<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ઢોસા કાફેથી જમવા માટે ઘરે જવા નીકળેલા રૂખડીયાપરાના ક્રિષ્‍નાભાઇનું રિક્ષાની ઠોકરે મોત

પેડક રોડ અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમ સામે જીવલેણ અકસ્‍માત શનિવારે બપોરે બનાવઃ મરાઠા યુવાને સારવારમાં દમ તોડયોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૪: પેડક રોડ પર આવેલા શ્રીઅટલ બિહારી વાજપાઇ ઓડીટોરીયમ પાસે જીવલેણ અકસ્‍માત સર્જાયો છે. અહિ નજીકમાં જ મદ્રાસ ઢોસા કાફે ચલાવતાં રૂખડીયાપરાના યુવાન પોતાના કાફે ખાતેથી બપોરે બાઇક હંકારી ઘરે જમવા જવા માટે નીકળ્‍યા ત્‍યારે પાછળથી રિક્ષાના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ રૂખડીયાપરા રેલ્‍વે ફાટક નજીક મદ્રાસ મંદિર નજીક રહેતાં ક્રિષ્‍નાભાઇ એવનભાઇ વાયદદંડે (ઉ.વ.૪૩) નામના યુવાન ૨૧મીએ બપોરે એકાદ વાગ્‍યે મોટરસાઇકલ હંકારી પેડક રોડ અટલ બિહારી વાજપાઇ હોલ સામે ઓવાલ હોકર્સ ઝોન ખાતેથી પોતાના ઘરે રૂખડીયાપરામાં જમવા જવા માટે નીકળ્‍યા હતાં. એ દરમિયાન ઓડીટોરીયમ સામેના રોડ પર પહોંચતા જ એક રિક્ષાના ચાલકે પાછળથી ઠોકરે ચડાવી દેતાં તેઓ બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવી હતી  અને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. સગાને જાણ થતાં તેઓ પણ પહોંચી ગયા હતાં.  બે દિવસની સારવાર બાદ ગઇકાલે ક્રિષ્‍નાભાઇએ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

સગાના કહેવા મુજબ ક્રિષ્‍નાભાઇ મુળ મહારાષ્‍ટ્રના વતની હતાં. વર્ષોથી તેઓ પરિવાર સાથે રૂખડીયાપરામાં રહેતાં હતાં. તેઓ પાંચ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. પોતે અટલ બિહારી વાજપાઇ ઓડિટોરીયમ સામે જય ગણેશ મદ્રાસ કાફે નામે ઢોસાની દૂકાન ચલાવતાં હતાં. ૨૧મીએ બપોરે એકાદ વાગ્‍યે અહિ કામ પુરૂ કરી ઘરે જમવા જવા માટે નિકળ્‍યા ત્‍યારે રિક્ષાની ઠોકરે ચડી ગયા હતાં. પરિવારજનોએ રિક્ષાની અને ઘટના સ્‍થળની તસ્‍વીરો મોકલી હતી

(4:11 PM IST)