<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

મહિકાના પુડલાવાળા જેન્‍તીભાઇ ગજેરાનું ચાલુ કારમાં હૃદય રોગના હુમલાથી મૃત્‍યુ

અમદાવાદથી કેટરીંગનો ઓર્ડર પુરો કરીને આવતી વખતે છાતીમાં ગભરામણ થતાં સારવાર માટે ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૧૬:  રાજકોટના મહિકા ગામે રહેતાં જાણીતા મહિકાના પુડલાવાળા તરીકે ઓળખાતા જેન્‍તીભાઈ બચુભાઈ ગજેરા  (ઉ.વ.૬૨)નું મહિકા નજીક ચાલુ કારમાં છાતીમાં ગભરામણ થયા બાદ બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જેન્‍તીભાઇ ગજેરા પુડલા બનાવવાનું કેટરીંગનું કામ કરતાં હતાં અને મહિકાના પુડલવાળા તરીકે જાણીતા હતાં. તેઓ અમદાવાદ ખાતે કોઇ પ્રસંગમાં પુડલા બનાવવા માટે ગયા હતાં. ત્‍યાં કામ પુરૂ કરી રાજકોટ પરત આવતી વખતે રાજકોટ નજીક પહોંચ્‍યા ત્‍યારે ચાલુ કારમાં છાતીમાં ગભરામણ થતાં દુઃખાવો ઉપડતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સવારે મૃત્‍યુ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર  જેન્‍તીભાઈને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાર્ટએટેકથી મૃત્‍યુ થયાનું બહાર આવ્‍યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(3:59 PM IST)