તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
કોટેચા ચોકની થશે કાયાપલટઃ ટ્રાફિક સમસ્યા ઉકેલવા મનપાનો માસ્ટર પ્લાન!
શહેરનો સૌથી નમૂનેદાર ચોક બનાવવાની નેમઃ સેલ્ફી પોઇન્ટ સહિતનાં આકર્ષણો વિકસાવાશે નવા ટ્રાફિક સિગ્નલ શરૂ થાય તે પહેલાં સર્કલ અને આઇલેન્ડની ડિઝાઇન બદલાશેઃ રિડેવલપમેન્ટની કવાયત શરૂઃ કામગીરી કયારે શરૂ થશે તે નક્કી નહી

રાજકોટ ,તા.૩: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કોટેચા ચોકમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રાજકોટ મહાનગરપાલિકા હવે એક્શન મોડમાં આવી છે. કોટેચા ચોક સર્કલ અને આઇલેન્ડનો કાયાપલટ કરી નવી ડિઝાઇન સાથે રિડેવલપમેન્ટ કરવા પ્રાથમિક આયોજન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રાફિકની ગૂંચ ઉકેલવાની સાથે કોટેચા ચોકને શહેરનો સૌથી નમૂનેદાર અને આકર્ષક ચોક બનાવવાની દિશામાં મનપાએ કવાયત હાથ ધરી છે.
કોટેચા ચોક ખાતે મહાનગરપાલિકા દ્વારા નવા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે. જોકે આ સિગ્નલ કાર્યરત થાય તે પહેલાં જ સર્કલ અને આઇલેન્ડની હાલની ડિઝાઇનમાં ફેરફાર કરવાનું આયોજન હાથ ધરાયું છે. વાહનોની અવરજવર સરળ બને અને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત મળે તે માટે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.
આ સમગ્ર આયોજનમાં ટ્રાફિક પોલીસ વિભાગનું માર્ગદર્શન મેળવવામાં આવશે. ટ્રાફિકની સ્થિતિ અને રસ્તાની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફારો અંગે ચર્ચા કરાશે. સાથોસાથ સર્કલમાં આકર્ષક સુશોભન અને સેલ્ફી પોઇન્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા પણ વિચારણા ચાલી રહી છે.
મહત્ત્વનું એ છે કે કોટેચા ચોક સર્કલને હવે મહાનગરપાલિકા પોતાના હસ્તક જ રાખે તેવી પણ વિચારણા શરૂ થઈ છે. જોકે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી.
કોટેચા ચોકના રિડેવલપમેન્ટ માટે મનપાએ પ્રાથમિક સ્તરે તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ કામગીરી કયારથી શરૂ થશે, નવી ડિઝાઇન કયારે આખરી થશે અને કેટલો ખર્ચ કરવામાં આવશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. ત્યારે કોટેચા ચોકનો ખરેખર કાયાપલટ થશે કે પછી આયોજન કાગળ પર જ રહી જશે? તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.(
(3:14 PM IST)










