News of Friday, 8th May 2026
પરાબજારમાં ફ્રુટના ધંધાર્થી જયપ્રકાશ અને વચ્ચે પડેલા તેના શેઠ સોયેબભાઇ પર ‘ટેટી' બદલવા મામલે હુમલો
બુધવારે રૂપિયા ૧૦૦ની ત્રણ કિલો ટેટી લઇ ગયા તમાંથી એક ગુરૂવારે સાંજે બદલવા આવ્યા ને ડખ્ખો કર્યો કારમાં આવેલા સિંધી કોલોનીના ત્રણ શખ્સોએ બોલાચાલી કરીઃ પોલીસે આવતાં જતાં રહ્યા અને થોડીવાર પછી ફરીથી આવી તૂટી પડયાઃ બંનેને સારવાર માટે દાખલ કરાયા

રાજકોટ તા. ૮: શહેરના પરાબજારમાં લારી રાખી ફ્રુટનો ધંધો કરતાં સિંધી કોલોનીના યુવાન પાસેથી બુધવારે સાંજે ત્રણ શખ્સો સો રૂપિયાની ત્રણ કિલો સાકરટેટી લઇ ગયા હતાં. આ પછી ગઇકાલે સાંજે ગુરૂવારે આ શખ્સો આ ટેટીમાંથી એક ખરાબ નીકળી હોવાનું કહી ટેટી બદલાવવા આવતાં બોલાચાલી થઇ હતી. આ વખતે પોલીસ આવી જતાં ત્રણેય જતાં રહ્યા હતાં. થોડા કલાક બાદ રાત્રીના અગીયારેક વાગ્યે આ શખ્સો કાર લઇને ફરીથી આવ્યા હતાં અને યુવાન પર ધોકાથી હુમલો કરતાં દેકારો મચી ગયો હતો. તેના શેઠ વચ્ચે પડતાં તેને પણ માર મારતાં બંનેને સારવાર માટે ખસેડાયા હતાં.
જાણવા મળ્યા મુજબ સિંધી કોલોનીમાં રહેતો જયપ્રકાશ ચુનીલાલ નારવાણી (ઉ.વ.૩૨) રાતે અગીયારેક વાગ્યે નાગરિક બેંક સામેના રોડ પર પરાબજારમાં પોતાની ફ્રુટની લારીએ હતો ત્યારે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકાથી હુમલો કરી માર મારતાં જયપ્રકાશના શેઠ ભીસ્તીવાડમાં રહેતાં સોયેબભાઇ અહેમદભાઇ મોટાણી (ઉ.વ.૩૨) વચ્ચે પડતાં તેને પણ આ ત્રણેયએ ધોકાવાળી કરી હતી. બંને લોહીલુહાણ થઇ જતાં દેકારો મચી ગયો હતો. લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો કારમાં બેસી ભાગી ગયા હતાં.
જયપ્રકાશ અને સોયેબભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જયપ્રકાશના પિતા ચુનીલાલ શોભરાજમલ નારવાણીએ જણાવ્યું હતું કે હું અને મારો દિકરો જયપ્રકાશ પરાબજારમાં સોયેબભાઇનો ફ્રુટનો માલ વેંચીએ છીએ. બુધવારે સાંજે સિંધી કોલોનીના ત્રણ શખ્સો પરાબજારમાં અમારી ફ્રુટની લારીએ આવ્યા હતાં. ત્યારે લારી પર હું હતો. આ શખ્સો મારી પાસેથી રૂા. ૧૦૦ની ત્રણ કિલો લેખે સાકરટેટી લઇ ગયા હતાં.
બાદમાં ગુરૂવારે સાંજે મારો દિકરો જયપ્રકાશ લારી પર હતો. આ વખતે આ શખ્સો એક કાપેલી ટેટી લઇને આવ્યા હતાં અને ગઇકાલે ટેટી લઇ ગયા હોઇ તેમાંથી આ ખરાબ નીકળી છે તેમ કહી બદલી આપવાનું કહેતાં મારા દિકરાએ તેને ચોવીસ કલાક પછી છેક ટેટી ન બદલે એવું કહેતાં તે ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી કરી હતી. આ વખતે લોકો ભેગા થઇ જતાં અને પોલીસની ગાડી ત્યાંથી નીકળતાં આ ત્રણેય જતાં રહ્યા હતાં. ત્યારબાદ રાતે અગીયારેક વાગ્યે ફરીથી આ શખ્સો કારમાં આવ્યા હતાં અને સીધા જ નીચે ઉતરી મારા દિકરા જયપ્રકાશ પર ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. તેણે દેકારો કરતાં નજીકમાં અમારા શેઠ સોયેબભાઇ હોઇ તે બચાવવા આવતાં તેને પણ ધોકા ફટકારી દીધા હતાં. તેમ વધુમાં ચુનીલાલે કહ્યું હતું. પોલીસે કારના નંબરને આધારે હુમલાખોરોને શોધી કાઢવા તજવીજ કરી હતી.
(3:02 PM IST)










