<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

ચુનારાવાડમાં કલ્‍પેશ ડોડીયાને પરષોત્તમભાઇ અને મેહુલ પકડી રાખ્‍યો, રોહીતે પેટમાં છરી ભોંકી દીધી

પરષોત્તમભાઇએ મકાનના સોદામાં સુથીના ૧ લાખ કલ્‍પેશના ભાઇના સાસુને આપેલા, હવે સોદો રદ કરી ૨ લાખ માંગી માથાકુટ ચાલુ કરી હતીઃ વચ્‍ચે પડતાં કલ્‍પેશ પર હુમલોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૪: ચુનારાવાડમાં રહેતાં  કલ્‍પેશ નામના યુવાન પર પાડોશમાં જ રહેતાં પરષોત્તમભાઇ નામના પ્રોૈઢે પોતાના જમાઇ મેહુલ અને મહેુલના ભાઇ રોહિત સાથે મળી છરીથી હુમલો કરી કલ્‍પેશને પેટમાં ઘા મારી દેતાં તેને સારવાર માટે દાખલ કરયો છે. હુમલો કરનાર પરષોત્તમભાઇએ મકાનના સોદા પેટે કલ્‍પેશના મોટા ભાઇપપ્‍પુભાઇના સાસુને સુથી પેટે ૧ લાખ દીધા હતા. પરંતુ હવે મકાન લેવું ન હોઇ ૧ને બદલે ૨લાખ રૂપિયા પાછા માંગી ઝઘડો કરતાં કલ્‍પેશે તેને સમજાવવા તેના પર હુમલો થયો હતો. કલ્‍પેશને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. આ બનાવમાં થોરાળા પોલીસે ચુનારાવાડ-૨, રાવણ ચોક પાસેર હેતાં અને છુટક મજૂરી કરતાં કલ્‍પેશ મનુભાઇ  ડોડીયા (ઉ.વ.૨૦)ની ફરિયાદ પરથી તેના જ પાડોશી મેહુલ, તેના ભાઇ રોહિત અને મેહુલના સસરા પરષોત્તમભાઇ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

કલ્‍પેશે જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારી સાથે મારા માતા, મોટો ભાઇ પપ્‍પુભાઇ અને તેમજ નાની બહેન પણ રહે છે. આજથી ચારેક વર્ષ ૫હેલા મારા પિતા મનુભાઇનું હાર્ટએટેકના કારણે અવસાન થયુ હતું. હું છુટક મજૂરી કામ કરુ છું. મારા મોટા ભાઇ પપ્‍પુભાઈની સગાઇ અમારા ઘરની નજીક ચુનારાવાડ શેરી નં. ૨/૩ની વચ્‍ચે રહેત વિજયભાઇ પરીયાની દિકરી સંજનાબેન સાથે ત્રણેક મહીના પહેલા થઇ છે. રવિવારે હું અને મારો ભાઇ પપ્‍પુભાઇ, કાકાનો દિકરો કિશનભાઇ સહિતના ગીર સોમનાથના ધુસીયા ગામેથી રાતે અગીયાર આસપાસ અમારા ઘરે આવ્‍યા હતા.

આ વખતે મારા ભાભી સંજનાબેનના ઘર પાસે પહોંચતા તેમના બહેન સાથે પાડોશી રોહિત અને તેનો ભાઇ મેહુલ અને પરષોત્તમભાઇ ઝઘડો કરતાં હતાં. જેથી મેં ત્‍યાં પહોંચી માથાકુટનું કારણ પુછતાં પરષોત્તમભાઇએ કહેલું કે મેં સંજનાબેનના માતા જોશનાબેનને મકાનના સોદા પેટે એક લાખ રૂપીયા આશરે દોઢેક વર્ષ પહેલા આપેલ છે અને હવે મારે એ મકાન લેવુ નથી અને મારે બે લાખ રૂપીયા પાછા જોઇએ છે. આ બાબતે અમારે ઝઘડો ચાલુ છે તેમ પરષોત્તમભાઇએ કહેતાં મેં તેને ઝઘડો કરવાની ના પાડી સમજાવ્‍યા હતાં. ત્‍યારે તે તથા મેહુલ અને રોહિતે ઉશ્‍કેરાઇ જઇ તારે અમારી વચ્‍ચે આવવું નહિ કહી મને મા-બહેન સમી ગાળો દીધી હતી.

બાદમાં પરષોત્તમભાઇ અને મેહુલે મને પકડી લીધો હતો અને રોહિતે નેફામાંથી છરી કાઢી પેટની જમની બાજુએ ઘા મારી દીધો હતો. આ હુમલાને કારણે હું ત્‍યાં પડી ગયો હતો અને લોહી વહેવા માંડયા હતા. કોઇએ ૧૦૮ બોલાવી હતી. દરમિયાન મારા મોટા ભાઇ પપ્‍પુભાઇ મને સિવિલ હોસ્‍પિટલે લઇ ગયા હતાં.  ડોક્‍ટરે તપાસ કરી કહ્યું હતું કે છરીનો બેથી ત્રણ ઇંચ જેટલો ઉંડો ઘા હોઇ ઓપરેશન કરાવવું પડશે. તેમ વધુમાં કલ્‍પેશે કહેતાં થોરાળા પીઆઇ એસ. પી. સોઢાની રાહબરીમાં હેડકોન્‍સ. ડી. એચ. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:36 PM IST)