<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ગૂગલ એઆઈથી નકલી રેલવે ટિકિટ બનાવી મુસાફરી કરનાર અને ટિકિટ બનાવી કનૈયા ચૌધરી અને મન મોહન ફકીરાને રાજકોટ રેલવે પોલીસે પકડ્યા

ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી પીઆઇ એચ.એમ. રાણાની સૂચના અંતર્ગત પીએસઆઈ બી.જે. જાડેજા, જે.બી. કુરેશી અને ટીમની કામગીરી

રાજકોટ: રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલ ગુનાઓ અને પકડવાના બાકી રહેતા આરોપીઓને પકડી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ગૂગલ AI એપ્લિકેશનના માધ્યમથી બનાવટી રેલવે ટિકિટ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરનાર તથા ટિકિટ બનાવી આપનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

​ઘટનાની વિગત મુજબ રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો. આ ગુનાની તપાસ પો.સબ ઇન્સ. જે.બી. કુરેશી ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન પકડાયેલ આરોપી કનૈયા ગયા ચૌધરી (રહે. બિહાર) તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (રહે. ઉત્તરપ્રદેશ)ની પૂછપરછ કરતાં તેમની પાસેથી મોબાઇલમાં બનાવટી ટિકિટ મળી આવી હતી. આ ટિકિટ આરોપી મનમોહન ફકીરા (રહે. ઉત્તરપ્રદેશ) એ ગત તા. ૧૫/૧૦ના રોજ સોમનાથ-જબલપુર ટ્રેન નં. ૧૧૪૬૩ ની બનાવટી રેલવે ટિકિટ ગૂગલ AI એપ્લિકેશનના માધ્યમથી બનાવી પોતાના મોબાઇલમાં વોટ્સએપમાં રાખી હતી અને ત્યારબાદ પોતાના મિત્રને વોટ્સએપ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુનો આચર્યો હતો.

​આ ગુનાના પકડવાના બાકી આરોપી મનમોહનને રાજકોટ રેલવે સર્વેલન્સ સ્ટાફના હે.કોન્સ. જયવિરસિંહ તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહની બાતમી હકીકત આધારે ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યો છે અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે.

​આ કામગીરી ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવે) કે. એન. ડામોર, પશ્ચિમ રેલવે અમદાવાદના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા તથા રાજકોટના ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિકારી અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. રાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ કામગીરીમાં રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પો.સબ ઇન્સ. બી.જે. જાડેજા, તપાસ કરનાર પો.સબ ઇન્સ. જે.બી. કુરેશી, સર્વેલન્સ પો.હેડ કોન્સ. જયવિરસિંહ વનરાજસિંહ, સર્વેલન્સ પો.કોન્સ. દિવ્યરાજસિંહ કિશોરસિંહ તથા પો.કોન્સ. ધ્રુવરાજસિંહ દેવેન્દ્રસિંહ જોડાયા હતા.

(6:18 PM IST)