તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
રેસકોર્ષ રોડ ઉપર લાઇટીંગની દરખાસ્ત પેન્ડીંગ તથા કાલાવડ રોડ- પેડક રોડના જીમ સંચાલન રીન્યુ કરવાની દરખાસ્ત નામંજુર
પ્રથમ સ્ટેન્ડીંગમાં નવા ચેરમેન પરેશ પીપળીયાનો સપાટોઃ ૮૬.૨૨ કરોડના વિકાસકામોની ૨૪ તથા ૩ અરજન્ટ દરખાસ્તો અંગે કરાયો નિર્ણય રીંગરોડ ઉપર ડેકોરેટીવ રોશની અંગે વધુ અભ્યાસ અર્થે તથા કાલાવાડ રોડ અને પેડક રોડના સ્નાનાગારમાં જીમ સંચાલન સોંપવામાં વધુ આવકની આશાએ આ દરખાસ્તોનો નિર્ણય ન લેવાયોઃ સોખડા વિસ્તારમાં ૨૦.૯૪ કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ બનાવાશે

મ્યુનિ. કોર્પોરેશનની નવી બોડીની સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ મીટીંગ આજે બપોરે ૧ર વાગ્યે સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં વિવિધ વિકાસ કામોની ર૪ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરોકત તસ્વીરમાં સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પરેશ પીપળીયા, સ્ટેન્ડિંગ કમિટી સભ્ય સંજય ચાવડા, કૌશિક ટાંક, ધૈર્ય પારેખ, અંજનાબેન મોરઝરીયા, વર્ષાબેન પાંધી તથા ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, તથા સ્ટે. ચેરમેન પી.એ.એચ.જી. મોલીયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)(૨.૧૩)
રાજકોટ તા.પઃ મ્યુનિ.કોર્પોરેશનની નવી બોડીની સ્ટેન્ડીંગ કમિટીની પ્રથમ મિટીંગ આજે બપોરે ૧૨ કલાકે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. એજન્ડા પર વિવિધ વિકાસકામોની ૨૪ તથા ૩ અરજન્ટ બીઝનેસ દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં રેસકોર્ષ રીંગરોડ ઉપર ડેકોરેટીવ લાઇટીંગનું આયોજન અંગેની દરખાસ્ત અને મનપા માટે ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. જયારે કાલાવાડ રોડ તથા પેડક રોડ સ્થિત સ્નાનાગાર પરિસર પાસેના જીમનું સંચાલન સોંપવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે.
મનપાના વર્તમાન પદાધિકારીઓની પ્રથમ ટર્મની પ્રથમ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૮૬.૨૨ કરોડના વિવિધ વિકાસકામોની ૨૪ દરખાસ્તોને મંજુરીની મ્હોર લગાવવામાં આવી છે.
બે દરખાસ્ત પેન્ડીંગ
પેન્ડીંગ રહેલ દરખાસ્ત અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાએ પત્રકારોને વધુ વિગતો આપતા જણાવ્યુ હતું કે, રેસકોર્ષ રીંગરોડ પર માત્ર નવી ડેકોરેટીવ લાઇટીંગ જ નહી પરંતુ પુરો રીંગરોડ આકર્ષક લાગે અને ફરવાનુ સ્થળ ઝળહળતુ રહે તેવુ કાયમી આયોજન કરવા તથા રાજકોટ મહાનગરપાલીકા માટે અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવા અંગે આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં આ બે દરખાસ્ત વધુ અભ્યાસ અર્થે પેન્ડીંગ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
જીમના સંચાલનને
દરખાસ્ત નામંજુર
વધુમાં શ્રી પીપળીયાએ જણાવ્યુ હતું કે, શહેરના કાલાવાડ રોડ અને પેડક રોડ સ્થીત સ્નાનાગાર પરીસર પાસેના જીમનેશીયમનું સંચાલન હજુ વધુ આવકની આશાએ આ દરખાસ્ત નામંજુર કરવામાં આવી છે. તેઓએ જણાવ્યુ હતુ કે કેન્સ જીમે ૫ાંચ વર્ષ માટે ૩૧.૫૦ લાખની આવકની ઓફર કરવામાં આવી હતી. જે બન્ને જીમ થઇને ૬.૩૦ લાખ આવક થાય છે. પરંતુ સભ્યોના જણાવ્યા પ્રમાણે હજુ વધુ આવક થાય તેથી આ દરખાસ્તો નામંજુરનો નિર્ણય સ્ટેન્ડીંગ કમિટી દ્વારા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં વોર્ડ નં.૪માં સોખડા સર્વે નં.૧૦૯માં ૨૦.૯૪ કરોડના ખર્ચે ૨૦ હજાર ચો.મી.માં ૧૨ શેડ સહિતની સુવિધા તથા ૩૨૫ પશુઓ રહી શકે તેવી વ્યવસ્થાવાળી એનીમલ હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમજ વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, વૃક્ષારોપણ સહિતની દરખાસ્તોને મંજુરીની મ્હોર લગાવવામાં આવીછે.
(3:25 PM IST)










