<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

લોકમેળાના સ્‍ટોલમાં ૫ થી ૧૦ ટકાનો ભાડા વધારો ઝીંકાયોઃ રાઇડના દરમાં - કોઇ ફેરફાર નહિ કરવા આદેશ

રાઇડના દર ગયા વર્ષની જેમ રૂ.૩૫ અને રૂ.૫૦ જ રહેશેઃ કલેકટરને રીપોર્ટ કોઇ પણ ઘટનાને પહોંચી વળવા બે ગ્રીન કોરીડોર પણ ફાઇનલઃ પોલીસ પાસેથી સુરક્ષા પ્‍લાન પણ મંગાયો...

રાજકોટ, તા.૯: રેસકોર્ષમાં તા.૨ સપ્‍ટેમ્‍બરથી યોજાનાર ભવ્‍યાતિભવ્‍ય લોકમેળાનું એક આગવું સ્‍થાન છે. દર વર્ષે રપ લાખ લોકોની ભીડને આકર્ષતા આ ભવ્‍ય જન્‍માષ્ટમી લોકમેળાના આયોજનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. લોકમેળાનું લેઆઉટ સમિતિ દ્વારા તૈયાર ફાઇનલ કરી દેવાયુ છે, કલેકટરે પ્‍લાન ફાઇનલ કર્યુ છે. દરમિયાન ઉચ્‍ચ અધિકારી સૂત્રોના કહેવા મુજબ આ વખતે લોકમેળામાં વિવિધ રાઇડ્‍સ, ખાણી-પીણીના સ્‍ટોલ અને રમકડાંની દુકાનોના ભાડામાં ૫ થી ૧૦ ટકા સુધીનો વધારો કરવાનું ફાઇનલ કર્યુ છે, લોકમેળા સમિતિની ભાવવધારા સમિતિ (રેટ રિવિઝન કમિટી) દ્વારા આ અંગેનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને જિલ્લા કલેક્‍ટરને સુપરત કરી દેવામાં આવ્‍યો છે. આગામી દિવસોમાં આ અંગેનો અહેવાલ કલેકટર ફાઇનલ કર્યા બાદ અપસેટ પ્રાઈઝ  નક્કી કરવા સહીતના સ્‍ટોલના ફોર્મ વિતરણની તારીખ નક્કી કરવામાં આવશે. આ સિવાય નાની કે મોટી યાંત્રિક રાઇડ્‍સના ભાવમાં કોઈ વધારો નહિ થાય તેવું સૂત્ર પાસેથી જાણવા મળ્‍યું છે એટલે કે નાની રાઇડ્‍સના ૩૫ અને મોટી યાંત્રિક રાઇડ્‍સના ૫૦ રૂપિયાનો દર યથાવત રાખવામાં આવશે. આ વર્ષનો મેળો માત્ર મનોરંજન જ નહીં, પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ પણ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે, કારણ કે મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત ‘ગ્રીન કોરિડોર'નું નિર્માણ કરવામાં આવશે.જેમાં ફનવર્લ્‍ડની બાજુનો ગેઇટ અને જુના એરપોર્ટ સામેનો ગેઇટ એક સમર્પિત 'ઇમરજન્‍સી કોરિડોર' રાખવામાં આવશે. આ રૂટ હંમેશા ખાલી રાખવામાં આવશે જેથી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ, ફાયર ફાઈટર કે પોલીસ વાહનો કોઈપણ અવરોધ વિના ઘટનાસ્‍થળે ગણતરીની મિનિટોમાં પહોંચી શકે.

 અત્રે એ નોંધનીય છે, કે રાજકોટ કલેકટરે અગાઉની મીટીંગમાં સ્‍ટોલના ભાડામાં વધારો કરવા અંગે અધિકારીઓ, ભાવ કમિટીને નિર્દેશ આપ્‍યો હતો. કલેકટરનું કહેવુ છે કે ર થી ૩ વર્ષથી અપસેટ પ્રાઇઝ વધારાઇ નથી, આથી ૫ ટકા જેવો ભાવ વધારો જરૂરી જણાય છે

(2:50 PM IST)