તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
પ્રેમ લગ્નનો ખાર રાખી બનેવી વિમલની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર સાળો કમલેશ ઝડપાયો
કુવાડવા ગામ પાસેથી બાતમીના આધારે દબોચી લઇ પૂછતાછ શરૂ કરાઇ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.એસ. ચાવડાની રાહબારીમાં પીએસઆઇ વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, એસ.એમ. રાણા, ડી.પી. ઝાલા, વી.ડી. રાવલીયા અને ટીમો દ્વારા કામગીરી

રાજકોટ, તા. ૧પઃ શહેરના ભકિતનગર સર્કલ પાસે ટ્રાવેલ્સની ઓફિસ સામે વિમલ વાણીયા નામના ર૭ વર્ષીય યુવાનને પ્રેમ લગ્નનો ખાર રાખી છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘરનામાં ક્રાઇમબ્રાંચે ફરાર મૃતકના સાળા મુખ્ય આરોપીને કુવાડવા ગામ પાસેથી દબોચી લઇ કાર્યવાહી કરી હતી.
શહેરના ભકિતનગર સર્કલ પાસે આવેલી ઓમ ટ્રાવેલ્સ ઓફિસ સામે સહકાર મેઇન રોડ પર જમનાનગર શેરી નં. ૪ માં રહેતા વિમલ ધર્મેન્દ્રભાઇ વાણીયા નામના ર૭ વર્ષીય યુવાનને તેના જ સાળા કમલેશ લાખાભાઇ ધાંધલ અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ભોગ બનનાર વિમલે આરોપી કમલેશની બહેન શીતલ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી ખાર રાખી હત્યા કરાઇ હોવાનું ખુલતા આ મામલે મૃતક વિમલના માતા ભારતીબેન વાણીયાએ ફરીયાદ નોંધાવતા ભકિતનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
બીજી તરફ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાંચે પણ તપાસમાં ટુકાવ્યું હતું.
દરમિયાન શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજ વગેરેની મદદથી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી હતી.બીજી તરફ મળેલી બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા ગામ પાસેથી હત્યાના મુખ્ય આરોપી કમલેશ લાખાભાઇ ધાંધલ (ઉ.વ. ૨૫ રહે શિવધારા સોસાયટી શેરી નં.૨ ખોખળદળ પુલની પાસે, કોઠારીયા રીંગ રોડ)ને ઝડપી પાડી પૂછતાછ શરૂ કરી છે. આ કામગીરી ક્રામઇ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એ.એસ.ચાવડા તથા એમ.એલ. ડામરો તથા સી.એચ. જાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.ડી. ડોડીયા તથા એ.એન. પરમાર તથા એસ.એમ. રાણા તથા ડી.પી. ઝાલા તથા વી.ડી. રાવલીયા તથા ટીમના તમામ માણસો તથા ટેકનીકલ સ્ટાફે કરી હતી.
(3:32 PM IST)










