<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજકોટ કા મહારાજાઃ પ્રથમ મહાઆરતીનો લાભ લેતા શુક્‍લ -ભારદ્વાજ પરિવાર

દુંદાળા દેવના પંડાલમાં ભૂદેવ સેવા સમિતિ સંસ્‍થાની વેબ સાઈટ કશ્‍યપભાઈ શુક્‍લ ના હસ્‍તે લોંચ : આજે સાંજે બાળકો માટે ક્‍લે આર્ટ/ પેઇન્‍ટિંગ અને અથર્વ શીર્ષ ના પાઠ

 

 

રાજકોટઃ શહેરના હાર્દસમા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાછળ ‘રાજકોટ કા મહારાજા' ગણેશ મહોત્‍સવના પ્રથમ દિવસે વિઘ્‍નહર્તા, મંગલમૂર્તિ, સિદ્ધિવિનાયક અને દુંદાળા દેવ શ્રી ગણપતિ દાદાની ભવ્‍ય પધરામણી કરવામાં આવી હતી. ઢોલ-નગારાના ગગનભેદી નાદ, જય ગણેશ દેવના જયઘોષ અને ભક્‍તોના ઉમળકાભેર વધામણા વચ્‍ચે બાપ્‍પાને મહોત્‍સવ સ્‍થળે લાવવામાં આવ્‍યા હતા. પ્રખર શાષાીજીના સ્‍વમુખે કરવામાં આવેલા પવિત્ર વૈદિક મંત્રોચ્‍ચારથી સમગ્ર વાતાવરણ આધ્‍યાત્‍મિક ઊર્જાથી ઝળહળી ઊઠ્‍યું હતું.

ગણેશ મહોત્‍સવના પ્રથમ દિવસે રાત્રે ૮કલાકે યોજાયેલી ભવ્‍ય મહાઆરતીમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અમદાવાદ ના પ્રભારી અને બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી કશ્‍યપભાઈ શુક્‍લા, બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાની, પ્રખર ધારા શાષી શ્રી અંશભાઈ ભારદ્વાજ ઔદીચ્‍ય ઝાલાવાડ પ્રમુખ ડો. અતુલભાઈ વ્‍યાસ  તેમજ સમસ્‍ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ ના બહેનો અને અગ્રણીઓ તથા ભૂદેવ સેવા સમિતિના પરિવાર દ્વારા ગણેશજીની આરતી કરવામાં આવી હતી.

મહાઆરતીના સમયે દીવડાઓની દિવ્‍ય રોશની, ઘંટનાદ, મંત્રોચ્‍ચાર અને ગણપતિ બાપ્‍પાના જયઘોષથી સમગ્ર વાતાવરણ અલૌકિક બની ગયું હતું. આ પ્રસંગેભૂદેવ સેવા સમિતિની નવી વેબસાઈટનું લોન્‍ચિંગ શ્રી કશ્‍યપભાઈ શુક્‍લાના  હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ વેબસાઈટના માધ્‍યમથી ભૂદેવ સેવા સમિતિ દ્વારા આયોજિત વિવિધ ધાર્મિક, સામાજિક  પ્રવૃત્તિઓ તેમજ ગણેશ મહોત્‍સવ દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી ઉપલબ્‍ધ બનશે. 

આવતીકાલે બાળકો માટે ક્રિએટિવ આર્ટ અને પેઇન્‍ટિંગ સ્‍પર્ધા ગણેશ મહોત્‍સવના બીજા દિવસે એટલે કે આજે મંગળવારે સાંજે ૭ કલાકે બાળકો માટે ક્રિએટિવ આર્ટ તેમજ પેઇન્‍ટિંગ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ઉપરાંત રાત્રે ૮ કલાકે ગણપતિ દાદાની મહાઆરતી અને રાત્રે ૯ કલાકે શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાવન પાઠનું આયોજન કરવામાં આવ્‍યું છે. અથર્વશીર્ષના પવિત્ર મંત્રોચ્‍ચારથી સમગ્ર વાતાવરણ આધ્‍યાત્‍મિક અને મંત્રમય બની રહેશે. ભાવિકોને લાભ લેવા સંસ્‍થાના શ્રી તેજસ ત્રિવેદીએ અનુરોધ કરેલ છે.

(3:24 PM IST)