તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નાઓનો લાભ લેતા જૈનો
મહાપર્વ પર્યુષણનો આજે પાંચમો દિવસ : તપ-આરાધના પુરબહાર

એક જન્મ્યો રાજદુલારો..... : આજે પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નાઓની ઉછામણી કરવામાં આવી હતી. શ્રાવકો દ્વારા લાખો મણ ઘીની બોલી બોલવામાં આવી હતી. ઉપરોકત તસ્વીરમાં મણીયાર દેરાસર ખાતે ૧૪ સ્વપ્ના, ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓ, વિવિધ સ્વપ્નાઓનો લાભ લેનાર ભાગ્યશાળી પરિવારો તથા પૂ.મહાસતીજી દર્શાય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૧૨: જૈનોના મહાપર્વ પર્યુષણના આજે પાંચમાં દિવસે ભાવિકો આરાધના તથા જિનભકિતમાં લીન બન્યા છે. મૂર્તિપૂજક સમાજે હર્ષોલ્લાસ સાથે ત્રિશલાનંદનના અક્ષત વધામણા કરેલ.
પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણમાં જૈન સમાજમાં વિવિધ આરાધનાઓ અને ધાર્મિક અનુષ્ઠાનો થકી જિન ભકિતમાં લીન છે. મહાપર્વ દરમિયાન શ્રાવક-શ્રાવિકોઓ ગુરૂ ભગવંતોના મુખેથી વ્યાખ્યાન વાણીનો અપૂર્વ લાભ લઇ રહ્યા છે.
ભાવિકો દ્વારા પ્રભુજીની પુજા-અર્ચના કરવામાં આવે છે. દેરાસરોમાં પ્રભુજીની મનમોહક આંગી રચવામાં આવે છે. રાત્રે ભકિત સંગીતના આયોજનમાં ભાવિકો રસતરબોળ બની પ્રભુ ભકિત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુજીના ગુણગાન ગાઇ છે.
જૈન સમાજમા તપヘર્યાની હેલી સર્જાઇ છે. અઠ્ઠમ, છઠ્ઠ, માસ ક્ષમણ જેવી ઉગ્ર આરાધનાઓ શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા કરવામાં આવી રહી છે. નિત્ય પ્રતિક્રમણ કરી પુણ્યનું ઉર્પાજન જૈન સમાજ દ્વારા કરવામાં આવી રહ્યુ છે. પર્યુષણ મહાપર્વના ૮ દિવસ દરમિયાન ધર્મ-ધ્યાન-ભકિત દ્વારા આઠ ભવોના પાયો ધોવામાં આવે છે.
આજે દેરાસરોમાં માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નાઓની ઉછામણી કરવામાં આવેલ. જેમાં ભાવિકો દ્વારા લાખો મણ ઘી બોલાયુ હતું. ભાગ્યશાળી પરિવારને સ્વપ્ના ઉતારવાનો લાભ મળ્યો હતો.
કાલે પર્યુષણ મહાપર્વના છઠ્ઠા દિવસે ભગવાન મહાવિર સ્વામીનો જન્મ ૫૬ દિકકુમારિકાઓ અને ૬૪ કેન્દ્ર મેરૂશિખર ઉપર અગણીત દેવો સાથે ઉજવે છે. જન્મસમયે પ્રભુજીનું નામ વર્ધમાન પાડવામાં આવ્યુ. ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાનું અવસાન થતા ભાઇ નંદી વર્ધનના આગ્રહથી વધુ બે વર્ષ સંસારમાં રહેલ. ત્યારબાદ વરસીદાન આપી દિક્ષાગ્રહણ કરેલ.
પ્રભુ મહાવિર સ્વામી પ્રથમ દેશના નિષ્ફળ ગયા બાદ પાવાપુરી પધારેલ. ઇન્દ્રભૂતિ ગૌતમ ૫૦૦ શિષ્યો સાથે આવેલ અને પ્રભુના પ્રથમ ગણધર બન્યા હતા. ત્યાર પછી ભગવાન મહાવિર સ્વામીએ ચતુર્વિઘ સંઘની સ્થાપના કરેલ.પ્રભુનું અંતિમ ચોમાસુ પાવાપુરી ખાતે થયેલ. જે પવિત્ર કલ્પસૂત્ર ગ્રંથના પાંચમા અને છઠ્ઠા વ્યાખ્યાનમાં પૂ.ગુરૂભગવંતો દ્વારા વર્ણવાયેલ.
સ્થાનકવાસી સંઘોમાં પણ માતા ત્રિશલાના સ્વપ્ન ઉતારવામાં આવેલ. ઉપાશ્રયોમાં બિરાજમાન પૂ.ગુરૂભગવંતોની જ્ઞાન વાણીનો ભાવિકો પર્યુષણ મહાપર્વે અપૂર્વ લાભ લઇ રહ્યા છે.

(3:11 PM IST)










