તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
લાલપરી તળાવ છલકુ છલકુઃ સપાટી ૧૪ ફૂટે પહોંચી
તળાવની કુલસપાર્ટી ૧પ ફૂટ નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેરઃ લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ

રાજકોટઃ મેદ્યરાજાની સતત મહેર વચ્ચે રાજકોટની ભાગોળે આવેલું લાલપરી તળાવ હવે છલકાવાની અણી પર પહોંચી ગયું છે. તળાવમાં નવા નીરની સતત આવક થતાં ગમે ત્યારે ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં તંત્રે નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
મહાનગરપાલિકાના ઇજનેરી વર્તુળોના જણાવ્યા મુજબ ૧૫ ફૂટ ઊંડાઈ ધરાવતું લાલપરી તળાવ આજે બપોરે ૧૪ ફૂટ સુધી ભરાઈ ગયું છે, એટલે કે તળાવ ૯૦ ટકા સુધી ભરાઈ ચૂક્યું છે.
રાજકોટ સિંચાઇ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલપરી તળાવની પૂર્ણ જળસપાટી ૧૩૭.૪૬ મીટર છે, જયારે હાલનું જળસ્તર ૧૩૭.૧૬ મીટર નોંધાયું છે. હાલમાં તળાવમાં ૪.૬ મિલિયન દ્યનમીટર જેટલો જળજથ્થો છે અને ૪૭૪ ક્યુસેકની ઝડપે નવા પાણીની આવક થઈ રહી છે, જયારે જાવક હાલ શૂન્ય છે.
તંત્રે સ્પષ્ટ સૂચના આપી છે કે જો ડેમ પૂર્ણ સપાટીએ પહોંચશે અથવા જળસ્તર જાળવવા માટે પાણી છોડવાની જરૂર પડશે તો નદીના પટ અને કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવી. સાથે જ રાજકોટ તાલુકાના નવાગામ અને બેડી ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે જરૂર પડે તો તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ચેતવણી સંદેશ પણ જારી કરવામાં આવ્યો છે.
(2:52 PM IST)










