News of Thursday, 25th June 2026
તાજીયાના રૂટ પર અનેક રસ્તાઓ પર વાહનોને પ્રવેશબંધી અને નો-પાર્કિંગ
મોહર્રમ નિમિતે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાનું જાહેરનામુ : બે દિવસ કયા કયા રસ્તાઓ કયારે બંધ રહેશે તે જાણી લોઃ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે

રાજકોટ તા. ૨૫: આગામી ૨૬ અને ૨૭ જૂનના રોજ મહોર્રમ-તાજીયાના તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. મહોરમ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાંથી તાજીયા નીકળીને કોઠારીયા પોલીસ ચોકી ખાતે લાઈન દોરીમાં આવતા હોય છે, જેને જોવા માટે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. નિયત કરેલા રસ્તાઓ પર તાજીયા પસાર થાય ત્યાં સુધી તમામપ્રકારના વાહનો માટે પ્રવેશબંધ અને નો-પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.
જાહેરનામામાં જણાવાયું છે કે ૨૬/૦૬/૨૦૨૬ના રાતે ૮:૦૦ કલાકથી ૨૭/૦૬/૨૦૨૬ના સવારે ૦૫: ૦૦ કલાક સુધી તેમજ ૨૭/૦૬/૨૦૨૬ના બપોરે ૦૨:૦૦ કલાકથી રાત્રે ૧૨:૦૦ કલાક સુધી રસ્તાઓ બંધ રહે છે. જે રસ્તા બંધ રહેશે તેમાં (૧) ૮૦ ફૂટ સોરઠીયા-વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોક, રામનાથપરા મેઈન રોડ, ગરૂડ ગરબી ચોકથી વિરાણી વાડી કોઠારીયાનાકા પોલીસ ચોકી સુધી. તેમજ ભાવનગર રોડ પાંજરાપોળ ટી ચોકથી ગરૂડ ગરબી ચોક અને ગઢવીરાંગ ભીચરીનાકાથી ગરૂડ ગરબી ચોક સુધી. (૨) કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ, અને ગુંદાવાડી પોલીસ ચોકીથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી (૩) દરબારગઢથી સોની બજાર રોડ થઈ કોઠારીયા પોલીસ ચોકી સુધી (૪) ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી (૫) ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી (ભુપેન્દ્ર રોડ/પેલેસ રોડ ટી પોઇન્ટ) (૬) ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથપરા પોલીસ લાઈનના ઝાપા સુધી (૭) રૈયા ચોકડીથી આમ્રપાલી અંડર બ્રીજ સુધી તેમજ કિશાનપરા ચોક, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, ભીલવાસ ચોક, મોટીટાકી ચોક, લીંમડા ચોક, એસ.બી.આઈ. ચોક, જયુબેલી ચોક, હરીહર ચોક સદર પોલીસ ચોકીથી સદર બજાર ફુલછાબ ચોક સુધીના માર્ગો પર (તાજીયા પસાર થવાના સમયે).
તેમજ (૮) મહીલા અંડર બ્રીજથી કિશનપરા ચોક સુધી (તાજીયા પસાર થવાના સમયે પ્રવેશ બંધ રહેશે. તમામ વાહનો ટાગોર રોડથી જઈ શકશે) (૯) અરવિંદભાઇ મણીયાર હોલથી જ્યુબેલી ચોક સુધી (તાજીયા પસાર થવાના સમયે તમામ વાહનો માટે પ્રવેશ-બંધ) રહેશે.
આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ-૧૯૮૮ની કલમ-૧૩ અને કલમ-૧૮૪ હેઠળ શિક્ષાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામું ફરજ પરના પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, શબવાહિની, ફાયર બ્રિગેડના વાહનો તેમજ સરકારી વાહનોને આકસ્મિક સંજોગોમાં લાગુ પડશે નહીં. તેમ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું છે. (૧૪.૧૧)
૪-ડીસીપી, ૯-એસીપી, ૨૨-પીઆઇ સહિત ૨૧૦૦ના સ્ટાફનો બંદોબસ્ત
ડીસીપી હેતલ પટેલે જંગલેશ્વરમાં ટીમ સાથે ફૂટ પેટ્રોલીંગ કર્યુ
રાજકોટ તા. ૨૫: શહેરમાં મોહર્રમ નિમિત્તે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસના ૨૧૦૦થી વધુ સુરક્ષા જવાનોનો સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજથી આ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત થઇ ગયો છે. પોલીસ કમિશનર અને જોઇન્ટ પોલીસ કમિશનરના માર્ગદર્શનમાં ૪ ડીસીપી, ૯ એસીપી, ૨૨ પીઆઈ, ૮૫ પીએસઆઈ અને ૧૯૦૦થી વધુ પોલીસ, જીઆરડી અને હોમગાર્ડના જવાનો બંદોબસ્તમાં તહેનાત રહેશે. બુધવારની રાતે ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ અને ટીમે જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું. ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર સહિતનો કાફલો પણ સામેલ થયો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોનની મદદથી દરેક ગતિવિધી ઉપર નજર રાખશે. જરૂર પડયે વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે. સ્પેશીયલ શાખાના પીઆઇ વરચંદે તાજીયાની અનેબંદોબસ્તની વિગતો જણાવી હતી.
(2:54 PM IST)










