તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 28th July 2026
પીડબલ્યુડીના નિવૃત કર્મી દિલીપભાઇ ખખ્ખર, પત્નિ સ્મીતાબેન, પુત્ર નિશીતનો સામુહિક આપઘાતઃ એક સાથે ત્રણ અરથી ઉઠતાં અરેરાટી
આર્થિક ભીંસથી પગલુ ભર્યાનું તારણઃ વ્યાજખોરી પણ કારણભૂત હોવાની શક્યતાઃ ઉંડી તપાસની યુવા રઘુવંશી આગેવાનોની માંગણી : સાધુ વાસવાણી રોડ અજંતા પાર્કમાં બનાવઃ હોસ્પિટલે પહોંચતા જ ૬૫ વર્ષિય સ્મીતાબેન ખખ્ખરે દમ તોડી દીધોઃ બાદમાં પોણા નવ વાગ્યે પતિ દિલીપભાઇ (ઉ.વ.૭૨)નું અને નવ વાગ્યે પુત્ર નિશીતભાઇ (ઉ.વ.૩૨)નું મૃત્યુઃ સ્યુસાઇડ નોટ મળી નથીઃ મોબાઇલની કોલ ડીટેઇલ, મિત્રો-સગાના નિવેદનો નોંધવા તજવીજ

સ્મિતાબેન ખખ્ખર, તેમના પતિ દિલીપભાઇ ખખ્ખર અને પુત્ર નિશીતભાઇના ફાઇલ ફોટો અને નિષ્પ્રાણ દેહ
ઘટનાની જાણ થતાં યુવા રઘુવંશી આગેવાનો કે. ડી. રઘુવંશી, પ્રદિપ રઘુવંશી સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં અને આ ઘટનામાં દાખલારૂપ કાર્યવાહી કરવા અને જે કોઇ પણ જવાબદાર હોય તેની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
રાજકોટ તા. ૨૮: શહેરના સાધુ વાસવાણી રોડ પર અંજતા પાર્કમાં રહેતાં ખખ્ખર-લોહાણા પરિવારના વૃધ્ધ દંપતિ અને યુવાન પુત્રએ સામુહિક આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. પીડબલ્યુડીના ૭૨ વર્ષિય નિવૃત કર્મચારી,
તેમના ૬૫ વર્ષિય પત્નિ અને ૩૨ વર્ષિય પુત્રએ ગત સાંજે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ પત્નિનું સારવાર શરૂ થતાંની સાથે જ મૃત્યુ થયા બાદ પિતા-પુત્રએ પણ થોડા કલાકોમાં દમ તોડી દેતાં આખો પરિવાર ખતમ થઇ ગયો હતો. આર્થિક ભીંસ અને ઉઘરાણીને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે. ઉઘરાણી કરનારાને શોધી કાઢી આકરી કાર્યવાહી કરવાની રઘુવંશી સમાજે માંગણી કરી હતી.
