<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

સદર બજારમાંથી પાનેલીનો કમલેશ રૂા. ૫૧ હજારના હાઇબ્રીડ, સુકા ગાંજા સાથે ઝડપાયોઃ દેવેનની શોધખોળ

અમદાવાદથી ગાંજો લાવ્‍યા બાદ બંને છુટા પડયાઃ કમલેશ ગ્રાહક શોધવા આવ્‍યો અને બે શખ્‍સ સાથે માથાકુટ થતાં ૧૧૨માં કોલ કર્યોઃ પ્ર.નગર પોલીસે દબોચ્‍યો

રાજકોટ તા. ૨૭: એસઓજીએ રૈયા રોડના યોગીરાજનગરમાંથી એક મહિલાને ૨૩.૮૦ લાખના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધા બાદ પ્ર.નગર પોલીસે પણ સદર બજારમાંથી ઉપલેટાના મોટી પાનેલીના શખ્‍સને ૫૧ હજારથી વધુની કિંમતના હાઇબ્રીડ અને સુકા ગાંજા સાથે ઝડપી લીધો છે. રાજકોટ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ રહેતાં શખ્‍સ સાથે મળી બંને અમદાવાદથી આ ગાંજો વેંચવા લાવ્‍યાનું પાનેલીના શખ્‍સે કબુલતાં રાજકોટના શખ્‍સને પણ સકંજામાં લેવા તજવીજ થઇ છે. આ બંને ગાંજો વેંચવા માટે ગ્રાહક શોધતા હતાં ત્‍યાં પોલીસ આવી ગઇ હતી. જો કે પોલીસ આવી એ પહેલા પાનેલીના શખ્‍સને કોઇ સાથે માથાુકટ કરતાં તેણે ૧૧૨ બોલાવી હતી. એ દરમિયાન પોલીસ આવતાં તેણે પોતાની પાસેનો ગાંજો રોડ પર ફેંક્‍યો હતો અને પકડાઇ ગયો હતો.

શહેરમાં માદક પદાર્થનું સેવન ન થાય અને આવા પર્દાથની હેરાફેરી ન થાય એ માટે પ્ર.નગર પોલીસની ટીમ સે નો ટુ ડ્રગ્‍સ ઝુંબેશ હેઠળ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પાનેલીના રહેવાસી કમલેશ લક્ષમણભાઇ પોપટ (ઉ.વ.૩૭)એ પોતાની સાથે અમદાવાદ અને વડોદરાના બે શખ્‍સો સદર બજારમાં સંતોષ સીઝન પાસે માથાકુટ કરે છે તેવો ફોન ૧૧૨માં કરતાં પોલીસ પહોંચી હતી. આ દરમિયાન કમલેશ પાસે માદક પદાર્થ હોવાની બાતમી મળતાં પ્ર.નગર ડી. સ્‍ટાફની ટીમ પણ પહોંચી હતી. પોલીસને જોતાં જ ગભરાઇ ગયેલા કમલેશે સુકા અને હાઇબ્રીડ ગાંજાની કોથળીઓ રોડ પર ફેંકી દીધી હતી. પોલીસે તે કબ્‍જે કરી પુછતાછ કરતાં કમલેશે આ ગાંજો પોતાનો હોવાનું કબુલ્‍યું હતું.

વધુ પુછતાછ થતાં તેણે કબુલાત આપી હતી કે પોતે અને ૧૫૦ રીંગ રોડ પર સ્‍ટર્લિંગ હોસ્‍પિટલ પાછળ હરસિધ્‍ધીધામ સોસાયટીમાં રહેતો દેવેન મનોજભાઇ પંત સાથે મળીને અમદાવાદથી આ ગાંજો લાવ્‍યા બાદ છુટા પડયા હતાં. પોતે સદર બજારમાં ગ્રાહકની શોધમાં આવ્‍યો હતો. ત્‍યારે બે શખ્‍સોએ તેની સાથે વાહન અડવા મામલે કે બીજી વાતે ઝઘડો કરતાં તેણે ૧૧૨માં કોલ કર્યો હતો. આ દરમિયાન પોલીસ આવી જતાં કમલેશ ડરી ગયો હતો અને ગાંજો રોડ પર ફેંકી દીધો હતો. જે ડી. સ્‍ટાફની ટીમે કબ્‍જે કરી એફએસએલ અધિકારી પાસે પરિક્ષણ કરાવી ગુનો નોંધ્‍યો હતો. કમલેશ પાસેથી રૂા. ૨૮૦૯૦નો હાઇબ્રીડ અને રૂા. ૩૭૯૩નો  સુકો ગાંજો મળતાં તે અને મોબાઇલ ફોન,  પ્‍લાસ્‍ટીકની કોથળીઓ કબ્‍જે કરાઇ હતી.

ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ એમ. ડી. મકવાણા, પીએસઆઇ એસ. ડી. કોઠીવાર,  ચાંપરાજભાઇ ખવડ, વિશ્વજીતસિંહ ઝાલા, રમેશભાઇ સાટીયા, રમાબેન, જયાભઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. દેવેનને સકંજામાં લેવા તજવીજ કરવામાં આવી છે.

(3:55 PM IST)