News of Tuesday, 15th September 2026
સંત કબીર રોડ પર મુખ્ય પાણીની લાઇનમાં લીકેજઃ વિતરણ ઠપ્પ
કનકનગર, ભોજલરામ, રણછોડનગર, સંજયનગર સહિત એક ડઝન સોસાયટીઓના નળ રહ્યા કોરાઃ સવારે પાણી ન મળતાં લતાવાસીઓમાં દેકારોઃ સાંજે વિતરણની શકયતા

રાજકોટ તા.૧૫: રાજકોટ મહાનગરપાલિકાના ઇસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નં. ૬માં સંત કબીર રોડ પર નિર્માણાધીન મહારાણા પ્રતાપ કોમ્યુનિટી હોલ નજીક ૨૦૦ એમ.એમ.ની મુખ્ય પાણીની લાઇનમાં લીકેજ સર્જાતા આસપાસના વિસ્તારોમાં પાણી વિતરણ ખોરવાયું હતું. પરિણામે આજે સવારે અંદાજે એક ડઝન જેટલી સોસાયટીઓના નળ કોરા રહેતાં રહેવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વિશેષમાં લતાવાસીઓના જણાવ્યા મુજબ રણછોડનગર, કનકનગર, ભોજલરામ સોસાયટી, સંજયનગર સહિત આસપાસની અંદાજે એક ડઝન સોસાયટીઓમાં આજે સવારે નિયત સમયે પાણીનું વિતરણ થયું ન હતું. પાણી ન મળતાં સ્થાનિકોએ કોર્પોરેટરો સમક્ષ ફરિયાદ કરી હતી.આ અંગે તપાસ કરતાં મુખ્ય પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું હોવાનું જાણવા મળ્યું હતું. લીકેજને કારણે સવારનું પાણી વિતરણ થઈ શકયું ન હોવાનું અને તેના બદલે સાંજના સમયે પાણી વિતરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
દરમિયાન, ૨૦૦ એમ.એમ.ની મુખ્ય લાઇનમાં કયા કારણોસર લીકેજ સર્જાયું, સમારકામની કામગીરી કયારે પૂર્ણ થશે અને પાણી વિતરણ કયારે રાબેતા મુજબ થશે તે અંગે વિગતો મેળવવા કોર્પોરેટરોએ વોર્ડના જવાબદાર ઇજનેરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઇજનેરનો ફોન સતત ‘નો રિપ્લાય' થઇ રહયાનું લતાવાસીઓ જણાવી રહયા છે.(૨.૨૩)
(3:01 PM IST)