જાણવા મળ્યા મુજબ સાધુ વાસવાણી રોડ પર ગંગોત્રી ડેરી પાછળ અજંતા પાર્ક ડી-૯ ખાતે રહેતાં પીડબલ્યુડીના નિવૃત કર્મચારી દિલીપભાઇ નટવરલાલ ખખ્ખર (ઉ.વ.૭૨), તેમના પત્નિ સ્મીતાબેન દિલીપભાઇ ખખ્ખર (ઉ.વ.૬૫) અને પુત્ર નિશીત દિલીપભાઇ ખખ્ખર (ઉ.વ.૩૨)એ સાંજે ઘરે સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. નિશીતે આ પગલુ ભર્યા બાદ મિત્રને જાણ કરતાં મિત્રએ દિલીપભાઇના કુટુંબીઓને જાણ કરતાં બધા ત્યાં પહોંચ્યા હતાં અને ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જો કે અહિ સ્મીતાબેનનું સારવાર શરૂ થતાં જ મૃત્યુ થયું હતું. ત્યારબાદ દિલીપભાઇનું પોણા નવ વાગ્યે અને પુત્ર નિશીતનું નવ વાગ્યે મૃત્યુ થયું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં યુનિવર્સિટી પીઆઇ સી. એન. દવે સહિતના સ્ટાફે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર દિલીપભાઇ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. તેઓ પીડબલ્યુડીમાંથી વર્ષ ૨૦૧૩માં નિવૃત થયા હતાં. તેમને સંતાનમાં બે દિકરા પૈકી મોટા દિકરાનું ૨૦૧૮માં હાર્ટએટેકથી અવસાન થયું હોઇ નિશીત તેમનો એકનો એક આધારસ્તંભ હતો. નિશીતભાઇ ગોલ્ડ લોન સહિતનું કામ કરતાં હતાં. કેટલાક સમયથી તે આર્થિક ભીંસમાં હોઇ કોઇ પાસેથી ઉછીની કે વ્યાજે રકમ લીધાની પણ ચર્ચા છે. ગઇકાલે આ ઘટના બની તેના થોડા સમય પહેલા એટલે કે બપોરે કોઇનો ઉઘરાણી માટે ફોન આવ્યો હતો. આ પછી સાંજે નિશીતે માતા, પિતા સાથે આ પગલુ ભરી લીધુ હતું.
સગાના જણાવ્યા મુજબ ઘરમાંથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. હાલમાં તો આર્થિક સંકડામણનું પ્રાથમિક તારણ છે. પરંતુ મૃતક નિશીતભાઇના મોબાઇલની કોલ ડિટેઇલ સહિતની તપાસ બાદ વધુ વિગતો બહાર આવશે. આ બનાવને પગલે ખખ્ખર પરિવારનો માળો વિખેરાઇ જતાં કલ્પાંત સર્જાયો છે. એક સાથે ત્રણ અરથી ઉઠી ત્યારે અનેક આંખો રડી પડી હતી.
સામુહિક આપઘાતની ઘટનાની જાણ થતાં રઘુવંશી સમાજના યુવા અગ્રણી કે.ડી રઘુવંશી, પ્રદિપ રઘુવંશી તેમજ અન્ય યુવા કાર્યકરો હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતાં. અગ્રણીએ જણાવ્યું હતું કે મૃતક નિશીતભાઇના ખાતામાં નેવુ હજારની ક્રેડીટ થઇ હતી. આ રકમ કોણે કયા કારણે મોકલી તેની તપાસ થવી જરૂરી છે. તેમજ ઉઘરાણી બાબતે બપોરે ફોન આવ્યાની પણ ચર્ચા હોઇ તપાસ થતાં કોઇએ આ પગલુ ભરવા મજબૂર કર્યા કે કેમ? તે બહાર આવશે. આ પરિવારને પગલુ ભરવા મજબૂર કરનારા સામે પોલીસ તત્કાળ કાર્યવાહી કરે તેવી અમારી માંગણી છે. સ્થાનિક પોલીસ યોગ્ય ન કરે તો ક્રાઇમ બ્રાંચ તપાસ કરે તેવી પણ અમારી માંગણી છે. તેમ યુવા રઘુવંશી આગેવાને જણાવ્યું હતું. પ્રદિપ રઘુવંશીએ જણાવ્યું હતું કે વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક ભીંસથી આ પગલુ ભર્યાનું પ્રાથમિક રીતે જણાયું છે. પોલીસ આ કેસમાં તત્કાળ કાર્યવાહી કરી જવાબદારો સામે પગલા લે તેવી અમારી માંગણી છે. દાખલો બેસે તેવી કાર્યવાહી પોલીસે કરવી જોઇએ. આ કેસની હળવાશથી ન લેવામાં આવે તેવી અમારી પોલીસ સમક્ષ ખાસ માંગણી છે.
(1:17 PM IST)










