તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 15th April 2026
કોઠારિયા ગામ વિસ્તારમાં ભર ઉનાળે ગંદા પાણીની રેલમછેલઃ લોકો ત્રાહીમામઃ સમસ્યા ઉકેલવા માંગ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ કોઠારિયા ગામ વિસ્તારમાં છેલ્લા ૮ દિવસથી ગટરની કુન્ડી ઉભરાઈ રહી હોવાને કારણે આસપાસ ગંદકી ફેલાઈ રહી છે અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દુર્ગંધ અને અસ્વચ્છતા વધતા આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમસ્યા તાકિદે ઉકેલવા માંગ કરી છે. વિસ્તારવાસીઓએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, લગભગ ૬ મહિના પહેલા બનાવવામાં આવેલો રોડ હાલ તૂટી જતાં તેની સ્થિતિ દયનીય બની ગઈ છે. ભારે વાહનો, ખાસ કરીને ડમ્પરની અવરજવરથી રોડ બગડી ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. પરિણામે, લોકોને ચાલીને પસાર થવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પરિસ્થિતિના કારણે તેઓ નજીક મંદિર સુધી પણ સરળતાથી પહોંચી શકતા નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.( તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:18 PM IST)










