તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 14th September 2026
સર્વેશ્વર ચોક કા રાજા : વાજતે-ગાજતે દુંદાળા દેવનું આગમન, સ્થાપના બાદ પૂજા-આરતી
સર્વેશ્વર ચોકમાં ગણેશ મહોત્સવના આયોજનને ૧૦ વર્ષ પૂણ : આકર્ષક રજવાડી થીમ પર દુંદાળા દેવ બિરાજમાન

રાજકોટ : સર્વેશ્વર ચોક ખાતે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ વર્ષે આ આયોજનને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી ઉત્સવને વિશેષ ભવ્યતા આપવામાં આવી છે. ગત વર્ષે રામ મંદિરની આકર્ષક થીમ બાદ આ વર્ષે ‘રજવાડી થીમ' પર ગણપતિ દાદાને બિરાજમાન કરવામાં આવતા દર્શનાર્થીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળી રહ્યું છે.
ગણપતિ મહોત્સવના પ્રથમ દિવસે સવારે સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા વાજતે-ગાજતે દુંદાળા દેવનું ભવ્ય આગમન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ દાદાની સ્થાપના વિધિ સંપન્ન કરવામાં આવી હતી અને પૂજા-આરતી કરવામાં આવી હતી.
ડો. હિરબા મહેશભાઈ રાજપૂત અને દિયાબા મહેશભાઈ રાજપૂતના હસ્તે ગણપતિ દાદાની સ્થાપના વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેશભાઈ રાજપૂત, કેતનભાઈ સાપરિયા, જતીનભાઈ માનસતા, વિપુલભાઈ ગોહેલ, કુમારભાઇ ચૌહાણ, પ્રતિક વ્યાસ, શૈલષ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, અશોકભાઇ લુણાગરીયા, વિપુલભાઇ ઠક્કર, અશોકભાઈ સમાણી સહિતના ટ્રસ્ટના સભ્યો પૂજાવિધિમાં જોડાયા હતા. સર્વેશ્વર ચોક કા રાજા તરીકે બિરાજમાન દુંદાળા દેવને પરંપરાગત રીતે ડોલરની ચલણી નોટનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે, ગણપતિ મહોત્સવના પ્રથમ વર્ષથી શરૂ થયેલી ડોલરની ચલણી નોટનો હાર પહેરાવવાની આ પરંપરા આજે પણ યથાવત્ રાખવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:17 PM IST)










