News of Monday, 25th May 2026
રાજકોટ બસ સ્ટેન્ડમાંથી યુવતીનું પર્સ ચોરાઈ જતાં કમાન છટકી : વીડિયો ઉતારીને કહ્યું - તમામ સીસીટીવી કૅમેરામાં તોડી નાખીશ
યુવતી A ડિવિઝન પોલીસ મથકે મદદ માટે પહોંચી હતી. પરંતુ પોલીસે યોગ્ય જવાબ ન આપ્યાનો યુવતીએ આક્ષેપ કરી બસ સ્ટેન્ડમાં જ ઊભા રહી વીડિયો બનાવી વાયરલ કર્યો .

રાજકોટ બસ સ્ટેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં પોલીસ પર પણ યુવતીએ કાર્યવાહી ન કર્યાના આરોપ લગાવ્યા છે. ઘટના કંઈક એવી છે કે યુવતીનો પર્સ રાજકોટ બસ સ્ટેન્ડમાંથી વૉશરૂમ જતી વેળાએ ચોરી થઈ ગયો હતો. જે પછી યુવતી A ડિવિઝન પોલીસ મથકે મદદ માટે પહોંચી હતી. પરંતુ પોલીસે યોગ્ય જવાબ ન આપ્યાનો યુવતીએ આક્ષેપ કરી બસ સ્ટેન્ડમાં જ ઊભા રહી વીડિયો બનાવી વાયરલ કર્યો છે.
વાયરલ કરેલા વીડિયોમાં યુવતી સ્પષ્ટ એવું બોલતી સંભળાય છે કે, જો મારો પર્સ ન મળ્યો તો બસ સ્ટેન્ડના તમામ સીસીટીવી કૅમેરામાં હું તોડી નાખીશ.
યુવતી કહે છે કે, A ડિવિઝન પોલીસ સ્ટેશને કહ્યું, અમે ત્યાં પણ ગયા. આ બધાં કેમેરા હું તોડી નાખીશ... એક એક કેમેરા તોડી નાખીશ, લાતથી. જેને ફોન કરવો હોય એને કરે, મારો પર્સ શોધી આપો, બાકી કૅમેરા તોડી નાખીશ. આ બધું... કૅમેરા અહીં રાખવાની જરૂર શું છે ? એક લૅડિઝનું પર્સ એકલી ટ્રાવેલિંગ કરતી હોય, શૌચાલય પાસે જાઉં છું તો પર્સ ગાયબ. બીજા બે ત્રણ લોકો મારી મદદ કરવા આવ્યા અને મને કહ્યું કે આમને પૂછો, આમને પૂછો...
(10:33 PM IST)










