<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

રાજકોટમાં ૧૧ લાખ રૂપિયા ઓળવી જવા ભાણેજે જ રચ્યું હતું લૂંટનું કાવત્રું

નાનામવા રોડ પર સાગરચોક પાસે રૂા. ૧૧ લાખની લૂંટમાં કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલયો: ભાણેજ ધીરેન્દ્રસિંહ અને અન્ય બે શખ્સો સામે ગુનો દાખલ

રાજકોટ: શહેરના નાનામવા રોડ પર સાગરચોક પાસે રૂા. ૧૧ લાખની લૂંટ થયાની પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટી જાહેરાત કરી કાવત્રું રચનાર ભાણેજ સહિતના ત્રણ શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટ, મેહુલનગર બંધ શેરીમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા (ઉ.વ.૪૪) કાનગી શાળામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ઉ.વ.૩૨, રહે. ઘનશ્યામનગર શેરી નં. ૧) વાહનોની લે-વેચનું કામ કરે છે. ભાણેજ ધીરેન્દ્રસિંહે ધંધા માટે નાણાંની જરૂરિયાત જણાવતા મામા હરદેવસિંહે મોટામવામાં રહેતા તેમના સાઢુભાઈ પાસેથી રૂા. ૧૧ લાખ રોકડા મેળવીને ભાણેજને આપ્યા હતા. બાદમાં આજે હરદેવસિંહે આ રકમ પરત માંગતા ધીરેન્દ્રસિંહે તેમને ઘનશ્યામનગર બોલાવ્યા હતા અને રૂા. ૧૧ લાખ ભરેલો થેલો આપીને મોટામવા ગામે જવા નીકળ્યા હતા. હરદેવસિંહ બાઈક ચલાવતા હતા અને રોકડ ભરેલો થેલો પાછળ બેઠેલા ભાણેજ ધીરેન્દ્રસિંહના હાથમાં હતો.

​જ્યારે તેઓ નાનામવા રોડ પર સાગરચોક પાસે પહોંચ્યા ત્યારે અચાનક બે શખ્સો બાઈક પર આવ્યા અને રોકડ ભરેલો થેલો ઝૂંટવીને નાસી છૂટ્યા હોવાનું નાટક કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા જ ડી.સી.પી. જગદીશ બાંગરવા, ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પરંતુ, પોલીસની સઘન તપાસ અને પૂછપરછમાં આ લૂંટની ઘટના સંપૂર્ણપણે બોગસ અને પૂર્વઆયોજિત હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ભાણેજ ધીરેન્દ્રસિંહે તેના મામાને નાણાં પરત ન કરવા પડે અને રકમ પોતાના કબ્જામાં રાખી શકાય તે માટે અગાઉથી જ અન્ય બે શખ્સો સાથે મળીને આ લૂંટનું તરકટ રચ્યું હોવાનું ખુલતા તાલુકા પોલીસે સરકાર પક્ષે ફરિયાદી બનીને ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

(9:58 AM IST)