તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Friday, 10th July 2026
માધવ શરાફી મંડળીનો ૨૮મો સ્થાપના દિનઃ ૧૫મીએ હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે ભવ્ય લોક ડાયરો ‘કસુંબીનો રંગ'
લોકસાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી અને ભજનીક સાગર મેસવાણીયા જમાવટ કરશેઃ સભાસદોને ૨૦% ડિવિડન્ડ, આકર્ષક ભેટ અને સામાજિક ઉત્તરદાયિત્વમાં અગ્રેસર ‘માધવ'ની યશગાથાઃ ડો.એન.ડી.શીલુ

રાજકોટ,તા.૧૦: રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પોતાની પારદર્શિતા, નીતિમત્તા અને અનુશાસનબદ્ધ વહીવટ માટે સહકારી ક્ષેત્રમાં આગવું અને ગૌરવવંતું સ્થાન ધરાવતી માધવ શરાફી સહકારી મંડળી લિમિટેડ સફળતાપૂર્વકના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ ગૌરવશાળી અવસરે આગામી તા.૧૫ જુલાઈના રોજ રાત્રે ૮ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે સાંસ્કૃતિક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. કસુંબીનો રંગ શીર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં ત્યાગ, શૌર્ય અને માનવીય સંવેદનાઓને પ્રગટ કરતું પ્રાચીન ભજન અને શાશ્વત લોકસાહિત્ય પીરસવામાં આવશે, જેમાં વિશ્વવિખ્યાત લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી અને ભજન આરાધક સાગર મેસવાણીયા પોતાની કલાથી રાજકોટના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે.
સંસ્થાના મેનેજીંગ ડિરેક્ટર ડો. એન. ડી. શીલુએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ સ્થાપના દિવસની ઉજવણી પાછળ એક અત્યંત સંવેદનશીલ અને આદરણીય ભાવ છુપાયેલો છે. સંસ્થાના પૂર્વ ડિરેક્ટર સ્વ. રૂપાબેન શીલુ, જેઓએ સ્થાપના કાળથી જ માધવ મંડળીની વિકાસયાત્રામાં પોતાનું અમૂલ્ય અને અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું, તેમનો જન્મદિવસ ૧૫ જુલાઈના રોજ આવે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તેમના આ અમૂલ્ય પ્રદાનને યાદ કરી, દર વર્ષે સ્થાપના દિનને સ્વ. રૂપાબેનની જન્મજયંતી એટલે કે ૧૫ જુલાઈના દિવસે જ ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે, જે તેમને સાચા અર્થમાં એક ભક્તિસભર કાર્યાંજાલિ છે.
માધવ મંડળીની આર્થિક પ્રવૃત્તિઓ અને સભાસદોના સર્વાંગી ઉત્કર્ષ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું કે, સંસ્થા તેના જરૂરીયાતમંદ સભાસદો માટે સરળ અને ઝડપી ધિરાણ, થાપણદારો માટે શ્રેષ્ઠ વ્યાજ દર, કોઈપણ પ્રકારના પ્રોસેસિગ ચાર્જ વગર માત્ર ૩૦ મિનિટમાં રૂ. ૨૫ લાખ સુધીની ગોલ્ડ લોન, દર બે વર્ષે ઉપયોગી કીમતી સભાસદ ભેટ અને મહત્તમ ૨૦% જેટલું માતબર ડિવિડન્ડ આપવામાં આવે છે. રાજકોટ ઉપરાંત બોટાદ, મોરબી અને ધોરાજીમાં પણ સંસ્થા પોતાની શાખાઓ દ્વારા વ્યાપક સેવાઓનો વિસ્તાર કરી રહી હોવાનું જણાવાયું છે.
આગામી ૧૫ જુલાઈના રોજ યોજાનાર આ ભવ્ય આત્મીય સાંસ્કૃતિક ઉત્સવ માત્ર માધવના સભાસદો અને આમંત્રિત પ્રબુદ્ધ નાગરિકો, અધિકારીઓ તથા મહાનુભાવો માટે જ રાખવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, વાઇસ ચેરમેન ડો. કેતન બાવીશી, ડિરેક્ટર્સ ડો. તત્સ જોષી, તેજશભાઈ પંડ્યા, ભાસ્કરભાઈ રાજ્યગુરુ, જયંતીભાઈ રાજકોટીયા, એન. સી. બરછા, મહેશભાઈ શીલુ, ડો. મિતાબેન ઓઝા, કલ્પનાબેન શુક્લ, શાખાના વ્યવસ્થાપકો સર્વશ્રી દીપકભાઈ વડાલીયા (મોરબી), મહેશભાઈ શીલુ (બોટાદ), રણછોડભાઈ વઘાસીયા (ધોરાજી) તેમજ જનરલ મેનેજર ચંદ્રેશભાઈ કાપડિયા, સીઈઓ આશુતોષભાઈ શીલુ જહેમત ઉઠાવી રહ્યા છે.
સભાસદોએ પોતાના પ્રવેશપાસ સંસ્થાના મુખ્ય કાર્યાલય માધવ ભવન, અક્ષર માર્ગ, એસ.બી.આઈ. બેંક સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધીમાં મેળવી લેવા યાદીના અંતમાં જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ડો.એન.ડી.શીલુ, ભરતભાઈ જોષી, જયેશભાઈ સંઘાણી અને વિજયભાઈ પુરોહીત નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:17 PM IST)










