<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

ઉદયનગરમાં જ્‍યોતિબેન, તેના પતિ અને માતા પર કુટુંબી જમાઇનો હુમલો

મામાની દિકરીને દ્વારકા આવવાનું પુછતાં તેણીના પતિએ ડખ્‍ખો કર્યો : ગંજીવાડાના અશ્વીને બે મિત્રો સાથે મળી છરી ઉગામી ખૂનની ધમકી દીધી

રાજકોટ તા. ૧૨: મવડી ચોકડી ઉદયનગરમાં રહેતી પરિણીતાને પોતાના માતા સાથે દ્વારકા જવું હોઇ ગંજીવાડામાં રહેતી મામાની દિકરીને ફોન કરી દ્વારકા આવવવાનું પુછતાં તેણીએ ના પાડયા બાદ તેણીના પતિએ આ પરિણીતા અને તેના માતાને ફોન કરી ગાળો દઇ બાદમાં ઉદયનગરમાં રૂબરૂ પોતાના બે મિત્રો સાથે આવી પરિણીતા, તેના પતિ, માતા પર હુમલો કરી ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ બનાવમાં માલવીયાનગર પોલીસે મવડી ચોકડી પાસે ઉદયનગર-૧ શેરી નં. ૧૦માં માધવ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૩માં રહેતાં જ્‍યોતિબેન નિલેષભાઇ ગુજરીયા (ઉ.વ.૨૫)ની ફરિયાદ પરથી અશ્વીન મકવાણા, રોહિત વાલાણી અને અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે.

જ્‍યોતિબેન પરિવાર સાથે રહે છે અને તેના પતિ મેટોડા જીઆઇડીસી ખાતે નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે સોમવારે ૧૧મીએ અમારે દ્વારકા ફરવા માટે જવાનુ હોય જેથી મારા માતા નયનાબેન અમારા ઘરે આવેલ અને અમારી સાથે મારા મામાની દિકરી ગંજીવાડામાં રહેતી કોમલબેન અશ્વીનભાઇ મકવાણા પણ આવવાની હોવાથી મારા માતાએ કોમલબેનને ફોન કરી દ્વારકા આવવાનું કહેતા કોમલબેને અમારી સાથે દ્વારકા આવવાની ના પાડી હતી.

બાદમાં સાંજના આશરે સાડા ચારેક વાગ્‍યાની આસપાસ મારા માતા નયનાબેનના ફોન પર કોમલબેનના પતિ અશ્વીન મકવાણાનો ફોન આવેલ અને મારા માતાને કોઇપણ કારણ વગર ગાળો આપવા લાગેલ અને થોડા સમય બાદ મારા ફોન પર પણ આ અશ્વીન મકવાણાનો ફોન આવેલ અને મને પણ ગાળો આપવા લાગેલ જેથી મે ફોન મુકી દીધો હતો.  આ બાબતે મેં મારા પતિ નિલેષને ફોન કરીને જાણ કરેલ જેથી મારા પતિએ અશ્વીનને ફોન કરી શા માટે ગાળો બોલે છે તેમ કહેતાં મારા પતિને પણ ીનલેષે ગાળો દીધી હતી. બાદ સાંજના આશરે સાતેક વાગ્‍યાની આસપાસ મારા પતિ નિલેષ કામ પરથી ઘરે આવી ગયેલ ત્‍યારે અશ્વીન મકવાણાનો ફોન આવ્‍યો હતો.

બાદમાં મારા પતિ નિલેષને  ઉદયનગર-૧૦ના ખુણે જયોતી લાઇટ બીલ સેન્‍ટર પાસે બોલાવતા હું તથા મારા પતિ નિલેશ અને મારા માતા નયનાબેન ત્‍યાં જતાં અશ્વીન, તેનો મિત્ર રોહીત વાલાણી અને એક અજાણ્‍યો શખ્‍સ ઉભા હતાં. આ ત્રણેયએ મારા પતિને કારણ વગર મારકુટ ચાલુ કરી હતી. હું અને મારા માતા વચ્‍ચે પડતાં અમને ધક્કો દઇ પછાડી દીધા હતાં. અશ્વીને નેફામાંથી છરી કાઢી મારા પતિ સામે ઉગામી-આજે તો તને મારી જ નાખવો છે કહી અજાણ્‍યાએ છરી લઇ લીધી હતી. માણસો ભેગા થઈ જતા ત્રણેય ભાગી ગયા હતાં. બાદ અમે ૧૧૨ નંબર પર કોલ કરતા પોલીસ આવી હતી. તેમ વધુમાં જ્‍યોતિબેને કહેતાં હેડકોન્‍સ. એસ. સી. ઓગણીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(3:54 PM IST)