<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

મંત્રમાં પ્રચંડ ઉર્જા હોય છે, જેનો સદ્દઉપયોગ જરૂરી

પૂ.જે.પી. ગુરૂદેવના આર્શીવાદ લેતા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(પાના નં. ૧૩ થી ચાલુ)

દશ વખત ગાયત્રી મંત્ર અથવા નવકાર મંત્રનો જાપ કરવો. મંત્રના પ્રકંપનોથી એ પાણી ઉર્જાવાન બની જશે. એ પછી એ પાણીને પોતાની ચારેય તરફ છાંટી દેવું. આ નાનકડી પણ પ્રભાવશાળી પ્રક્રિયાથી એક અભેદ આધ્‍યાત્‍મિક સેલ્‍ફ પ્રોટેક્‍શન કવચ તૈયાર થાય છે, જે કોઈપણ નકારાત્‍મક શક્‍તિ સામે આત્‍માનું અને શરીરનું રક્ષણ કરે છે.

પૂજ્‍ય આચાર્ય વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આધ્‍યાત્‍મિક સાધનાના સાચા લક્ષ્ય અને તેના ગૂઢ રહસ્‍યને બહુ સચોટ શબ્‍દોમાં પ્રગટ કર્યું છે. ગુરુદેવના જણાવ્‍યા અનુસાર, આધ્‍યાત્‍મિક સાધના એ આત્‍મશુદ્ધિનું ક્ષેત્ર છે, ચમત્‍કારો કે લૌકિક સિદ્ધિઓ મેળવવાનું નહીં. માણસે સાધનાના માર્ગે પોતાની ભીતર રહેલા દોષોને દૂર કરવાના હોય છે, નહીં કે બહારની શક્‍તિઓ પ્રદર્શન માટે એકઠી કરવાની હોય.

આજના સમયમાં લોકો ધર્મના માર્ગનો ઉપયોગ અહંકાર પોષવા કે જગતમાં નામના મેળવવા માટે કરતા હોય છે. આ ભ્રમ ભાંગતા ગુરુદેવ સ્‍પષ્ટ કહે છે કે, માનવ જીવનને સંસારમાં પ્રસિદ્ધ બનાવવા માટે નહીં, પરંતુ આંતરિક રીતે શ્રેષ્ઠ અને ગુણવાન બનાવવા માટે અધ્‍યાત્‍મ છે. જે સાધના માણસને નમ્ર અને પવિત્ર ન બનાવે, તે સાચી સાધના હોઈ જ ન શકે.

કોઈપણ પ્રકારની મંત્ર સાધનામાં સૌથી મહત્‍વની બાબત સાધકનો ધ્‍યેય એટલે કે તેનો આંતરિક ઉદ્દેશ છે. સાધના કરતી વખતે મનમાં કોઈ ભૌતિક સ્‍વાર્થ, લોભ કે સત્તા મેળવવાની લાલસા ન હોવી જોઈએ. તેના બદલે, સાધકે પોતાના હૃદયમાં સર્વપ્રથમ આત્‍મકલ્‍યાણની ભાવના જગાડવી જોઈએ. તેની સાથે જ ‘‘સમસ્‍ત કલ્‍યાણ''એટલે કે આ જગતના તમામ જીવોનું ભલું થાય, સૌ સુખી બને તેવી ઉદાર અને પવિત્ર ભાવના કેળવવી જોઈએ. જ્‍યારે નિઃસ્‍વાર્થ અને પરોપકારની ભાવના સાથે મંત્ર જાપ થાય છે, ત્‍યારે જ સાધના સાચા અર્થમાં સાર્થક બને છે અને આત્‍મા પરમાત્‍મા તરફ ગતિ કરે છે.

પૂજ્‍ય આચાર્ય જે.પી. ગુરુદેવે ભારતીય ચિંતનના અત્‍યંત મૂળભૂત અને ગૂઢ વિષય એવા ‘‘પુનર્જન્‍મ'' પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્‍યો છે. ગુરુદેવના જણાવ્‍યા અનુસાર, પૂર્વજન્‍મ અને પુનર્જન્‍મ એ કોઈ કાલ્‍પનિક વાર્તા નથી, પરંતુ સનાતન અને અટલ હકીકત છે. આત્‍મા કયારેય મરતો નથી, તે માત્ર કપડાંની જેમ શરીર બદલે છે. આપણે અત્‍યારે જે જીવન જીવી રહ્યા છીએ તે આપણા પૂર્વભવના કર્મોનું પરિણામ છે અને વર્તમાનના ભાવો આપણું ભવિષ્‍ય નક્કી કરે છે.

આપણા પવિત્ર શાષાોના વિજ્ઞાન પ્રમાણે સંસારમાં કુલ ૮૪ લાખ જીવયોનિઓ અસ્‍તિત્‍વ ધરાવે છે.      

આ વિશાળ બ્રહ્માંડમાં આત્‍મા કઈ યોનિમાં જન્‍મ લેશે, તેનો આધાર મળત્‍યુ સમયે તેની માનસિક સ્‍થિતિ અને આસક્‍તિ પર રહેલો છે. ગુરુદેવે બહુ માર્મિક વાત સમજાવી છે કે, માણસની આ સંસારમાં જે પ્રકારની તીવ્ર આસક્‍તિ, વાસના કે લગાવ હોય છે, તે જ પ્રકારની યોનિમાં તેનો આગામી જન્‍મ એટલે કે ઉત્‍પત્તિ થાય છે.

