News of Friday, 13th November 2026
રાજકોટ પોલીસમાં મોટાપાયે ફેરબદલ: A.S.I થી લઇને કોન્સ્ટેબલ કક્ષાના 48 કર્મચારીઓની બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા 4 અલગ-અલગ હુકમો બહાર પાડી 48 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ: 27 કર્મચારીઓને ટ્રાફિક શાખામાં મુકાયા: 5 રાઈટર હેડ અને 4 કર્મચારીઓની મુખ્ય મથક ખાતે બદલી જ્યારે 8 એટેચ કર્મચારીઓને મૂળ મહેકમમાં પરત મોકલાયા

રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તથા વહીવટી સરળતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર (Police Commissioner) બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 13/11/2026 ના રોજ પોલીસ કમિશનર કચેરી દ્વારા 4 અલગ-અલગ સત્તાવાર હુકમો બહાર પાડીને શહેર પોલીસ દળના કુલ 48 જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી તેમજ મૂળ મહેકમમાં પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કુલ 31 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે, જેમાંથી 27 કર્મચારીઓને વિવિધ પોલીસ સ્ટેશનો અને શાખાઓમાંથી ખસેડીને સીધા ટ્રાફિક શાખામાં (Traffic Branch) મૂકવામાં આવ્યા છે. શહેરમાં ટ્રાફિક નિયમનની કામગીરી વધુ અસરકારક બને તે માટે ડી.સી.બી., ભક્તિનગર, પ્રધ્યુમનનગર, બી-ડિવિઝન, એ-ડિવિઝન, માલવિયાનગર, આજીડેમ, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ અને 112 જનરક્ષક જેવા એકમોમાંથી એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને ટ્રાફિક શાખાની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, ડી.સી.બી. પોલીસ સ્ટેશનના 3 અને માલવિયાનગરના 1 કર્મચારીને ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશન ખાતે બદલી આપવામાં આવી છે. ડી.સી.બી. ખાતેથી બદલી પામેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાનો આદેશ કરાયો છે.
વહીવટી સરળતા અને માંગણી મુજબ 5 અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (UASI) કક્ષાના કર્મચારીઓની બદલી કરાઈ છે. જેમાં આર્થિક ગુના નિવારણ સેલ (EOW) એટેચ ડી.સી.બી.ના ભુપેન્દ્રભાઈ સરપદડીયાને આજીડેમ પોલીસ સ્ટેશન (ક્રાઈમ રાઈટર હેડ) અને આજીડેમના લાખાભાઈ કળોતરાને ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ક્રાઈમ રાઈટર હેડ) ખાતે મૂકવામાં આવ્યા છે. તેવી જ રીતે, બી-ડિવિઝન, એરપોર્ટ અને ગાંધીગ્રામ-2 (યુનિ.) પોલીસ સ્ટેશનના એકાઉન્ટ રાઈટર હેડની પણ અરસપરસ બદલી કરી તાત્કાલિક હાજર થવા સૂચના અપાઈ છે.
ભક્તિનગર અને માલવિયાનગર પોલીસ સ્ટેશનના 4 કર્મચારીઓની બદલી પોલીસ મુખ્ય મથક ખાતે કરવામાં આવી છે. બીજી તરફ, થોરાળા, કુવાડવા રોડ, એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એટેચ તરીકે ફરજ બજાવતા 8 કર્મચારીઓને તેમના મૂળ મહેકમ એટલે કે ટ્રાફિક શાખા અને મુખ્ય મથક ખાતે પરત મોકલવામાં આવ્યા છે.
પોલીસ કમિશનર દ્વારા આ આદેશોમાં એક ખાસ વહીવટી જોગવાઈ પણ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનોમાંથી જે કર્મચારીઓની બદલી થઈ છે, તેમને હાલ પાયાની તાલીમ લઈ રહેલા નવનિયુક્ત બિન-હથિયારી મહિલા લોકરક્ષક કર્મચારીઓની તાલીમ પૂર્ણ થયા બાદ અને તેઓને નવી નિમણૂક અપાયા પછી જ ફરજ પરથી છૂટા કરવાના રહેશે, જેથી પોલીસ સ્ટેશનોમાં સ્ટાફની અછત ન સર્જાય.
(10:06 PM IST)










