તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 11th May 2026
રાજકોટમાં જ્યોતિષ, વાસ્તુ અને આધ્યાત્મિક વિદ્વાનોનો મહાકુંભ : 150થી વધુ વિદ્વાનોની ઉપસ્થિતિમાં ભવ્ય જ્યોતિષ મહાસંમેલન યોજાશે : જુઓ વિડીયો
પારુલબેન સોમૈયા અને શ્રી કૃષ્ણ જ્યોતિષ શોધ સંસ્થાન દ્વારા આયોજન : 12 મેના રોજ કેસરિયા વાડી ખાતે જાહેર જનતા માટે ફ્રી જ્યોતિષ-વાસ્તુ પરામર્શનું વિશેષ આયોજન

રાજકોટ: રંગેલું રાજકોટ આગામી સમયમાં આધ્યાત્મિક અને જ્યોતિષ વિદ્યાના સંગમનું સાક્ષી બનશે. શ્રી કૃષ્ણ જ્યોતિષ શોધ સંસ્થાન, જયપુર તથા ધોળકિયા સ્કૂલના પ્રિન્સિપાલ અને જ્યોતિષ પારુલબેન સોમૈયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં એક દિવસીય ભવ્ય જ્યોતિષ મહાસંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની રૂપરેખા
આ જ્યોતિષ મહાસંમેલન આગામી 13 મે, બુધવારના રોજ કાલાવડ રોડ પર કેકેવી હોલ નજીક આવેલી કેસરિયા વાડી ખાતે યોજાશે. સવારે 9:00 થી બપોરે 04:00 વાગ્યા સુધી ચાલનારા આ સંમેલનમાં દેશ અને વિદેશના ખૂણેખૂણેથી 150થી વધુ નામાંકિત જ્યોતિષીઓ, વાસ્તુ શાસ્ત્રીઓ, હસ્તરેખાશાસ્ત્રીઓ, કર્મકાંડી વિદ્વાનો, ટેરોટ કાર્ડ રીડર્સ તેમજ તંત્ર-મંત્રના નિષ્ણાતો ભાગ લેશે. આ પ્રસંગે તમામ વિદ્વાનોનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય હિંદુ પરંપરાનું સન્માન અને તેની જાળવણી કરવાનો છે.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ મહાસંમેલનમાં અનેક આધ્યાત્મિક અને રાજકીય હસ્તીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગૌસ્વામી અંજન રાયજી મહોદય (જૂનાગઢ-રાજકોટ), ઉજ્જૈનના મહંત, ગઢડાના ભગત સંજય પૂજારીજી, જયપુરના સૌરભ રાઘવેન્દ્ર આચાર્યજી, દિલ્હીથી ડૉ. યુકે જા અને એચએસ રાવત તથા ઉત્તરાખંડના પૂર્વ મંત્રી ડૉ. નંદ કિશોર પુરોહિત ખાસ હાજરી આપશે.
જનતા માટે ફ્રી પરામર્શ
રાજકોટની જનતા માટે આ સંમેલનના ભાગરૂપે એક વિશેષ તક પૂરી પાડવામાં આવી છે. સંમેલનના આગલા દિવસે એટલે કે આવતીકાલે 12 મે, મંગળવારના રોજ બપોરે 3:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી કેસરિયા વાડી ખાતે ફ્રી જ્યોતિષ અને વાસ્તુ પરામર્શનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પોતાના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે નિષ્ણાતોનું મફતમાં માર્ગદર્શન મેળવી શકશે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. (ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ)
(6:00 PM IST)










