તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
વ્યાજખોરીમાં ફસાયેલા રેલનગરના યુવાન કશ્યભાઇ લખતરીયાએ રેસકોર્ષ રીંગ રોડ પર ઝેર પીધું: ગંભીર
ભાઇ મને માફ કરજે, હવે હું થાકી ગયો છું, હવે મારી પાસે કોઇ રસ્તો નથી.... : બે પાનાની ચિઠ્ઠીમાં ૮ શખ્સોના નામઃ માતાની બિમારી માટે વ્યાજે નાણા લીધા હતાં: વાહનો, મોબાઇલ પડાવી લીધાઃ દૂકાનનો માલ ભરી જવાની ધમકીઃ ડાયરીના પૈસા માટે સતત પ્રેશર

રાજકોટ તા. ૫: શહેરના રેલનગરમાં વીર સાવરકર ટાઉનશીપમાં રહેતાં કશ્યપભાઇ રમેશભાઇ લખતરીયા (ઉ.વ.૪૦) નામના વાળંદ યુવાને રાતે રેસકોર્ષ ગેલેક્સી સિનેમા સામે શોૈચાલય નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે. માતાની સારવાર માટે આ યુવાને વ્યાજે નાણા લીધા હોઇ વ્યાજખોરો હેરાન કરતાં હોવાથી પગલુ ભર્યાનું બહાર આવ્યું છે. તેણે બે પાનાની સ્યુસાઇડ નોટ પણ લખી છે.
કશ્યપભાઇ જામનગર રોડ પર નાગેશ્વર સોસાયટી ભવાની ચોકમાં ધ બાર્બર શોપ નામે હેર કટીંગનું કામ કરે છે. તે બે ભાઇ અને એક બહેનમાં નાના છે તથા છુટાછેડા થઇ ગયા છે. માતા મધુબેન અગાઉ બિમાર હોઇ તેમની સારવાર માટે વ્યાજે નાણા લીધા હોઇ વ્યાજખોરીમાં ફસાઇ જતાં કંટાળીને આ પગલુ ભર્યુ હોવાનું જણાવાયું છે.
કશ્યપભાઇએ ચિઠ્ઠી લખી છે તેમાં કોની પાસેથી કેટલા નાણા લીધા તેનો આંકડો, ટુંકા નામ અને વીકલી ડાયરી, ડેઇલી વગેરે શબ્દો લખેલા છે. ટુંકા નામોમાં પૃથ્વી, દેવેન્દ્ર, દિગ્વીજય, ધર્મેશ, અક્ષય, મનોજ, પ્રકાશ જેવા નામો છે. ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું કશ્યપ લખતરીયા, ભાઇ હું તને આજ સુધી કહી ન શક્યો. મને અમુક વ્યક્તિ હેરાન પરેશાન કરે છે. રોજ પ્રેશર કરીને ડાયરીના પૈસા ઉઘરાવે છે. જે કામ થયું હોઇ તેના નાણા લઇ જાય છે. ગયા અઠવાડીએ બે જણાએ મારા ચેક રીટર્ન કરાવ્યા હતાં. દુકાનને તાળા મારી દેવાની ધમકી આપે છે. હવે બીજો કોઇ રસ્તો મારી પાસે નથી, હું થાકી ગયો છું. બધાના પૈસા પુરા કરવામાં મારાથી પહોંચાતું નથી. મારું એક્ટીવા અને બાઇક બંને વ્યાજમાં લઇ ગયા છે. ફોન પણ લઇ ગયા છે, હવે કંઇ નહિ તો દુકાનનો સામાન ભરી જવાની વાત કરે છે. હવે બીજો કોઇ રસ્તો દેખાતો નથી જેથી મારો રસ્તો કરી લઉ છું. ભાઇ તું મમ્મીનું ધ્યાન રાખજે, હું જાજુ કરી શકું તેવી પરિસ્થિતિમાં નથી.
ચિઠ્ઠીમાં આગળ લખ્યું છે કે મારે કોઇના પૈસા અટકાવવા નહોતા પણ કોઇ સમજવા તૈયાર નથી. મારી પાસે દુકાન સિવાય કંઇ નથી. મારી સાથે ડાયરીમાં પણ છેતરપીંડી થઇ છે. મારા ડોક્યુમેન્ટ પર ત્રણ જગ્યાએ ડાયરી કરાવાઇ છે. ડાયરીના દેવાંગના ભાગના પૈસા પણ હું ભરુ છું. હવે પૈસા ભરવાની મારી હાલત નથી. ચિરાગ હસ્તક પણ ડાયરીનું પ્રેશર છે. સતત પ્રેશર હોવાને કારણે દુકાને પણ ટાઇમ આપી શકતો નથી. જેને મારે આપવાના છે તેમાં બાકી રકમ કોઇની ૨૦ હજારથી વધુ નથી. ચિઠ્ઠીમાં આગળ કોને કેટલા દેવાના તેની વિગતો કશ્યપભાઇએ લખી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(3:14 PM IST)










