<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

એલસીબી ઝોન-૧ ટીમનો જંગલેશ્વરમાં દરોડો: પોણો લાખના ગાંજા સાથે અબ્દુલ ઉર્ફે દુલિયો ધાડા ઝડપાયો

ડીસીપી હેતલ પટેલની સૂચનાથી ઇન.પીઆઇ એસ.પી. સોઢા, પીએસઆઈ એમ.કે. મોવલિયા અને ટીમની કામગીરી: મનરૂપગીરી ગોસ્વામી, વિરદેવસિંહ જાડેજાની બાતમી : ​એક્ટિવાની ડેકીમાંથી ૧૪૫૫ ગ્રામ ગાંજો તથા રોકડ રકમ સહિત રૂ. ૧.૨૩ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

​રાજકોટ: શહેર પોલીસ દ્વારા યુવાધન નશાના રવાડે ન ચડે તે માટે ચલાવવામાં આવી રહેલ “સે નો ટુ ડ્રગ્સ" મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનું વેચાણ અને સેવન અટકાવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના અનુસંધાને પેટ્રોલીંગમાં રહેલ એલસીબી ઝોન-૧ની ટીમના એએસઆઈ મનરૂપગીરી બી. ગૌસ્વામી તથા  હેડકોન્સ્ટેબલ વિરદેવસિંહ વિક્રમસિંહ જાડેજાને સંયુક્તમાં મળેલ ખાનગી બાતમીના આધારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. સોઢાની રાહબરી હેઠળ એલ.સી.બી. ઝોન-૧ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે જંગલેશ્વર શેરી નં. ૧૧, કનૈયા ચોક, રોયલ ફ્લોર મીલની સામે જાહેર રોડ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક્ટિવા મોપેડની ડેકીમાંથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અબ્દુલ ઉર્ફે દુલીયો ભીખુભાઈ ધાડા (ઉ.વ. ૪૪) નામના મજુરી કામ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. ૭૨,૭૫૦ ની કિંમતનો ૧૪૫૫ ગ્રામ ગાંજો, રૂ. ૧૦,૦૦૦ની કિંમતનો વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન, રૂ. ૪૦,૦૦૦ની કિંમતનું હોન્ડા એક્ટિવા, રૂ. ૧૧૨૦ ની રોકડ રકમ, એક સીમકાર્ડ તથા ૧૧૫ નંગ પારદર્શક પ્લાસ્ટીકની કોથળીઓ મળી કુલ રૂ. ૧,૨૩,૮૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપી અગાઉ પણ ભક્તિનગર અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન, આઈ.પી.સી., જી.પી.એક્ટ તથા જુગાર ધારા હેઠળના ૭ ગુન્હાઓમાં સંડોવાયેલો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  

​આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલિક તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ ભક્તિનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પી.આઈ. એસ.પી. સોઢા, એલસીબી ઝોન-૧ના પીએસઆઈ એમ.કે. મોવલીયા, એએસઆઈ હરેશભાઈ પરમાર, એએસઆઈ મનરૂપગીરી ગૌસ્વામી, હેડકોન્સ. વિરદેવસિંહ જાડેજા, પો. હેડ કન્સ. નરેન્દ્રભાઈ ગઢવી, હેડકોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. મહાવીરસિંહ ચુડાસમા, ભક્તિનગરના એએસઆઈ નિલેશભાઈ મકવાણા, હેડકોન્સ. હરવિજયસિંહ ગોહિલ, કોન્સ. પ્રભાતભાઈ મૈયડ દ્વારા કરવામાં આવી છે. માદક પદાર્થનું પ્રાથમિક પરીક્ષણ કરનાર એફ.એસ.એલ. અધિકારી કે.એમ. તાવીયાએ કર્યું હતું.

(8:10 PM IST)