<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

રાજકોટના મનીષ વ્‍યાસની વિશ્વ ક્ષિતીજે ઉંચી ઉડાન

સંગીત અને અધ્‍યાત્‍મના રહસ્‍યોનું સમન્‍વય કરતી એક વિશિષ્‍ટ-અનુપમ ‘‘ટ્રુ વર્લ્‍ડ ઓફ મંત્ર''નું નિર્માણ કર્યું

રાજકોટ, તા. ૩: ધ્‍વનિ (અવાજ-સાઉન્‍ટ) ના પ્રાચીન વિજ્ઞાન પર આધારિત કદાચ પ્રથમ અને અત્‍યંત વિગતવાર-વિસ્‍તૃત એવી ડોકયુમેન્‍ટરી ‘ટ્રુ વર્લ્‍ડ ઓફ મંત્ર' આ ફિલ્‍મ મંત્ર વિજ્ઞાનના રહસ્‍યો કે જેને ભારતના ઋષિમુનિઓએ હજારો વર્ષોથી સંરક્ષિત રાખ્‍યું છે. આ ફિલ્‍મ એક અનોખી યાત્રા છે, જે દર્શાવે છે કે મંત્રોના સૂચિત અને વૈજ્ઞાનિક ઉપયોગથી માનવ શરીર, મન અને ચેતના પર કેવી રીતે સકારાત્‍મક અસર થઇ શકે છે. સાથે જ તે સ્‍પષ્‍ટ ખુલાસો પણ કરે છે કે ધ્‍વનિમાં માનવજીવનના આંતરિક તથા બાહ્ય બન્ને સ્‍તરોને પરિવર્તન કરવાની અસાધારણ શકિત રહેલી છે અને એ પણ માનવ ચેતનાના ઉત્‍કર્ષ સુધી પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે. સરળ શબ્‍દોમાં કહીએ તો માનવ ઉત્‍થાન માટે મંત્રોની અસીમ શકિતનો લાભ દરેક વ્‍યકિત કેવી રીતે લઇ શકે તે સરળતાથી, સામાન્‍ય વ્‍યકિત પણ સમજી શકે એવી પ્રથમ કહી શકાય તેવી આ દસ્‍તાવેજી ફિલ્‍મ છે.

રાજકોટ માટે વિશેષ ગૌરવંતી વાત એ છે કે આ દસ્‍તાવેજી ફિલ્‍મનુ઼ નિર્માણ મૂળ રાજકોટ નિવાસી મનીષ વ્‍યાસ દ્વારા કરવામાં આવ્‍યું છે. મનીષ ભાસ્‍કરભાઇ વ્‍યાસ કે જેઓ છેલ્લા ત્રણેક દાયકાથી ભારતીય અધ્‍યાત્‍મિક સંગીત ક્ષેત્રમાં વ્‍યાવસાયિક સંગીતકાર તરીકે કાર્યરત છે. ઓશો પ્રેમી/સંગીત પ્રેમી માતા કિરણબહેન વ્‍યાસ અને પિતા ભાસ્‍કરભાઇ વ્‍યાસ પાસેથી સંગીત અને અધ્‍યાત્‍મનો વારસો મેળવનાર મનીષ વ્‍યાસ બાળપણથી જ ઓશોના શિષ્‍ય છે. સંગીતની તાલીમ એમણે ઉ. અલ્લારખા સાહેબ જેવા દિગ્‍ગજો પાસેથી લીધી છે. મંત્ર વિજ્ઞાન સાથે જોડાયેલા વિશ્વના અગ્રણી વિદ્વાનો, સાધકો અને આધ્‍યાત્‍મિક ગુરૂઓ સુધી પહોંચવા માટે તેમણે ભારત સહિત વિશ્વભરમાં દસ થી વધુ પ્રવાસો કર્યા. વર્ષોની નિષ્‍ઠા, સંશોધન અને સમર્પણ બાદ આ વર્ષે મે મહિનામાં આ ફિલ્‍મ વૈશ્વિક સ્‍તરે રિલિઝ થઇ ચૂકી છે.