જો જીવ જીવનભર ધન, ભોગવિલાસ કે કોઈ ચોક્કસ વ્‍યક્‍તિ-વસ્‍તુમાં અંધ થઈને મોહ રાખે, તો એ આસક્‍તિ જ તેને મળત્‍યુ પછી તેવા નીચલા કે બંધનયુક્‍ત ભવ તરફ ખેંચી જાય છે. આ સ્‍થિતિમાંથી બચવા માટે ગુરુદેવ આસક્‍તિનો ત્‍યાગ કરી અનાસક્‍ત ભાવ કેળવવાનો સંદેશ આપે છે.

પૂજ્‍ય આચાર્ય ભગવંત શ્રી વિજય જયપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબે  સંસારના જન્‍મ-મરણના અનંત ચક્રમાંથી કાયમી મુક્‍તિ મેળવવાનો પરમ માર્ગ બહુ સરળતાથી સમજાવ્‍યો છે. ગુરુદેવના જણાવ્‍યા અનુસાર, જો જીવ ખરેખર ચાર ગતિના ભવભ્રમણમાંથી છૂટવા માંગતો હોય, તો તેની ભીતર રહેલા ‘‘વિષય'' અને ‘‘કષાય''સંપૂર્ણપણે તૂટવા જોઈએ. આ બે જ એવા મજબૂત બંધનો છે જે આત્‍માને સંસાર સાથે જકડી રાખે છે.

‘‘વિષય'' એટલે પાંચ ઇન્‍દ્રિયોના ભોગો અને અનંત ઇચ્‍છાઓ. ભગવાન મહાવીર સ્‍વામીએ પણ પોતાના જ્ઞાનમાં ઇચ્‍છાઓને અનંત અને આકાશ જેવી અસીમ ગણાવી છે. એક ઇચ્‍છા પૂરી થતાં જ બીજી હજાર ઇચ્‍છાઓ જન્‍મે છે, જે આત્‍માને કયારેય તળપ્ત થવા દેતી નથી. જ્‍યારે ‘‘કષાય'' એટલે આત્‍માને મેલો કરનારા આંતરિક શત્રુઓ ラ ક્રોધ, માન (અહંકાર), માયા (કપટ) અને લોભ.

ગુરુદેવ સમજાવે છે કે, આ તમામ વિષય-વિકારો અને કષાયોમાંથી ધીમે-ધીમે મુક્‍ત થતા જવું, એ જ સાચું અધ્‍યાત્‍મ છે. બાહ્ય ક્રિયાકાંડો ગમે તેટલા કરો, પણ જ્‍યાં સુધી ભીતરથી ક્રોધ, અહંકાર અને વાસનાઓ ઘટતા નથી, ત્‍યાં સુધી ભવનો અંત આવતો નથી.

જ્‍યારે સાધનાના બળે સાધકના જીવનમાંથી આ વિષય અને કષાય સંપૂર્ણપણે તૂટી જાય છે, ત્‍યારે જ આત્‍મા પરમ શુદ્ધ બને છે અને તેને જન્‍મ-મરણના ફેરામાંથી સદાય માટે પરમ મુક્‍તિ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે.

પૂજ્‍ય આચાર્ય જે.પી. ગુરુદેવે આ સળષ્ટિના તમામ જીવો વચ્‍ચે માનવ અસ્‍તિત્‍વ અને તેના વ્‍યવહાર પર એક બહુ મોટો અને માર્મિક કટાક્ષ કર્યો છે. ગુરુદેવના જણાવ્‍યા અનુસાર, આ અનંત બ્રહ્માંડમાં ૮૪ લાખ યોનિઓ અને કરોડો જીવો વસે છે, પરંતુ આ બધામાં જો કોઈ સૌથી વધુ વિચિત્ર, અકળ અને રહસ્‍યમય જીવ હોય તો તે માત્ર ‘‘માણસ'' નામનું પ્રાણી છે.

આ જગતની સૌથી કડવી વાસ્‍તવિકતા પ્રગટ કરતાં ગુરુદેવે જણાવ્‍યું છે કે, માણસ કયારેય પૂર્ણપણે વિશ્વાસ કરવા યોગ્‍ય પ્રાણી નથી. તેની કથની અને કરણીમાં, તેના મુખ અને મુખવટામાં મોટું અંતર હોય છે. બ્રહ્માંડનો દરેક નાનો-મોટો જીવ, પશુ હોય કે પક્ષી, તે કુદરતે આપેલા તેના મૂળભૂત સ્‍તર અને પ્રકળતિ પ્રમાણે જ વફાદારીપૂર્વક જીવે છે. સિંહ કયારેય ઘાસ નથી ખાતો અને ગાય કયારેય હિંસા નથી કરતી. તેઓ પોતાના સ્‍વભાવને વળગી રહે છે.

માત્ર એક મનુષ્‍ય જ એવો જીવ છે જે ક્ષણે-ક્ષણે પોતાના રંગ અને બદલે છે. માણસ પાસે બુદ્ધિ છે, વિચાર શક્‍તિ છે, છતાં તે પોતાના સ્‍વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. આ જ કારણે પળથ્‍વી પર માત્ર માણસને જ વારંવાર ટકોર કરીને કહેવું પડે છે કે, ‘‘તું માણસ જેવો થા!''આ વાકય જ સાબિત કરે છે કે માણસે તેની ભીતર રહેલી માનવતા ગુમાવી દીધી છે. અધ્‍યાત્‍મ આપણને આ જ વિચિત્રતામાંથી બહાર કાઢીને સાચો માણસ બનવાનો માર્ગ ચિંધે છે.

(3:11 PM IST)