<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

‘એસ્‍કોર્ટ સર્વિસ'ના નામે રાજકોટના યુવાનને ‘માધુરી'એ સવા પાંચ લાખનો ચૂનો ચોપડયો

ઇન્‍સ્‍ટાગ્રામમાં એડ જોઇ, રસ પડતાં લિંક પર ક્‍લીક કરી ને ફ્રોડ થઇ ગયું યુવતિના નામે વાત કરતાં ગઠીયાએ ભોગ બનનાર યુવાનના શહેર, લોકેશનની વિગતો મેળવી બૂકીંગ ફી, આઇડી વેરીફીકેશન સહિતના નામે નાણા મેળવી લીધાઃ છેલ્લે છેતરાઇ ગયાની ખબર પડીઃ સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૨૧: સાયબર ગઠીયાઓ સોશિયલ મિડીયા માધ્‍યમનો દુરૂપયોગ કરીને વારંવાર લોકોને ફસાવીને છેતરી લેતાં હોય છે. દરમિયાન રાજકોટનો એક યુવાન ઓનલાઇન એસ્‍કોર્ટ સર્વિસ બૂક કરાવવા જતાં માધુરી નામની યુવતિએ તેની પાસેથી અલગ અલગ ફીના નામે સવા પાંચ લાખથી વધુની રકમ ઉઘરાવી ચૂનો લગાવી દીધો હતો. સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં આ અંગે ગુનો દાખલ થતાં તપાસ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ સોશિયલ મીડિયા પર એસ્‍કોર્ટ સર્વિસ આપવાની લાલચ આપી એક યુવાન સાથે રૂપિયા ૫,૨૯,૭૮૦ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્‍યો છે. ભોગ બનનાર વ્‍યક્‍તિ ગત તા. ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ ઈન્‍સ્‍ટાગ્રામ પર સ્‍ટોરી જોઈ રહ્યા હતા, ત્‍યારે એસ્‍કોર્ટ સર્વિસની એક જાહેરાત પર ક્‍લિક કરતા તેઓ ટેલિગ્રામ આઈ.ડી. ‘માધુરી દેશવાલ'ના સંપર્કમાં આવ્‍યા હતા. ત્‍યારબાદ આરોપીઓએ ભોગ બનનાર પાસેથી શહેર અને લોકેશનની વિગતો મેળવી બુકિંગ, ફી અને આઈ.ડી. વેરિફિકેશનના નામે અલગ-અલગ કયુઆર કોડ તથા યુપીઆઇ  મારફતે પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું.

આ સમગ્ર છેતરપિંડી દરમિયાન આરોપીઓએ ભોગ બનનારને અલગ-અલગ વોટ્‍સએપ નંબર પરથી મેસેજ અને કોલ કરીને વિશ્વાસમાં લીધા હતા. ભોગ બનનારે પોતાના બેંક ઓફ ઈન્‍ડિયા ખાતામાંથી કુલ ૧૬ જેટલા અલગ-અલગ ટ્રાન્‍ઝેક્‍શન દ્વારા રૂા. ૫,૨૯,૭૮૦ ની રકમ આરોપીઓએ જણાવેલા વિવિધ બેંક ખાતાઓમાં ટ્રાન્‍સફર કરી હતી. આ રકમ બેંક ઓફ ઈન્‍ડિયા, જિયો પેમેન્‍ટ્‍સ બેંક, ઇએસએએફ સ્‍મોલ ફાઈનાન્‍સ બેંક, નોર્થ ઈસ્‍ટ સ્‍મોલ ફાઈનાન્‍સ બેંક, સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા, યુકો બેંક, આઇડીબીઆઇ બેંક, ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ્‍સ બેંક અને સેન્‍ટ્રલ બેંક ઓફ ઈન્‍ડિયા સહિતના ખાતાઓમાં જમા કરાવવામાં આવી હતી.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્‍યાને આવતા ભોગ બનનારે અગાઉ સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની હેલ્‍પલાઈન ૧૯૩૦ પર કોલ કરી અરજી કરી હતી, જેના આધારે એનસીઆરપી પોર્ટલ પર અરજી નોંધાઈ હતી અને તપાસ શરૂ થઈ હતી. હવે આ મામલે ભોગ બનનારે સંબંધિત વોટ્‍સએપ નંબરના ધારકો-ઉપયોગકર્તાઓ તેમજ વિવિધ બેંક ખાતાધારકો અને તપાસમાં ખુલે તેવા અન્‍ય શખ્‍સો વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવતાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે

(4:19 PM IST)