તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th April 2026
લોધીકાના મહિલા પીઆઇ તથા ૫ પોલીસકર્મી સસ્પેન્ડ
ફાર્મહાઉસમાંથી સ્ટેટ વિજીલન્સે ૧૧ લાખનો દારૂ ઝડપી લીધાના પ્રકરણમાં રેન્જ આઇજી નિર્લીપ્ત રાય દ્વારા કાર્યવાહીઃ રૂરલ પોલીસબેડામાં ખળભળાટ

રાજકોટ તા.૧૬: લોધીકાના પોલીસ મથકના વિસ્તારના ફાર્મહાઉસમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી ૧૧ લાખનો દારૂ ઝડપી લીધાના પ્રકરણમાં જવાબદાર પીઆઇ તથા પાંચ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાનો હુકમ રેન્જ આઇજી નિર્લીપ્તરાય કરતા પોલીસબેડામાં ખળાભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લોધીકા પાસે આવેલ માખાવડ ગામની સીમમાં ફાર્મહાઉસમાં ગઇકાલે સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી ૧૧.૧૬ લાખનો દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અને મુખ્ય બુટલેગર ઉમેશ કાનાણી સહિતના અન્ય શખ્સોની સંડોવણી ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ હતી. સ્થાનીક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ વિજીલન્સે આ દરોડો પાડયો હતો અને સ્થાનીક પોલીસની ભૂમિકા અંગે રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ જીલ્લા પોલીસવડાને તપાસ કરવાનો હુકમ કર્યો હતો.
દરમ્યાન આ દારૂ પ્રકરણમાં સ્થાનીક પોલીસની બેદરકારી ખુલતા રેન્જ આઇજી નિર્લીપ્ત રાયએ લોધીકાના મહિલા પી.આઇ. એસ.એમ. પરમાર, એએસઆઇ ગોપાલભાઇ મોહનભાઇ, હેડકોન્સ. માવજીભાઇ જેઠાભાઇ, હેડકોન્સ. પિયુષભાઇ પરસોતમભાઇ, પો.કોન્સ. પ્રકાશભાઇ તથા પોલીસ કોન્સ. ખોડાભાઇ રામજીભાઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા રૂરલ પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
લોધીકા પી.આઇ.ને સસ્પેન્ડ કરાતા લોધીકા પીઆઇનો ચાર્જ પી.એસ.આઇ. આઇ.એન. સરવૈયાને સોંપવાનો હુકમ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવેલ છે
(1:13 PM IST)










