<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

લક્ષ્મીનગર મદીના મસ્‍જીદ પાસે છરી, તલવાર, પથ્‍થર ઉડયાઃ સમીર, તેના ભાઇ વસીમ અને સામા પક્ષે હનીફભાઇને ઇજા

સમીર મિત્રને બાઇકમાં બેસાડી નીકળ્‍યો ત્‍યારે જુના ડખ્‍ખાને લીધે હનીફભાઇએ અહિથી કેમ નીકળ્‍યો? કહેતાં માથાકુટઃ માલવીયાનગર પોલીસે બંને પક્ષના ચાર-ચાર લોકો સામે ફરિયાદો દાખલ કરી

રાજકોટ તા. ૧૧: નાના મવા રોડ પર લક્ષ્મીનગર વિસ્‍તારમાં મદીના મસ્‍જિદ નજીક જૂની માથાકૂટનો ખાર રાખીને બે જૂથો વચ્‍ચે સામસામે સશષા અથડામણ થતાં બંને પક્ષના મળી આઠ શખ્‍સો વિરૂધ્‍ધ સામ-સામે ગુના દાખલ થયા છે. મારામારીમાં છરી, તલવાર, પથ્‍થરનો ઉપયોગ થયો હતો. આ મારામારીમાં એક પક્ષના બે સગા ભાઇઓ અને સામે પક્ષના એક આધેડને ઇજા થતાં સારવાર લીધી હતી.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર-૨ મદીના મસ્‍જીદની સામે રહેતાં સમીરભાઇ ઇકબાલભાઇ ઠાસરીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી તેના પાડોશી હનીફભાઇ જોધપુરા, ફારૂકભાઇ જોધપુરા, વસીમ હનીફભાઇ જોધપુરા અને પરવેઝ ફારૂકભાઇ જોધપુરા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સમીરભાઇ પરિવાર સાથે રહી પાણીના ટેન્‍કરના ફેરા કરી ગુજરાન ચલાવે છે. તેની ફરિયાદમાં જણાવાયું છે કે રાતે દસેક વાગ્‍યે  તે તેમના મિત્ર ફિરોઝભાઈ પીલુડીયા સાથે મોટરસાઇકલ પર બહાર જવા નીકળ્‍યા ત્‍યારે મદીના મસ્‍જિદ પાસે હનીફભાઈ જોધપુરા અને તેમના મિત્રો મોટરસાઇકલ પાર્ક કરીને બેઠા હતા. સમીરભાઈને જોઈને હનીફભાઈએ તું અહીંથી કેમ નીકળે છે? કહી ગાળો ભાંડી ઝપાઝપી શરૂ કરી હતી. ફિરોઝભાઈએ વચ્‍ચે પડીને સમીરભાઇને છોડાવ્‍યો હતો. આ દરમિયાન સમીરભાઇના નાના ભાઈ વસીમ અને પિતા ઇકબાલભાઈ પણ ત્‍યાં આવી પહોંચ્‍યા હતા.

સામા પક્ષેથી હનીફભાઈ, ફારૂકભાઈ જોધપુરા, વસીમ અને પરવેઝ પણ આવી ગયા હતાં.  ઝપાઝપી વખતે હનીફભાઈએ તલવાર વડે સમીરભાઈના ડાબા પગના સાથળના ભાગે ઘા મારી ગંભીર ઇજા કરી હતી. તેમજ તેના નાના ભાઈ વસીમને છાતીના ભાગે પથ્‍થર મારી મૂંઢ ઇજા પહોંચાડી હતી. બંને ભાઇઓને ઇજા થઇ હોઇ પિતા ઇકબાલભાઇએ ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડયા હતાં. સમીરભાઇના કહેવા મુજબ હનીફભાઇ જોધપુરા સાથે જુની અદાવત ચાલતી હોઇ તેનો ખાર રાખી આ માથાકુટ કરવામાં આવી હતી.

સામા પક્ષે લક્ષ્મીનગર ત્રિશુલ ચોક કૈલાસ ડેરીન સામે રહેતાં અને લક્ષ્મીનગર રોડ પર ફારૂક મેટ્રેસીસ નામે દુકાન ચલાવતાં હનીફભાઇ હાજીઅલ્લાઉદ્દીનભાઇ જોધપુરા (ઉ.વ.૪૭)ની ફરિયાદ પરથી સમીરભાઇ ઠાસરીયા, ફિરોઝભાઇ પીલુડીયા, વસીમ ઠાસરીયા અને ઇકબાલભાઇ ઠાસરીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ થયો છે.  રાતે દસેક વાગ્‍યે તે તેમના મિત્રો રહીમભાઈ શેવાંગિયા, શફીભાઈ ઉમરેઠિયા અને ઇમરાન પઠાણ સાથે મદીના મસ્‍જિદના ઓટલે બેઠા હતા.

આ  દરમિયાન જૂની માથાકૂટનો ખાર રાખી સમીરભાઇ અને ફિરોઝભાઇએ આવી ગાળો દેતાં તેને ગાળો નહિ બોલવા સમજાવતાં ઝપાઝપી કરી હતી અને થોડીવારમાં સમીરભાઇના પિતા ઇકબાલભાઇ તથા ભાઇ વસીમ આવી ગયા બાદ ચારેયે મળી હુમલો કર્યો હતો. આથી હનીફભાઇ દોટ મુકી પોતાના ઘરમાં જઇ તલવાર લઇને પાછા આવ્‍યા હતા. આ વખતે સમીરભાઇએ છરી કાઢી હનીફભાઇને હાથના કાંડા પર મારી દીધી હતી. બાદમાં તેના દિકરા વસીમે ૧૧૨માં ફોન કરી પોલીસ બોલાવી હતી. એ પછી હનીફભાઇ સારવાર માટે ગયા હતાં. જુના મનદુઃખને લીધે હુમલો થયાનું તેણે કહ્યું હતું. માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ એચ. ટી. પરમારે બંનેની ફરિયાદ દાખલ કરી હતી

(2:32 PM IST)