<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

ગોંડલના ગઢમાં ચૂંટણી પહેલા જંગના એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં લાગ્યા વિવાદાસ્પદ પોસ્ટરો, વિરોધીઓને 'જાતિવાદી દેડકા' કહી પડકાર ફેંકાયો

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના વેધ સાથે રાજકીય ગરમાવો તેજ: 'કહો દિલસે, જયરાજસિંહ ફિરસે'ના સૂત્રોચ્ચાર સાથે ગોંડલની ધરા પર શરૂ થયું પોસ્ટર વોર

ગોંડલ: રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના પડઘમ અત્યારથી જ સંભળાવવા લાગ્યા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના સમર્થકોએ શહેરભરમાં લગાવેલા પોસ્ટરોએ રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. 'કહો દિલસે, ૨૦૨૭ મે જયરાજસિંહ જાડેજા ફિરસે' લખાણ સાથેના આ પોસ્ટરોમાં માત્ર સમર્થન જ નહીં, પરંતુ વિરોધીઓ પર સીધો પ્રહાર પણ કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં વિરોધ કરનારાઓને 'જાતિવાદી દેડકા' તરીકે સંબોધવામાં આવતા આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

પોસ્ટર વોરના માધ્યમથી એવો દાવો કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં અનેક વિરોધી ચહેરાઓ સામે આવશે, પરંતુ ગોંડલની જનતાની એકતા અને તાકાત તેમને જડબાતોડ જવાબ આપશે. આ પ્રકારના લખાણોએ સ્થાનિક રાજકારણમાં ગરમી વધારી દીધી છે અને જ્ઞાતિગત સમીકરણોને પણ નવી હવા આપી છે. સામાન્ય રીતે ચૂંટણી નજીક હોય ત્યારે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે, પરંતુ ચૂંટણીને હજુ ઘણો સમય બાકી હોવા છતાં આ પ્રકારે શક્તિ પ્રદર્શન શરૂ થવું તે કંઈક મોટા રાજકીય તોફાનના સંકેત આપી રહ્યા છે.

ગોંડલના રાજકારણમાં દાયકાઓથી જાડેજા પરિવારનું વર્ચસ્વ રહ્યું છે, ત્યારે આ પોસ્ટરો દ્વારા જયરાજસિંહ જાડેજાની મજબૂત દાવેદારી અત્યારથી જ નિશ્ચિત કરવામાં આવી રહી હોય તેવું જણાય છે. સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લા સુધી અત્યારે માત્ર આ વિવાદાસ્પદ શબ્દો અને આગામી ચૂંટણીના સમીકરણોની જ ચર્ચા થઈ રહી છે. વિરોધી છાવણી આ મામલે અત્યારે મૌન સેવી રહી છે, પરંતુ આવનારા સમયમાં ગોંડલનું રાજકીય મેદાન વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

(11:18 AM IST)