તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
અનુસુચિત જાતિના ખેત મજુરોને અપાતી જમીન પર કોંગ્રેસ આગેવાનનો કબજો
ન્યાય ન મળે તો ધરણા કરવા મંડળીના આગેવાનોની ચીમકી

રાજકોટ તા. ૧૫ : અનુસુચિત જાતિના ખેત મજુરોને જીવન નિર્વાહ માટે સરકાર ખેતીની જમીન આપે છે. પરંતુ આવી જમીનો પર ભુમાફિયાઓની મેલી નજર પડી ગઇ હોવાનો આક્રોશ રાજકોટ તાલુકા અનુસુચિત જાતી સામુદાયિક ખેતી સહકારી મંડળીના આગેવાનોએ વ્યકત કર્યો છે.
મંડળીના આગેવાનોએ આ અંગેની કેટલીક વિગતો વર્ણવતા જણાવેલ કે રાજકોટના ગવરીદડ ગામના એક દલિત સમાજના સામાન્ય રીક્ષા ડ્રાઇવરને સ્વમાનભેર જીવી શકે તે માટે મંડળી દ્વારા ખેતીની જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ આ જમીન પર કોંગ્રેસના એક આગેવાન દ્વારા ગેરકાયદે કબજો લઇ લેવાયો છે. અનેક રજુઆતો છતા જમીન ખાલી કરવામાં આવતી નથી. આ આગેવાનના ભાઇ દ્વારા પણ મંડળીના સભ્યની જમીન પર કબજો કરવામાં આવ્યો છે.
ત્યારે આ બાબતે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઇ ચાવડાને પત્ર પાઠવી મંડળી દ્વારા જાણ કરવામાં આવી છે. જો કોંગ્રેસ આગેવાને કબજે કરેલી જમીન મુકત નહી કરવામાં આવે અને ગરીબ ખેડુતને ન્યાય નહીં કરવામાં આવે તો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે ધરણા કરવાની પણ રાજકોટ તાલુકા અનુ.જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળના આગેવાનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે આ સમગ્ર મામલાની વિગતો વર્ણવતા રાજકોટ તાલુકા અનુસુચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ શૈલેષભાઇ પરમાર, સભ્યો ગાંગા માલદે, કનુભાઇ મકવાણા, પ્રવિણ રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:40 PM IST)










