તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
કુબલીયાપરામાં વૃધ્ધા મંજુલાબેન અને રસિકે ઘરની અગાસીએ ચાલુ કર્યો દેશી દારૂનો ‘મીની બાર': ૭ પ્યાસીઓ પકડાયા
થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ. પી. સોઢા, પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ટીમની કામગીરીઃ કિશોરભાઇ પરમાર, મેરૂભા ઝાલા, કોન્સ. નિતાબેન લીંબડીયાની બાતમીઃ દેશી દારૂ પણ કબ્જે થયો

રાજકોટ તા. ૨: શહેરના કુબલીયાપરામાં એક વૃધ્ધાએ પોતાના ઘરમાં દેવપરાના એક શખ્સ સાથે મળી દેશી દારૂનું પીઠુ ખોલી મીનીબાર ચાલુ કર્યો હતો. થોરાળા પોલીસે દરોડો પાડી વૃધ્ધા તેમજ તેની સાથેના શખ્સ અને દારૂ પીવા આવેલા ૭ શખ્સો મળી નવ જણા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી દેશી દારૂ પણ કબ્જે કર્યો હતો. કેટલાક દિવસથી આ રીતે વૃધ્ધાએ પરિચીત શખ્સને કામે રાખી તેની સાથે મળી દેશી દારૂનો મીનીબાર ચાલુ કર્યાનું ખુલ્યું હતું.
દારૂ જૂગારની પ્રવૃતિને ડામવા થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. કિશોરભાઇ પરમાર, મેરૂભા ઝાલા, કોન્સ. નીતાબેન લીંબડીયાને બાતમી મળી હતી કે કુબલીયાપરા મચ્છી ચોક શેરી નં. ૫માં રહેતી મંજુલાબેન નામની વૃધ્ધા પોતાના ઘરમાં માણસો બોલાવી દારૂ પીવાની મહેફીલ માટે વ્યવસ્થા કરી આપે છે અને હાલમાં પણ મહેફીલ ચાલુ છે. આ બાતમી પરથી મોડી રાતે દરોડો પાડવામાં આવ્યો હતો.
પોલીસે ઘરમાં તપાસ કરતાં મંજુલાબેન હાજર હોઇ પુછતાછમાં પોતાનું પુરૂ નામ મંજુલાબેન ચંદુભાઇ પરમાર (ઉ.વ.૭૦) જણાવ્યું હતું. તેમજ અન્ય એક શખ્સ હાજર હોઇ તેની પુછતાછ થતાં પોતાનું નામ રસીક પ્રમેજીભાઇ રરજોડીયા (ઉ.વ.૪૯-રહે. દેવપરા-૧ કોઠારીયા રોડ) જણાવ્યુ હતું. મંજુલાબેનની ઘરની અગાસી પરથી માણસોનો અવાજ આવતો હોઇ પોલીસ ત્યાં પહોંચતા કુંડાળુ વળીને ૭ જણા દારૂ પીતા નજરે પડયા હતાં. તેના હાથમાં સફેદ કોથળીઓ હતી. વચ્ચે સીંગ દાળીયા, વેફરના ખોલેલા પેકેટ જોવા મળ્યાહ તાં. એક પ્લાસ્ટીકની ડોલમાં દારૂની કોથળીઓ ભરેલી જોવા મળી હતી. પોલીસે તપાસ કરતાં સાતેય શખ્સો દારૂ પીધેલા જણાયા હતાં.
પુછતાછમાં પોતાના નામ હાર્દિક પ્રદિપભાઇ સિંધવ (ઉ.વ.૨૭-રહે. રાધાક્રિષ્ના પાર્ક-૧, સાધુ વાસવાણી કુંજ રોડ રેલનગર), લાલા કિશોરભાઇ પીઠવા (ઉ.વ.૫૮-રહે. નિલકંઠ ટોકીઝ સામે આશાપુરા મેડીકલ નજીક કોઠારીયા રોડ), આસીફ અસફરભાઇ કુરેશી (ઉ.વ.૩૮-રહે. હૈદરી ચોક, લાખાજી રાજ સોસાયટી દુધસાગર રોડ શેરી નં. ૧), પ્રકાશ રમેશભાઇ અજાગીયા (ઉ.વ.૩૫-રહે. ગોકુલ પાર્ક-૫, કોઠારીયા રોડ મુળ ગામ શ્રીનાથગઢ ગોંડલ), સિકંદર બાબાખાન સમા (ઉ.વ.૪૪-રહે. હાથીખાના-૫), સોહિલ ગફારભાઇ મકવાણા (ઉ.વ.૩૮-રહે. રામનાથપરા-૫, વસીલા મંજીલ) અને કોૈશલ પ્રકાશભાઇ મહેતા (ઉ.વ.૨૩-રહે. મેહેુલનગર-૭, કોઠારીયા રોડ) જણાવ્યા હતાં.
આ સાતેયની પુછતાછ કરવામાં આવતાં અહિ મંજુલાબેને પોતાને ત્યાં રસિકને કામે રાખી ભેગા મળી દારૂ પીવડાવતા હોવાનું કબુલ્યું હતું. પોલીસે ડોલમાંથી રૂા. ૬૦૦નો ૩ લિટર દારૂ કબ્જે કર્યો હતો. મંજુલાબેન અને રસિક સામે ઘરની આગસીએ દારૂનું પીઠુ ખોલી માણસો ભેગા કરી દારૂ વેંચવાનો અને બાકીના ૭ વિરૂધ્ધ દેશી દારૂની મહેફીલ માણવાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. જાડેજા અને ટીમે આ દરોડો પાડયો હતો.
(5:33 PM IST)










