તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સંતશ્રી દાસી જીવણ સાહેબની જગ્યા ઘોઘાવદરમાં રવિવારે સમૂહલગ્ન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

રાજકોટ તા. ૨૧ : સંત શિરોમણી દાસી જીવણ સાહેબની જગ્યા ગૌશાળા ટ્રસ્ટ ઘોઘાવદર દ્વારા આગામી તા. ૨૪ના રવિવારે મેઘવાળ જ્ઞાતિના સમુહલગ્નનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જગ્યાના શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી શામળાનંદગીરી મહારાજે જણાવ્યુ હતુ કે આ સતત ૧૫મું આયોજન છે. જેમાં ૧૨ દીકરીઓ લગ્ન જીવનની કેડી કંડારશે. દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને સોનાની બુટી, ચાંદીના સાંકળા, સેટી સહીત ૫૦થી વધુ વસ્તુઓ કરીયાવરમાં અપાશે.
ઘોઘાવદરના આંગણે આયોજીત આ અવસરે તા. ૨૪ના સાંજે ૭.૩૦ વાગ્યે જાનોના સામૈયા થશે. રાત્રે ૮ વાગ્યે હસ્ત મેળાપ અને રાત્રે ૧ વાગ્યે કન્યા વિદાય થશે. આ દરમિયાન રાત્રે ૯ વાગ્યે ભવ્ય સંતવાણી પણ રાખેલ છે. જેમાં અંકિતભાઇ રાઠોડ, મનસુખભાઇ રાઠોડ તેમનું કલાવૃંદ તેમજ વર્ષાબેન મોઢવાડીયા ભજન સંતવાણી રજુ કરશે.
આ અવસરે ગુરૂગાદી શ્રી ભીમસાહેબની જગ્યાના મુલકબાપુ (આમરણ), રાણાદાદાની મેલડી (લીંબડી)ના મહંતશ્રી અભયરામબાપુ સહીતના સંતો મહંતો પધારી આશીર્વચનો આપશે.
સાથો સાથ સંતશ્રી રોહિદાસબાપુ તથા સંતશ્રી જયદેવબાપુની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરાયુ છે. સવારે ૯ વાગ્યે હવન અને સાંજે ૪ વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાશે.
મુખ્ય યજમાન તરીકેનો લાભ પુનમભાઇ પટેલ, ભાવેશભાઇ એલ. પરમાર, ત્રિભોવનભાઇ એમ. ગોહિલ, એન. સી. પરમાર, જગદીશચંદ્ર એફ. પરમાર, દિનેશભાઇ એલ. પરમારે લીધો છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા મહંતશ્રી શામળાનંદગીરી મહારાજ (મો.૯૯૦૯૬ ૨૪૯૩૫), અશોકભાઇ વાળા, ત્રિલોકબાપુ, દીપકરામબાપુ અને સુરેશબાપુ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:12 PM IST)










