News of Tuesday, 22nd September 2026
બોલેરોમાં બકાલા પાછળ છુપાવ્યો હતો ૫.૪૭ લાખનો દારૂ!: બે રાજસ્થાનીને પીસીબીએ પક્ડયા
પરસાણાનગરના આરીફે મહારાષ્ટ્રથી મંગાવેલો જથ્થો તેના સુધી પહોંચ્યો જ નહિ : પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા અને ટીમની કામગીરીઃ ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા અને વિશાલભાઇ દવેની બાતમી

રાજકોટ તા. ૨૨: વિદેશી દારૂની હેરાફેરી કરવા બૂટલેગરો નીતનવા નુસ્ખા અજમાવતાં રહે છે. વધુ એક વખત આવી તરબીકનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનથી બે શખ્સો બોલેરો પીકઅપમાં કોબીજ-દુધીના જથ્થાની આડમાં રૂા. ૫,૪૭,૦૦૮નો વિદેશી દારૂનો જથ્થો ભરી રાજકોટના પરસાણાનગરના શખ્સને આપવા આવતાં હોઇ બંનેને પીસીબીની ટીમે કોઠારીયા ગામથી લાપાસરીના રસ્તે પકડી લઇ દારૂ, વાહન, મોબાઇલ ફોન મળી કુલ રૂા. ૧૦,૫૨,૦૦૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિને ડામવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોનસ. ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, કોન્સ. વિશાલભાઇ દવેને બાતમી મળી હતી કે કોઠારીયાથી લાપાસરીના રસ્તે એક શંકાસ્પદ બોલેરો દારૂ ભરીને નીકળવાની છે. આ બાતમી પરથી લાપાસરીના રસ્તે ગાત્રાળ પાન પાસે વોચ રાખતાં એમએચ૧૮બીઝેડ-૩૫૭૦ નંબરની બોલેરો પીકઅપ ગાડી આવી હતી. જેને અટકાવી દેવામાં આવી હતી.
પોલીસે ડ્રાઇવીંગ સીટ પરે બેઠેલા શખ્સની પુછતાછ કરતાં પોતાનું નામ અમરસિંગ કિશનસિંગ દસાણા (ઉ.વ.૨૭-રહે. નયાઘર બાનોકરા, તા. કુંભલગઢ, જી. રાજસમદ રાજસ્થાન) અને સાથે બેઠેલા શખ્સે પોતાનું નામ કપીલ પ્રકાશદાસ વૈષ્ણવ (ઉ.વ.૨૫-રહે. સુખાનામ દેબારી, અદકીયા કા વાડા, જી. ઉદયપુર રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે વાહનના ઠાઠામાં શું ભર્યુ છે? પુછતાં બંનેએ શાકભાજી હોવાનું કહ્યું હતું. પોલીસે પાછળ તપાસ કરતાં લીલા રંગની કારપેટ પાથરેલી જોવા મળી હતી.
જે હટાવતાં પાછળ દુધી, કોબીજ ભરેલા દેખાયા હતાં. પણ દારૂની બાતમી હોઇ આ શાકભાજી હટાવીને જોતાં પાછળથી પુઠાના ૭૭ બોક્સ મળ્યા હતાં.
આ બોક્સ ખોલીને જોતાં અંદરથી પોલાન્ડ પ્રાઇડ કલેકશન રીઝર્વ પ્રિમીયમ વ્હીસ્કીના ૧૮૦ એમએલના ૩૬૯૬ ચપલા રૂા. ૫,૪૭,૦૦૮ના મળી આવતાં તે તથા બોલેરો, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બંનેની ધરપકડ કરી હતી. પુછતાછ થતાં બંનેએ આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભર્યો હોવાનું અને રાજકોટ જામનગર રોડ પરના પરસાણાનગરના બૂટલેગર આરીફ સલીમભાઇ જુણેજાએ મંગાવ્યો હોવાનું કબુલતાં પોલીસે આરીફની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પણ પીસીબીએ આરીફને દારૂના જથ્થા સાથે પકડયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીઆઇ એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શનમાં પીએસઆઇ પી. બી. ત્રાજીયા, પીએસઆઇ આર. કે. જાડેજા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, હેડકોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયભાઇ રૂપાપરા, કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે અને હરપાલસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી
(3:23 PM IST)










