તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા હેડકોન્સ્ટેબલને વકિલે ‘તારી શું ઓૈકાત?' કહીને ફરજ રૂકાવટ કરી
કેવલમ્ કવાર્ટરમાં રહેતાં શીતલબેનની અરજી સંદર્ભે સામેવાળાને બોલાવી કાર્યવાહી થઇ રહી હતી ત્યારે શીતલબેને પોતાના બહેન, બીજી બે મહિલા, વકિલ સાથે આવી ધમાલ મચાવ્યાનો આરોપ પીએસઆઇ અને અન્ય હેડકોન્સ્ટેબલને પણ તુકારા દઇ અપમાન કર્યુઃ કોર્ટમાં જોઇ લેવાની ધમકી દીધીઃ રવિભાઇ વાઘેલા, શીતલબેન, તેણીની બહેન, સાથેના ફરીદાબેન, અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો

રાજકોટ તા. ૬: કેવલમ્ ક્વાર્ટરમાં રહેતાં બે મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાબતે શીતલબેન નામના મહિલાએ કરેલી અરજી અનુસંધાને યુનિવર્સિટી પોલીસે સામેવાળાને રવિવારે તપાસના કામે બોલાવતાં તે વખતે શીતલબેન, તેના બહેન, અન્ય બે મહિલા તેમજ વકિલ પણ સાથે આવતાં વકિલે તપાસનીશ મહિલા હેડકોન્સ્ટેબલ સાથે માથાકુટ કરી તમે શું તપાસ કરો છો? કોગ્નીઝેબલ ગુનો નોંધી સામેવાળાીન ધરપકડ કરો, તેને કેમ પુરતાં નથી તેમ કહી મહિલા હેડકોન્સ્ટેબલને તુંકારો દઇ લુખ્ખી તારી શું ઓકાત છે? તેમ કહી ન છાજે તેવા શબ્દો કહેતાં તેમજ ડી. સ્ટાફના પીએસઆઇ, અન્ય એક હેડકોન્સ્ટેબલ અને બીજા સ્ટાફ સાથે પણ ગેરવર્તન કરતાં પોલીસ સ્ટેશનમાં દેકારો મચી ગયો હતો. અરજદાર શીતલબેન અને તેની બહેન સહિતે પણ મહિલા હેડકોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી લેતાં ઇજા થઇ હતી. આ બનાવમાં વકિલ સહિતની સામે ગુનો નોંધાયો છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં હેડકોન્સ. રેણુકાબેન જેસંગભાઇ ચોૈધરીની ફરિયાદ પરથી રવિભાઇ વાઘેલા, કેવલમ્ ક્વાર્ટરમાં રહેતાં શીતલબેન મનુભાઇ ચાવડા, તેણીના બહેન તેમજ ફરીદાબેન અને એક અજાણી મહિલા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હેડકોન્સ. રેણુકાબેન ચોૈધરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રાઇટર હેડની મદદમાં ફરજ બજાવુ છું. શનિવારે તા. ૪ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી તરફથી એક અરજી આવી હતી. જેના અરજદાર શીતલબેન મનુભાઇ ચાવડા (રહે. કેવલમ્ ક્વાર્ટર) હતાં. આ અરજીમાં અરજદાર શીતલબેને પોતાને ૨૯-૩૦મી જુનના રોજ પાડોશી રેખાબેન સહિતની સાથે ઝઘડો થયો હોઇ તેણે ૧૧૨ ઉપર કોલ કર્યાની વિગતો હતી. આ અરજીની તપાસ મને સોંપવામાં આવી હતી. આથી તપાસના કામ માટે અરજદારને રૂબરૂ બોલાવી તેનું નિવેદન લીધુ હતું. ત્યારે અરજદારે કહેલુ કે સામા વાળા આવે ત્યારે પણ અમને બોલાવજો, અમારે પુછવું છે કે આવુ અમારી સાથે શું કામ કરો છે.
આ પછી રવિવારે તા. ૫/૭ના રોજ સવારે અગીયારેક વાગ્યે અમે અરજીના સામોવળા નરેન્દ્રભાઇ, ચેતનભાઇ, રેખાબેન, કાનો ઉર્ફે પાર્થને બોલાવ્યા હતાં. આ વખતે અરજદાર શીતલબેન અને તેના બહેન પણ પોલીસ સ્ટેશને આવ્યા હતાં. સામાવાળા અરજદાર સાથે સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે અરજીના કામે અટકાયતી પગલા મુકવાની કાર્યવાહી અમે ઇન્વે રૂમમાં હાથ ધરી હતી. તે વખતે અરજદાર શીતલબેને તેમના વકિલ રવિભાઇ વાઘેલાને બોલાવ્યા હતાં. આ વખતે આ લોકોએ મારી ઉલટ તપાસ કરી હતી કે તમે શું તપાસ કરો છો? કેવી રીતે તપાસ કરો છો? અમારે કોગ્નીઝેબલ ગુનો દાખલ કરાવવો છે, આ લોકોની ધરપકડ કરાવવાની છે.