તાજેતરમાં યુકે અને જર્મનીમાં યોજાયેલા સ્‍ક્રી નિગ્‍સમાં પ્રસ્‍તુત ફિલ્‍મને દર્શકો તરફથી ખુબ જ ઉત્‍સાહજનક પ્રતિસાદ અને પ્રશંસા મળી હતી. સંસ્‍કૃતના પ્રખર વિદ્વાનો, આધ્‍યાત્‍મિક ગુરૂઓ, મંત્ર સાધકો અને સંગીતકારોના અનુભવો અને જ્ઞાનથી સમૃધ્‍ધ બનેલી આ ફિલ્‍મ સાશ્વત ભારતીય જ્ઞાનપરંપરા, અને જીવનના વાસ્‍તવિક અનુભવોને સુંદર રીતે એક સાથે ગૂંથે છે.

ભારત ભૂમિના અને વિદેશના લગભગ ૪૦ જેટલા કલાકારો, વિદ્વાનો, ગુરૂઓ, લેખકો, ડોકટરો અને સાધકોએ આ ડોકયુમેન્‍ટરીમાં પોતાનું યોગદાન આપ્‍યું છે.

આ ફિલ્‍મમાં આશિત દેશાઇ પં.રતન મોહન શર્મા, સોહન કાપડીયા, કેદાર પંડિત, ઉમા મોહન જેવા દિગ્‍ગજોએ પોતાના અમુલ્‍ય અનુભવો આપ્‍યા છે.

રાજકોટના મેહુલ આચાર્ય (સંસ્‍કૃતિ આર્ય ગુરૂકુલમ) વિશાલ મહારાજ (રાજકોટના શ્રેષ્‍ઠ જયોતિષાચાર્ય) ભાવિનભાઇ રાવલ (સાંદિપની ગુરૂકુળ- મેટોડા) ભાવેશ ભટ્ટ (સંસ્‍કૃત આચાર્ય) જેવા વિદ્ધાનોએ પણ મંત્રો વિશેની એમની સમજ અને જ્ઞાન આ ફિલ્‍મમાં ઉજાગર કર્યુ છે.

આ ફિલ્‍મ માત્ર મંત્રો અને તેમના દૈનિક જીવનમાં થતા ઉપયોગ વિશેની મૂળભૂત સમજ પુરતી મર્યાદિત નથી, પરંતુ આરોગ્‍ય ઉપચાર, આયુર્વેદ અને જયોતિષ સાથે સંકળાયેલા કેટલાક અલ્‍પજ્ઞાન ઓછા જાણીતા અને રહસ્‍યમય પાસાઓને પણ પ્રગટ કરે છે.

આ ફિલ્‍મ ભારત તથા એ તમામ ગુરૂઓ, શિક્ષકો સંગીતકારો અને સહભાગીઓને સમર્પિત છે. જેઓ સ્‍વાથી હિતો વિના માત્ર ભારત પ્રત્‍યેના પ્રેમ અને આદરથી પ્રેરાયને એક પ્રામાણિક જ્ઞાનસ્‍ત્રોત વિશ્‍વ સમક્ષ લાવવાનો પ્રયત્‍ન કરી રહયા છે. વ્‍હોટસઅપ સંવાદ પૂરો થતા મનીષ વ્‍યાસ પ્રેમથી બોલ્‍યા- ‘પ્રિયં ભારતં સદા વનનિયમ્‌‘ આ એક નિહાળવા જેવી ડોકયુમેન્‍ટરી ફિલ્‍મના નિર્માણ માટે મનીષ ભટ્ટના મોબાઇલ વોટસએપ નંબર-૯૭૦૨૩૦૫૨૮૦ ઉપર શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. મનોજ જોશી- ‘મજો' રાજકોટ મો.૮૧૪૦૨ ૧૩૧૩૦, ૯૪૨૬૨ ૪૨૧૧૫)

(3:35 PM IST)