News of Tuesday, 6th October 2026
ખોડલધામ નવરાત્રી મહોત્સવ : ૯ હજાર ખેલૈયાઓ રાસગરબાની રમઝટ બોલાવશે
શ્રી ખોડલધામ ટ્રસ્ટ વેસ્ટ ઝોન દ્વારા વધુ એકવખત જાજરમાન આયોજન : અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સ, વિશાળ પાર્કિંગ સુવિધા : અનાથ આશ્રમના બાળકો અને દિવ્યાંગ બાળકોના હસ્તે આરતી, તેઓ પણ રાસગરબા માણશે, આવક કેન્સર હોસ્પિટલના ઉપયોગમાં વપરાશે

રાજકોટ : તા. ૧૧ ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ શહેરમાં વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. સાઉન્ડમાં સૌથી આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. ૧૧ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.
રાજકોટમાં ખોડલધામ નવરાત્રિ મહોત્સવ - વેસ્ટ ઝોનની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ મેદાન અને ર્પાકિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારી ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાસ કરીને સમાજથી વંચિત એવા અનાથ આશ્રમના બાળકો, તેમજ દિવ્યાંગ બાળકો અને ખાસ કરીને આશ્રમી જીવન જીવતી દીકરીઓને આ નવરાત્રિ મહોત્સવમાં આમંત્રિત કરીને ગરબે રમાડવામાં આવશે. આ સમગ્ર માહોલમાં સર્વ સમાજની મહિલાઓ સહિત ૯ હજારથી વધુ ખેલૈયાઓ એકીસાથે માતાજીના ગુણગાન ગાશે.
શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ- વેસ્ટ ઝોન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન મવડી-પાળ રોડ, મેલડી માતાજીના મંદિરની બાજુમાં, વગડ ચોકડી (મવડી), રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં દાંડીયા કિંગ પ્રવિણ બારોટ, વર્સેટાઈલ સિંગર બંસી પટેલ. સિંગર વૈશાલી ગોહિલ અને એન્કર તરીકે આરજે જય જોડાશે અને રાસ-ગરબાની રમઝટ બોલાવશે. શ્રી ખોડલધામ- વેસ્ટ ઝોન રાજકોટ આયોજિત નવરાત્રિ મહોત્સવની વધુ વિગત માટે મો. નં- ૯૮૭૯૭ ૯૯૩૩૩, ૯૯૧૩૭ ૪૪૭૨૨ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો સર્વશ્રી સંજયભાઈ સાકરિયા, હસમુખભાઈ લુણાગરિયા, ધીરજભાઈ મુંગરા, હરેશભાઈ સાકરિયા, રાજેશભાઈ કોયાણી, જગદીશભાઈ વિજયભાઈ મેઘાણી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:21 PM IST)










