તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 9th August 2026
સોશિયલ મીડિયાની મદદથી કાલાવડ પોલીસનું ‘ઓપરેશન મિલાપ’: ૩ વર્ષથી ગુમ પટ્ટીધરને અમદાવાદથી શોધી પરિવાર સાથે મિલાપ કરાવ્યો
ફેસબુક ફ્રેન્ડના વીડિયોમાં દેખાતાં પોલીસ હરકતમાં આવી: હ્યુમન અને ટેકનિકલ સોર્સથી અમદાવાદની ઝૂંપડપટ્ટીમાંથી ડાયમંડ વર્કરને શોધી કાઢતી પોલીસ

કાલાવડ:કાલાવડ ટાઉન પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરીને છેલ્લા ત્રણ વર્ષથી ગુમ થયેલા પરિવારના મોભીને શોધી કાઢી પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કાલાવડ ખાતે રહેતા અતુલભાઈ પરસોતમભાઈ ચીખલીયા (ઉં.વ.૪૦) તારીખ ૧૬/૦૭/૨૦૨૩ના રોજ પોતાના ઘરેથી સુરત હીરા ધસવાના કામે જાઉં છું તેમ કહીને નીકળ્યા હતા. ત્યારબાદ તેમણે પોતાનો ફોન બંધ કરી દેતાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. આ અંગે તેમના પત્ની કિરણબેન અતુલભાઈ ચીખલીયાએ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવતા પોલીસે ગુમ રજિસ્ટર નંબર ૦૨/૨૦૨૪ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રવિ મોહન સૈની દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓને શોધવા માટે ખાસ "ઓપરેશન મિલાપ" ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગર ગ્રામ્ય નાયબ પોલીસ અધિક્ષક શ્રી પિયુષ વાંદા તથા કાલાવડ ટાઉન P.I. શ્રી પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કામે લાગી હતી.
ફેસબુક વીડિયોથી મળ્યો સુરાગ
પોલીસ સ્ટાફના A.S.I. વનરાજભાઈ ઝાંપડીયા, હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ સાગરભાઈ સાવલીયા દ્વારા ગુમ થનાર વ્યક્તિના જૂના ફેસબુક આઈડીનું ટેકનિકલ મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેના ફ્રેન્ડ્સ અને ફોલોવર્સના વીડિયોનું એનાલિસિસ કરતી વખતે એક વીડિયોમાં અતુલભાઈ જોવા મળ્યા હતા.
આ સચોટ બાતમી અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા અતુલભાઈ હાલ અમદાવાદ ખાતે મજૂરી કામ કરતા હોવાની માહિતી મળી હતી. પોલીસે તાત્કાલિક અમદાવાદના નરોડા ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે દરોડો પાડી અતુલભાઈને શોધી કાઢ્યા હતા અને કાલાવડ લાવીને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
લાંબા સમય બાદ ગુમ થયેલા સ્વજન પરત મળતા પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેમણે પોલીસ ટીમનો આભાર માન્યો હતો.
(11:07 AM IST)










