તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Friday, 22nd May 2026
મહાત્મા ગાંધી મ્યુઝિયમઃ રાષ્ટ્રપિતાની સ્મૃતિઓને જીવંત કરતું ઐતિહાસિક પ્રેરણાધામઃ આજદિન સુધીમાં ૩.૮૧ લાખ લોકોએ નિહાળ્યું
રાજકોટની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં વિકસિત મ્યુઝિયમ ગાંધીજીના જીવનમૂલ્યો, સત્ય અને અહિંસાનો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડે છે

રાજકોટ,તા.૨૨: શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ માત્ર મ્યુઝિયમ નહીં પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન, વિચારો અને સંઘર્ષયાત્રાનું જીવંત પ્રેરણાધામ છે. ૧૭૧ વર્ષ જૂની ઐતિહાસિક આલ્ફ્રેડ હાઇસ્કૂલની ભવ્ય ઇમારતમાં બનેલું આ મ્યુઝિયમ દેશ-વિદેશના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ શાળામાં મહાત્મા ગાંધીએ ઇ.સ. ૧૮૮૦ થી ૧૮૮૭ દરમિયાન અભ્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકારની સ્વદેશ દર્શન યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વારસાને જાળવી આધુનિક સુવિધાઓ સાથે મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યુઝિયમમાં ૩૯ ગેલેરીઓ દ્વારા ગાંધીજીના બાળપણથી રાષ્ટ્રનિર્માણ સુધીની યાત્રા ડિજિટલ અને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોથી રજૂ કરવામાં આવી છે.
તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પિત આ મ્યુઝિયમની અત્યાર સુધીમાં ૩.૮૧ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇન્ટરેક્ટિવ પ્રદર્શન અને આધુનિક વ્યવસ્થાઓ દ્વારા આ મ્યુઝિયમ યુવા પેઢી માટે પ્રેરણા, રાષ્ટ્રપ્રેમ અને ગાંધી વિચારનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે.
(3:43 PM IST)










