<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

મહાનગરપાલિકા દ્વારા આયોજીત ‘સ્‍વદેશી મેળા'ને કાલે મેયર નેહલ શુકલ ખુલ્લો મુકશે

સ્‍થાનિક કલાકારો પોતાની પ્રતિભા રજુ કરી શકશેઃ QR Code સ્‍કેન કરી રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી

રાજકોટ, તા. રરઃ પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મેઈક ઇન ઇન્‍ડિયા' અને ‘આત્‍મનિર્ભર ભારત'ના સ્‍વપ્નને સાકાર કરવા તેમજ વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકસિત ભારત' બનાવવાના રાષ્‍ટ્રીય સંકલ્‍પને વેગ આપવા માટે ગુજરાત શહેરી આજીવિકા મિશન, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વદેશી ઉત્‍પાદનો અને સેવાઓના ઉપયોગને પ્રોત્‍સાહન આપવાના હેતુથી ‘સ્‍વદેશી મેળા-૨૦૨૬(શોપિંગ ફેસ્‍ટિવલ)'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ મેળો કાલે તા. ૨૩ થી તા. ૩ નવેમ્‍બર દરમિયાન રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલા ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે યોજાશે. આવતીકાલે સવારે ૧૦:૩૦ કલાકે ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે મહાનગરપાલિકાના મેયર ડો.નેહલ શુક્‍લ દ્વારા રિબિન કાપી, ‘સ્‍વદેશી મેળા-૨૦૨૬(શોપિંગ ફેસ્‍ટિવલ)' ખુલ્લો મૂકવામાં આવશે.

આ અવસરે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા ઉપસ્‍થિત રહેશે. ઉપરાંત ધારાસભ્‍યો ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાન્‍ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને શહેરીજનો ઉપસ્‍થિત રહેશે. 

‘સ્‍વદેશી મેળા-૨૦૨૬(શોપિંગ ફેસ્‍ટિવલ)'માં સાંસ્‍કળતિક કાર્યક્રમો માટે વિશેષ સાંસ્‍કળતિક કોર્નર બનાવવામાં આવશે. આ કોર્નરમાં સ્‍થાનિક કલાકારોને પ્રાધાન્‍ય આપવામાં આવશે, જેથી રાજકોટના કલાકારોને પોતાની કલા અને પ્રતિભા રજુ કરવા માટે યોગ્‍ય મંચ મળી રહે. ખાસ કરીને ઊભરતા કલાકારોને પ્રોત્‍સાહન આપવા માટે આ સાંસ્‍કળતિક કોર્નરનું આયોજન કરવામાં આવ્‍યું છે.

મેળા દરમિયાન કોઈપણ નાગરિક, કલાકાર સાંજે ૬ થી રાત્રે ૯ કલાક દરમિયાન પોતાની કલા રજુ કરી શકશે. આ વ્‍યવસ્‍થા દ્વારા ગાયન, સંગીત અને અન્‍ય સાંસ્‍કળતિક અભિવ્‍યક્‍તિઓ સાથે જોડાયેલી સ્‍થાનિક પ્રતિભાઓને બહોળા જનસમુદાય સમક્ષ પોતાની કળા રજુ  કરવાની તક મળશે. વધુ માહિતી માટે મો. ૭૦૯૬૦ ૧૪૨૧૪ ઉપર સંપર્ક કરી શકાશે.

(2:51 PM IST)