<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

લાતી પ્‍લોટની પ્‍લાસ્‍ટીક સ્‍ક્રેપની પેઢી સાથે શાપરના કારખાનેદાર મેહુલ વિરજાની ૩.૫૭ લાખની ઠગાઇ

શરૂઆતમાં ભંગાર ખરીદી નિયમીત પેમેન્‍ટ કર્યુઃ બાદમાં બે વખત માલ મંગાવી નાણા ન ચુકવી ફોન બંધ કરી દીધોઃ એક મહિને ફોન ચાલુ કરી પૈસા ચુકવશે એવી ખાત્રી આપ્‍યા પછી પણ નાણા ન દીધાઃ હિેતષભાઇ રૂપારેલીયાની બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૬: શહેરના કુવાડવા રોડ પર આવેલી પ્‍લાસ્‍ટિક રિસાયકલની પેઢીમાંથી લાખો રૂપિયાનો પ્‍લાસ્‍ટિક સ્‍ક્રેપનો માલ સામાન મંગાવી, જીએસટી બિલ ન બનાવી તેમજ તેનું પેમેન્‍ટ ન ચુકવી વિશ્વાસઘાત કરવા અંગે શાપરના એક કારખાનેદાર વિરૂદ્ધ રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવમાં પોલીસે રૈયા રોડ સુપર તુલસી માર્કેટ સામે સવન સિગ્નેટ જી-૪૦૩માં રહેતાં હિતેષભાઇ મનહરભાઇ રૂપારેલીયા (ઉ.વ.૫૨)ની ફરિયાદ પરથી મેહુલ મનુભાઇ વિરજા વિરૂધ્‍ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધ્‍યો છે . ફરિયાદની વિગત અનુસાર હિતેષભાઇ કુવાડવા રોડ લાતી પ્‍લોટ-૧૧/૧૩ના ખુણે આવેલી તેમના નાના ભાઈ જયેશભાઈની પ્રકાશ પોલીમર્સ કંપની-એમ.એમ. રૂપારેલીયા નામની પેઢીમાં હિસાબ-કિતાબ સંભાળે છે. આ પેઢી પ્‍લાસ્‍ટિક સ્‍ક્રેપ અને દાણા રિસાયકલિંગનો ધંધો કરે છે. છેલ્લા આશરે બે-ત્રણ વર્ષથી તેઓ શાપર ખાતે અક્ષર પોલીમર્સ નામની પેઢી ચલાવતા મેહુલ મનુભાઈ વિરજા સાથે પ્‍લાસ્‍ટિક સ્‍ક્રેપનો વેપાર કરતા હતા. અગાઉ મેહુલ વિરજા સમયસર બેંક ચેક અથવા આરટીજીએસ મારફત પેમેન્‍ટ ચુકવી આપતા હોવાથી બંને વચ્‍ચે સારો વ્‍યાપારિક વિશ્વાસ બંધાયો હતો.

દરમિયાન ગત તા. ૭/૮/૨૫ના રોજ કારખાનેદાર મેહુલ વિરજાએ હિતેશભાઈને ફોન કરી પ્‍લાસ્‍ટિક સ્‍ક્રેપની જરૂર હોવાનું જણાવ્‍યું હતું. જેથી મેહુલભાઈએ મોકલેલી બોલેરો ગાડી નંબર જીજે૦૩બીઝેડ-૨૫૨૯ના ડ્રાઈવર રાધવજીભાઈ મારફતે હિતેશભાઈએ રૂ. ૯૩,૯૩૬ની કિંમતનો ૧૬૪૮ કિલોગ્રામ પ્‍લાસ્‍ટિક સ્‍ક્રેપ મોકલી આપ્‍યો હતો. આ માલનું બિલ બનાવવા માટે જ્‍યારે હિતેશભાઈએ જીએસટી નંબર માંગ્‍યો, ત્‍યારે મેહુલે હું જીએસટી નંબર પછી મોકલી આપીશ તેમ કહેતા માત્ર વજનનું ચલણ મોકલવામાં આવ્‍યું હતું.

ત્‍યારબાદ, તા. ૯/૮/૨૫ના રોજ મેહુલભાઈએ ફરીથી વધુ માલની માંગણી કરતા પોતાની આઈસર ગાડી નં. જીજે૦૩બીડબલ્‍યુ-૭૯૫૦ ડ્રાઈવર જયદીપભાઈ સાથે મોકલી હતી. હિતેશભાઈએ આ ગાડીમાં રૂ. ૨,૧૩,૧૮૨-ની કિંમતનો ૪૬૨૬ કિલોગ્રામ માલ લોડ કરી મોકલી આપ્‍યો હતો. આ વખતે પણ મેહુલ વીરજાએ જીએસટી નંબર પછીથી આપવાનું કહીને માત્ર વજન ચલણથી જ માલ મેળવી લીધો હતો. આ રીતે લાખો રૂપિયાનો માલસામાન પોતાના કારખાને પહોંચાડી દીધા બાદ હિતેશભાઈએ જીએસટી બિલ બનાવવા અને પેમેન્‍ટ મેળવવા માટે મેહુલ વિરજાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મેહુલે ફોન બંધ કરી દીધો હતો. સાત-આઠ દિવસમાં ચુકવાતું પેમેન્‍ટ લાંબો સમય સુધી ન મળતા અને સામેવાળાનો કોઈ સંપર્ક ન થતાં વેપારી મુઝવણમાં મુકાયા હતા.

આશરે એક મહિના બાદ મેહુલે પોતાના અન્‍ય મોબાઈલ નંબર પરથી હિતેશભાઈને ફોન કર્યો હતો અને કુલ ખરીદેલા માલસામાનની કિંમત રૂ. ૩,૫૭,૬૧૮ ચુકવી આપવાની તેમજ જીએસટી નંબર પણ મોકલી આપવાની ખાતરી આપી હતી. પરંતુ આ વાયદા બાદ પણ આજદિન સુધી કોઈ પેમેન્‍ટ ચૂકવવામાં આવ્‍યું નહોતું અને વેપારી સાથે સીધો વિશ્વાસઘાત કરવામાં આવ્‍યો હતો.  અવારનવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્‍ટ ન મળતા અને કારખાનેદારની દાનત બગડી હોવાનું જણાતા આખરે ભોગ બનનાર વેપારી હિતેશભાઈ રૂપારેલીયાએ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે લેખિત અરજી કરી ન્‍યાયની માંગ કરી હતી. કમિશનર કચેરીની સુચનાના આધાર બી-ડિવીઝન પીઆઇ જી. આર. ચોૈધરીની રાહબરીમાં પીએસઆઇ એનસ. એન. શ્‍યોરાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:38 AM IST)