News of Thursday, 21st May 2026
દૂષ્કર્મના કેસમાં સમાધાન ન કરતાં ખાખરાબેલાના યુવાન યુવરાજસિંહ જાડેજાની છરીના ઘા ઝીંકી હત્યા
હત્યાનો ભોગ બનેલા ૪૦ વર્ષિય યુવાન રાજકોટ અયોધ્યા ચોકમાં વાહન સીઝીંગનું કામ કરતાં હતાં : પડધરી નજીક ખાખરાબેલા ગામે રાતે કાર સાથે ઉભા હતાં ત્યારે ૨૦૨૪માં નોંધાયલા દૂષ્કર્મ-પોક્સોના ગુનામાં ફરાર એવા બે શખ્સોએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં અરેરાટીઃ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને ઝડપી લેવા પડધરી પોલીસ, રૂરલ એલસીબીની ટીમોની દોડધામ

રાજકોટ તા. ૨૧: હત્યાની વધુ એક ઘટના રાજકોટ ગ્રામ્ય પોલીસની હદમાં બની છે. જેમાં પડધરીના ખાખરાબેલા ગામના ક્ષત્રિય યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. અગાઉના પોલીસ કેસમાં સમાધાન ન કરતાં આ હત્યા થઇ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૨૪માં ત્રણ શખ્સો સામે દૂષ્કર્મનો ગુનો દાખલ કરાવાયો હતો. જેમાં આ યુવાન ફરિયાદી હતો. આ કેસમાં ફરાર બે આરોપીએ હત્યાને અંજામ આપ્યાની વિગતો ખુલતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ પડધરીના ખાખડાબેલામાં રહેતા અને રાજકોટમાં વાહન સીઝનનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાનની રાત્રીના ખાખરાબેલા ગામ નજીક છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. હત્યાના આ બનાવને લઇ સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ખાખરાબેલામાં જ રહેતા ત્રણ શખસો વિરૂધ્ધ અગાઉ મળતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હોઇ જેમાં બે આરોપીઓ વોન્ટેડ છે. આ આરોપીઓ દ્વારા વારંવાર કેસમાં સમાધાન કરવા માટે મળતકને કહ્યું હતું પરંતુ મળતકે સમાધાન ન કરતા તેનો ખાર રાખી હત્યા કર્યાનું સામે આવ્યું છે. પોલીસે આ હત્યા કેસમાં ખાખરાબેલામાં જ રહેતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના બે શખસોને ઝડપી લેવા તપાસ આરંભી છે. હત્યાના આ બનાવની વધુ માહિતી મુજબ પડધરીના ખાખરાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ. ૪૦) નામના યુવાન પર બુધવારે રાત્રીના અજાણ્યા શખસોએ ખાખરાાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર લઇને ઉભા હતાં ત્યારે છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતાં.
આ હુમલામાં યુવરાજસિંહ ઘટના સ્થળે જ ઢળી પડયા હતાં. બનાવની જાણ થતાં પડધરી પોલીસ મથકના પીઆઇ એમ .જી. ચૌહાણ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. ૧૦૮ના તબિબે તેમને મૃત જાહેર કરતાં પોલીસે કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ હત્યાનો ભોગ બનેલા યુવરાજસિંહ ખાખરાબેલામાં રહેતા હતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝિંગનો વ્યવસાય કરતા હતાં. ફાઇનાન્સ કંપનીઓના બાકી લોન વાળા વાહનો કબજે લેવાનું તેમજ રિકવરી સંબંધિત કામ સાથે તેઓ સંકળાયેલા હતા.
પડધરી પોલીસમાં મથકના સ્ટાફ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે મળતક યુવરાજસિંહે વર્ષ ૨૦૨૪ માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરૂધ્ધ દુષ્કર્મ પોકસોની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતોવખત મળતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે કહેતા હતા. પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોઇ જે બાબતનો ખાર રાખી હત્યા કરાવમાં આવી હતી. પોલીસ આરોપીઓને શોધી રહી છે. બનાવથી મૃતકના પરિવારમાં શોક છવાઇ ગયો છે.
(12:22 PM IST)










