવિધ વિસ્તારોમાંથી મળેલા ફોટા અને વીડિયો પણ અધિકારીઓને મોકલી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
મનપાના ઇજનેરોએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ પાણી નિકાલની સ્થિતિ ચકાસી હતી. આગામી દિવસોમાં ભારે વરસાદ પડે ત્યારે નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જ્યાં જરૂરી હોય ત્યાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઇન અને પાણી નિકાલની વ્યવસ્થામાં સુધારા કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
મેયરે કોર્પોરેટરોને ચોમાસા દરમિયાન સતત ફિલ્ડમાં રહી નાગરિકોની સમસ્યાઓ પર નજર રાખવા અને વરસાદી પરિસ્થિતિ દરમિયાન સ્થળ પર જ હાજર રહી કામગીરી કરાવવા સૂચના આપી હતી. આ સમગ્ર મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા પણ ટૂંક સમયમાં બેઠક બોલાવી વરસાદી પાણીના નિકાલ અને ચોમાસાની કામગીરીની વિસ્તળત સમીક્ષા કરવામાં આવશે.
મનપા તંત્રે સ્પષ્ટ કર્યું છે કે વરસાદ દરમિયાન કચેરીમાં બેસીને નહીં પરંતુ મેદાનમાં જઈ વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરીને જ જરૂરી કામગીરી કરવામાં આવશે જેથી આગામી ભારે વરસાદમાં શહેરને ઓછામાં ઓછી તકલીફ પડે.
(3:35 PM IST)










