<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સરધારમાં ચેક ડેમમાં ડૂબી જતાં મનુભાઇ સોલંકી અને તેમના બહેન કાંતાબેન સોલંકીના મૃત્‍યુ

બહેન કપડા ધોતા હતાં ત્‍યારે ભાઇ ન્‍હાવા પડતાં ડૂબ્‍યાઃ બચાવવા જતાં બહેન પણ ડૂબી ગયાઃ પરિવારમાં, ગામમાં ગમગીની ઘંટેશ્વર એસડીઆરએફના પીએસઆઇ આર. એ. ચુડાસમા અને ટીમે મૃતદેહો શોધી પોલીસને સોંપ્‍યા

 

રાજકોટ તા. ૨૬: રાજકોટ તાબેના સરધાર ગામે રહેતાં એક પરિવારના ભાઇ-બહેનના ચેક ડેમમાં ડૂબી જવાથી મૃત્‍યુ થતાં પરિવારજનો અને ગામમાં એરરાટી વ્‍યાપી ગઇ છે. ભાઇ-બહેન ચેક ડેમ ખાતે ગયા ત્‍યારે બહેન કપડા ધોઇ રહ્યા હતાં અને ભાઇ ન્‍હાવા માટે પાણીમાં જતાં ડૂબવા માંડતા તેને બચાવવા જતાં બહેન પણ ડૂબી ગયાનું ખુલ્‍યું હતું. રાજકોટ ઘંટેશ્વર એનડીઆરએફની ટીમે બંનેના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ સરધાર રહેતાં  કાંતાબેન ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામના મહિલા ગઇકાલે પોતાના ગામના ચેકડેમ ખાતે કપડા ધોવા જઇ રહ્યા હતાં. આ વખતે તેમના મોટાભાઇ મનુભાઇ ગોરધનભાઇ સોલંકી (ઉ.વ.૪૫) પણ સાથે ગયા હતાં. કાંતાબેન કપડા ધોઇ રહ્યા હતાં ત્‍યારે તેમના ભાઇ મનુભાઇ ન્‍હાવા માટે પાણીમાં ઉતર્યા હતાં. પણ તેઓ ઉંડા પાણીમાં ગરક થવા માંડતાં આ દ્રશ્‍ય જોઇ બહેન કાંતાબેન તેમને બચાવવા જતાં તે પણ ડૂબી ગયા હતાં.

મોડી સાંજ સુધી બંને ઘરે ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં ડેમના કાંઠે કપડા, ચપ્‍પલ વગેરે પડયા હોઇ બંને અંદર ડુબી ગયાની શંકા ઉપજી હતી. બનાવની જાણ થતાં રાજકોટ ઘંટેશ્વર એસડીઆરએફની ટીમના પીએસઆઇ આર. એ. ચુડાસમા અને ટીમના ૧૭ જવાનો તુરત જ જરૂરી બોટ, રીંગ સહિતના સાધનો સાથે પહોંચ્‍યા હતાં. પાણીમાં શોધખોળ બાદ આ ટીમે બંનેના મૃતદેહ શોધી કાઢી પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ આજીડેમ પોલીસને થતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. મેહુલભાઇ ડી. મુંધવા સહિતે ઘટના સ્‍થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયા હતાં. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર મનુભાઇ સોલંકી બે ભાઇમાં મોટો હતો. જ્‍યારે કાંતાબેન આ બે ભાઇના એકના એક બહેન હતાં. નાનો ભાઇ માનસિક અસ્‍વસ્‍થ હોઇ મોટા ભાઇ, બહેન તેને સાચવતા હતાં. કાંતાબેન છુટાછેડા બાદ દસેક વર્ષથી બંને ભાઇઓ સાથે જ રહેતાં હતાં. આ બનાવથી સોલંકી પરિવાર અને ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. (૧૪

(11:09 AM IST)