<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લોધિકા સંઘઃ ઉલટફેરઃ રૈયાણી હાર્યાઃ ૨ બળવાખોરો જીત્‍યા

રાજકોટ લોધિકા ખરીદ વેંચાણ સંઘની ચૂંટણીમાં ફરીવાર રાદડીયા જૂથનો દબદબો : ભાજપના સત્તાવાર મેન્‍ડેટ વિરૂધ્‍ધ જઇને ફોર્મ ભરનાર બળવાખોર ઉમેદવારો બે મહત્‍વની બેઠકો ઉપર વિજયી નિવડયાઃ પૃથ્‍વીસિંહ જાડેજા હાર્યાઃ વિજય સખિયા જીત્‍યા

રાજકોટ તા.૯: રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના મતદાન બાદ ઉમેદવારોનું પરિણામ જાહેર થયું છે. આ ચૂંટણીમાં ૯૫ ટકા મતદાન થયું હતું. લોધિકા સંઘમાં ૧૫ ડિરેક્‍ટરોની ચૂંટણી જાહેર થતાંની સાથે જ ભાજપના બે જૂથ વચ્‍ચે ઉમેદવારોને લઈ ભારે ખેંચતાણ સર્જાઈ હતી. આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે અને તેમાં મોટો ઉલટફેર જોવા મળ્‍યો છે. આ ચૂંટણીમાં રાજ્‍ય સરકારના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્‍ગજ નેતા અરવિદ રૈયાણીનો પરાજય થયો છે. જ્‍યારે માધાપર બેઠક પર વિજય સખીયાનો વિજય થયો છે.

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ઉલટફેર જોવા મળ્‍યો છે.જેમાં હલેન્‍ડા બેઠક પર મહેશ આસોદરિયાની શાનદાર જીત થઈ છે અને પરિણામ જાહેર થાય તે પૂર્વે જ ધીરુભાઈ રોકડ દ્વારા તેમને ખુલ્‍લું સમર્થન અપાયું હોવાથી પરિણામ પહેલાં જ ઢોલ નગારા વગાડીને ઉજવણી શરૂ થઈ ગઈ હતી.બીજી તરફ,માધાપર બેઠક ઉપર ભાજપ દ્વારા પૃથ્‍વીસિહ જાડેજાને મત આપવા માટે વ્‍હિપ આપવામાં આવ્‍યો હોવા છતાં ચારેય મતદારોએ રાદડિયા જૂથના માનવામાં આવતા વિજય સખિયાને મત આપતા પૃથ્‍વીસિહ જાડેજાનો પરાજય થયો હતો અને વિજય સખિયાની જીત થઈ હતી.

આ ચૂંટણીના અન્‍ય પરિણામોમાં કુવાડવા બેઠક ઉપર પૂર્વ મંત્રી અરવિદ રૈયાણીની હાર થઈ છે.જ્‍યારે આ બેઠક પર નીતિન રૈયાણીનો વિજય મેળવ્‍યો છે.સહકારી ક્ષેત્રની આ અત્‍યંત મહત્‍વપૂર્ણ ચૂંટણીમાં દિગ્‍ગજ નેતાઓની હાર અને સમીકરણો બદલાતા રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના દિગ્‍ગજ નેતાઓ હારી જતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મતદાન સમયે પણ ભારે ઉત્તેજના જોવા મળી હતી.

રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં ભારે ચકચાર મચાવી દીધી છે. સવારે ૯ વાગ્‍યે મતગણતરી શરૂ થયા બાદ આવેલા પરિણામોમાં ભાજપના જ બે દિગ્‍ગજ જૂથો (જયેશ રાદડિયા જૂથ અને પ્રશાંત કોરાટ જૂથ) સામસામે હોવાથી ચૂંટણી અત્‍યંત રસાકસીભરી બની હતી. કુલ ૧૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો અગાઉ બિનહરીફ થઈ ચૂકી હતી, જ્‍યારે બાકી રહેલી અન્‍ય ૫ બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ૫ બેઠકો માટે કુલ ૨૧માંથી ૨૦ મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના આ જંગમાં પૂર્વ મંત્રી અરવિદ રૈયાણી, પૃથ્‍વીસિહ જાડેજા ઉર્ફે ઘોઘુભા, બાબુ નસિત, મહેશ આસોદરિયા અને વિજય સખિયા સહિતના અનેક દિગ્‍ગજ નેતાઓ મેદાનમાં હતા.

આ ચૂંટણીમાં રાજકોટ લોધિકા સંઘની બેઠકો પર મોટા રાજકીય ઉલટફેરો જોવા મળ્‍યા છે. ભાજપ દ્વારા જેને સત્તાવાર વ્‍હિપ આપવામાં આવ્‍યો હતો અને પક્ષના તમામ ૪ મતદારોને મત આપવા આદેશ કરાયો હતો તેવા પૃથ્‍વીસિહ જાડેજા ઉર્ફે ઘોઘુભાનો પરાજય થયો છે. તેમની સામે વિજય સખિયાની શાનદાર જીત થઈ છે. માધાપર જૂથ બેઠક પર વિજય સખિયા અને કુંવાડવા જૂથ બેઠક પર નીતિન ચોવટિયાની જીત થઈ છે. ખાસ વાત એ છે કે આ બંને સીટો પર રાદડિયા જૂથના ટેકેદારોને સત્તાવાર મેન્‍ડેટ ન મળવા છતાં તેમણે બળવો કરીને ફોર્મ ભર્યા હતા અને અંતે આ બળવાખોર ઉમેદવારોની જીત થઈ હતી. આ સાથે જ પૂર્વ મંત્રી અરવિદ રૈયાણી પણ કુંવાડવા બેઠક પર નીતિન ચોવટિયા સામે ચૂંટણી હારી ગયા છે.

ચૂંટણીના અંતિમ આંકડા મુજબ આ સમગ્ર જંગમાં જયેશ રાદડિયા જૂથનો સ્‍પષ્ટ દબદબો જોવા મળ્‍યો છે. ત્રંબા સીટ પર ચૂંટણી ટાઈ થઈ હતી, ત્‍યારબાદ હાથ ધરાયેલી ચિઠ્ઠી પદ્ધતિમાં નીતિન રામાણીની જીત થઈ હતી. હલેન્‍ડા બેઠક પર મહેશ આસોદરિયાની જીત થઈ છે, જેને પાર્ટી દ્વારા સત્તાવાર મેન્‍ડેટ આપવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત ખોખડદડ બેઠક પર બાબુ નસિતની જીત થઈ છે, જેઓ જયેશ રાદડિયા વિરુદ્ધ જૂથના માનવામાં આવે છે. બાબુ નસિતની આ બેઠક પર મતદાન દરમિયાન એક મતદારે પોતાનો મત આપ્‍યો ન હતો. આમ, યોજાયેલી પાંચમાંથી ત્રણ મહત્‍વની બેઠકોમાં પક્ષના વ્‍હિપનો ખુલ્‍લેઆમ અનાદર થયો હોવાનું સામે આવ્‍યું છે.

(10:50 AM IST)