આથી મેં તેઓને જણાવેલ કે આ બનાવમાં સુલેહશાંતિ ભંગ થયેલ છે, જે બાબતે હું કાર્યવાહી કરી રહી છું. તેમ કહેતાં વકિલ રવિભાઇ વાઘેલા પુરી વાત સમજ્યા વગર કહેવા લાગેલા કે-આ લોકો સામાવાળને કેમ પુરતા નથી? અમારા અસીલની વિરૂધ્ધ જ અરજી લઇને અટકાયતી પગલા મુકો છો. જેથી મેં કહેલું કે અગાઉની અરજી અમારી પાસે નથી, ફક્ત આપના અસીલ શિતલબેનની અરજી હાલ અમારી પાસે છે, તે લગત જ કાર્યવાહી ચાલુ છે. તમારા અસીલ જે સાહેદ તરીકે લાવ્યા છે તે બહેનનું નિવેદન લેવા દેતા નથી. આમ કહેતાં રવિભાઇએ મારી અને મારા મદદનીશ કોન્સ. કૃષ્ણસિંહ સુજાનસિંહ સાથે બોલાચાલી કરવા માંડયા હતાં. જોર જોરથી મને તુકારે બોલાવવા માંડયા હતાં અને મને -લુખ્ખી તારી શું ઓકાત છે? તેવા ન છાજે તેવા શબ્દો કહ્યા હતાં.
હેડકોન્સ. રેણુકાબેન ચોૈધરીએ વધુમાં કહ્યું હતું કે આ લોકો મારુ કામ કરવા દેતાં ન હોઇ જેથી ડી. સ્ટાફમાંથી પીએસઆઇ એસ. એન. શ્યોરા, એએસઆઇ હિતેષભાઇ જોગડા સહિતને બોલાવ્યા હતાં. આ બધાએ વકિલ રવિભાઇને બહાર જવા સમજાવ્યા હતાં. પણ વકિલે પીએસઆઇ શ્યોરાને પણ તુકારો આપી જેમ તેમ કહી તું સાઇડમાં જા મને જોવા દે તો આની શું ઓૈકાત છે, તેમ કહી ફરીથી જેમ ફાવે તેમ બોલ્યા હતાં. પીએસઆઇ સહિતે વકિલને બહાર મોકલી દીધા છતાં તે ફરીથી અંદર આવેલ અને મારી સાથે ગેરવર્તન કર્યુ હતું.
આ દરમિયાન હેડકોન્સ. જયંતિભાઇ રવજીભાઇ રાઠોડ (અનુ. જાતિ) આવી ગયા હતાં અને તે મને સમજાવતાં હતાં કે બહેન તે વકિલ છે, તેઓ આવી ખરાબ ભાષાનો ઉપયોગ કરતાં હોય તો આપણે કાયદેસરની કાર્યવહી કરવાની. આ વાત રવિભાઇ સાંભળતા હોઇ તેને સર્વેલન્સ સ્ટાફ દ્વારા સીડીએથી રૂમ તરફ લઇ જતાં હતાં ત્યારે ફરીથી રવિભાઇએ હેડકોન્સ. જયંતિભાઇને પણ તુંકારો આપી ગાળો દીધી હતી અને કાળા શર્ટ વાળો કોણ છે? હું તને કોર્ટમાં જોઇ લઇશ તેમ કહ્યું હતું. આ દરમિયાન વકિલના અસીલ શીતલબેન અને તેના બહેને મારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી મને ધક્કો મારતાં જમણી આંખા ભાગે અને માથામાં મુંઢ ઇજા થઇ હતી. આ બંને કહેવા લાગેલ કે તમે સામેવાળાને છાવરો છો, કેમ તમારા સગા થાય છે? તેવો આક્ષેપ કર્યો હતો. તેમજ તેની સાથે આવેલા છોકરાએ ફોનમાં વિડીયો ઉતારી લીધો હતો. આ વખતે એએસઆઇ જગમાલભાઇ, હેડકોન્સ. વિરદેવસિંહ, કોન્સ. દિવ્યરાજસિંહ, પ્રાદિત્યસિંહ, યોગરાજસિંહ, એએસઆઇ વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ઉમંગભાઇ જોષી, કોન્સ. જીજ્ઞાબેન સહિતના પણ આવી ગયા હતાં.
આ બધાએ વકિલ રવિભાઇને સમજાવ્યા હતાં. છતાં તે મને અને જયંતિભાઇને ન બોલવાનું બોલ્યે રાખ્યા હતાં. બાદમા મેં આ અંગે સ્ટેશન ડાયરીમાં નોંધ કરાવી હતી. આ દરમિયાન શિતલબેન સાથે આવેલા ફરીદાબેન અને એક અજાણ્યા મહિલાએ પણ શીતલબેન સાથે મળી ઉશ્કેરણી કરી ગાળો દીધી હતી. આમ વકિલ રવિભાઇ, તેમના અસીલ શીતલબેન, તેણીના સગા બહેન તેમજ સાથેના ફરીદાબેન અને અજાણી મહિલાએ ભેગા મળી મારી ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી ધક્કો મારી ઇજા પહોંચાડી હતી. તેમજ વકિલે મને ગુનાહીત ધમકી આપી અપમાન કરી ન છાજે તેવા શબ્દો બોલ્યા હતાં. તેમજ સ્ટાફને પણ ગર્ભીત ગુનાહિત ધમકી આપી હતી. તેમ વધુમાં હેડકોન્સ. રેણુકાબેન ચોૈધરીએ જણાવતાં પીએઅસાઇ એન. વી. ચાવડાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










