તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
કુવાડવા બ્રીજનું કામ ડીસેમ્બર સૂધીમાં પૂર્ણ થઇ જશેઃ સ્ટેટ હસ્તકના ૨૩ રસ્તા સૂધારાયાઃ ૧૯ આરોગ્ય કેન્દ્ર માટે દરખાસ્ત
કલેકટરના અધ્યક્ષપદે ફરીયાદ સંકલન યોજાઇઃ જસદણ-સુરત રૂટની બસ આટકોટ સૂધી લંબાવાઇ રાજકોટ-જેતપુર હાઇવે, પદ્મકુંવરબા હોસ્પિટલ, હીરાસર પાસેનો ફલાયઓવર સહિતના પ્રશ્નો ઉખળ્યા

રાજકોટ, તા. ૨૦: રાજકોટ જિલ્લા ફરીયાદ સહ સંકલન સમિતિની બેઠક આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમપ્રકાશની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં લોકપ્રતિનિધિઓ તરફથી વિવિધ પ્રશ્નો રજૂ થયા હતા. જેનો સમયમર્યાદામાં નિકાલ લાવવા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સંજય પીપળીયા તરફથી કુવાડવા બ્રિજની કામગીરી અને ત્યાં થતી ટ્રાફિક સમસ્યા, જિલ્લામાં સ્ટેટ હાઈવે પર ચાલતા રોડ પેચવર્ક, નવા આરોગ્ય ભવન સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, કુવાડવા બ્રિજનું ૫૦ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે અને આગામી ડિસેમ્બર માસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. જિલ્લામાં હાલ ૨૩ માર્ગોનું પેચવર્ક પૂર્ણ થઈ ગયું છે, જ્યારે છ માર્ગો પર પેચવર્કનું કામ બાકી છે અને આગામી ૧૦ દિવસમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
જિલ્લામાં નવા ૧૩ આરોગ્ય ભવનના નિર્માણ ચાલી રહ્યા છે અને એક પી.એચ.સી. અને ૧૯ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા ગાંધીનગર દરખાસ્ત કરાઈ છે. ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તરફથી હિરાસર પાસે ફ્લાયઓવર, સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક તપાસ, રાજકોટ-જેતપુર હાઈવે પર સર્વિસ રોડ તથા બ્રિજની કામગીરી, પદ્મકુંવર બા હોસ્પિટલમાં સાફસફાઈ તથા સ્ટાફની અછત વગેરે પ્રશ્ન રજૂ થયા હતા. જેના જવાબમાં જણાવાયું હતું કે, હીરાસર પાસેના ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જાય તેવા આયોજન સાથે કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલમાં તબીબી અધ્યક્ષ દ્વારા થયેલા આકસ્મિક ચેકીંગ દરમિયાન જણાયેલી ઉણપ માટે લેવાયેલ પગલાં સહિતની વિગત રજૂ કરવામાં આવી હતી. પી.ડી.યુ.માં છેલ્લા પાંચેક માસથી કેથલેબ શરૂ થઈ ગઈ છે અને હવે તેને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલની ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. આમ અહીં હાર્ટને લગતા દર્દીઓ માટે સારવાર વ્યવસ્થા શરૂ ગઈ છે, સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક તરફથી જણાવાયું હતું.
સાંસદ રામભાઈ મોકરીયા તરફથી પી.જી.વી.સી.એલ.ની પ્રીમોન્સુન કામગીરી તેમજ અયોધ્યા સૂચિત સોસાયટીનો પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં શહેરમાં તમામ ફિડરોમાં પ્રીમોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત સાંસદ પરશોત્તમભાઈ રૂપાલા અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તરફથી આવેલા વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લઈને, તેના ઉકેલ માટે યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રીશ્રી તરફથી જસદણ-સુરત રૂટની એસ.ટી. બસને આટકોટ સુધી લંબાવવાની આવેલી રજૂઆત પરત્વે જણાવાયું હતું કે, આ બસ સેવા ૧૫મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે.
(4:06 PM IST)










