તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
રાજકોટમાં જેટકોના લાઈનમેન કેતનભાઈ ધોળકિયા સાયબર ફ્રોડનો ભોગ બન્યા
પ્રિયંકા નામથી આવેલા ફોનમાં ક્રેડિટ કાર્ડમાં સીપીપી પ્લાન બંધ કરાવવાના બહાને રૂા.૫.૧૮ લાખ ઉસેડી લીધાની સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: સાયબર ફ્રોડનો વધુ એક બનાવ નોંધાયો છે. શહેરના અંબિકા ટાઉનશિપમાં વ્રજઅક્ષર એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં જેટકોમાં લાઈનમેન તરીકે નોકરી કરતાં કેતનભાઈ ધોળકિયા (ઉ.વ.૪૨)ને ક્રેડિટ કાર્ડનો સીપીપી પ્લાન બંધ કરવાના નામે ગઠીયાઓએ બેન્કીંગને લગતી વિગતો મેળવી લઈ તેના ચાર ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૫.૧૮ લાખના ટ્રાન્ઝેકશન કરી લેતાં રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
બનાવ અંગે કેતનભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. ૩ એપ્રિલના રોજ એકિસસ બેન્કના કસ્ટમર કેરમાંથી પ્રિયંકા નામ આપી તેના ક્રેડિટ કાર્ડમાં કાર્ડ પ્રોટેક્શન પ્લાન ચાલુ હોવાનું જણાવી તે બંધ કરવા માટે કહેવાયું હતું. થોડીવાર બાદ પ્રિયા શર્મા નામ આપનાર યુવતીએ કાર્ડ પ્રોટેકશન પ્લાન બંધ કરવા સાથે ક્રેડિટ કાર્ડ પણ બંધ થઈ જશે, બદલામાં બેન્ક નવું ક્રેડિટ કાર્ડ આપશે તેમ કહ્યું હતું.
આ ઉપરાંત ક્રેડિટ કાર્ડનું બાકી પેમેન્ટ કરવા માટે પ્રોસેસ કરાવી આપવાની વાત કરી હતી. તે સાથે જ તેને ક્રેડ એપ ઓપન કરવાનું કહ્યું હતું. જેના આધારે મોબાઈલ નંબર વેરીફાઈ કર્યો હતો. ત્યાર પછી પ્લસ નંબર ઉપરથી કોલ કરી ક્રેડિટ કાર્ડની પ્રોસેસ અધૂરી છે તેને પુરી કરવાનું જણાવી ફરીથી ફ્રેડ એપ્લીકેશન ઓપન કરાવી હતી. તે વખતે તેણે શંકા જતાં આમાં ફ્રોડ તો નથી તેમ પણ પૂછયું હતું. પરંતુ સામેથી ચિંતા નહીં કરવા જણાવાયું હતું. બીજા દિવસે ફરીથી તેને પ્લસ નંબર ઉપરથી કોલ કરી વીડિયો કેવાયસી કરવા કહેવાયું હતું. જેમાં સામેવાળી વ્યક્તિ દેખાતી ન હતી. થોડીવાર બાદ ઓડિયો કેવાયસી કરાવવાનું કહેવાયું હતું. આ પછી પ્રોસેસ પુરી થઈ ગઈ છે, નવું ક્રેડિટ કાર્ડ તમારા સરનામે મળી જશે તેમ કહેવાયું હતું. બીજા દિવસે તેના ચાર અલગ-અલગ ક્રેડિટ કાર્ડમાંથી રૂા.૫.૧૮ લાખના ટ્રાન્ઝેકશન થઈ જતાં ઠગાઈ થયાની ખબર પડતાં ફરિયાદ નોંધાવી હતી.
(10:54 AM IST)










